Nov 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-991

 

યુધિષ્ઠિરે કહ્યું-હે મહાબાહુ શ્રીકૃષ્ણ,તમે કહો છો તેમ જ છે.તમારો વેગ ધારણ કરવાને ભીષ્મ સમર્થ નથી.પણ હું મારા પોતાના જ ગૌરવ માટે તમને મિથ્યાવાદી (વચન તોડનાર) કહેવડાવવા માગતો નથી.હે માધવ,યુદ્ધ કર્યા વિના માત્ર યોગ્ય સલાહ આપીને જ તમે અમને મદદ કરો.પિતામહે મને વચન આપ્યું છે કે-'હું તને યોગ્ય સલાહ આપીને સહાય કરીશ,પણ તારે માટે યુદ્ધ નહિ કરું.હું તને સત્ય કહું છું કે મારે દુર્યોધન માટે લડવું પડશે' હે માધવ,તેમનું વચન હોવાથી તે મને સારી સલાહ આપશે.તો આપણે બધા એકત્ર થઈને ભીષ્મ પાસે જઈએ અને એમનો પોતાનો વધ શી રીતે થાય? તે પ્રશ્ન તેમને જ પૂછીએ.એ પિતામહ આપણને હિતકારક વચન જ કહેશે.અને જે પ્રમાણે એ કહેશે તે પ્રમાણે જ હું સંગ્રામમાં અવશ્ય કરીશ.તે આપણને યોગ્ય સલાહ અને જય આપશે.હાય,જેમણે અમને ઉછેરીને મોટા કર્યા તે પિતામહને જ હું મારવા ઈચ્છું છું,મારા ક્ષત્રિય જીવતરને ધિક્કાર છે'

યુધિષ્ઠિરના વચન મુજબ,શ્રીકૃષ્ણ અને પાંડવો,ભીષ્મ પાસે ગયા,ને તેમને મસ્તક નમાવી પ્રણામ કર્યા.પિતામહે તે સર્વને આવકાર આપીને કહેવા લાગ્યા કે-'હે કૃષ્ણ,હે પાંડવ ભાઈઓ,તમે બધા ભલે પધાર્યા,બોલો તમારી પ્રીતિને વધારનારૂ કયું કાર્ય આજે મારે કરવાનું છે?તમારું કાર્ય અતિ દુષ્કર હશે તો પણ હું તેને સર્વ પ્રકારે કરીશ' ત્યારે યુધિષ્ઠિર દીન થઈને પ્રીતિપૂર્વક ભીષ્મને કહેવા લાગ્યા કે-'હે સર્વજ્ઞ,અમારો જય કેવી રીતે થાય,અમને શું કરવાથી રાજ્ય મળે?આ યુદ્ધથી થતો મહા નાશ કેવી રીતે ન થાય?વળી તમે પોતે જ તમારા નાશનો ઉપાય અમને કહી બતાવો.આ સંગ્રામમાં અમે તમને કેવી રીતે સહન કરી શકીએ?કારણકે તમારા સામર્થ્યની જરા પણ ઉણપ અમારા જોવામાં આવતી નથી.હાથમાં ધનુષ્ય લઈને ઉભેલા તમને અમે જોઈ શકતા નથી.તમને જીતવાનો કયો મનુષ્ય ઉત્સાહ કરી શકે?તમે મારી મોટી સેનાનો નાશ કરી નાખ્યો છે,માટે જેમ કરવાથી અમે તમને યુદ્ધમાં જીતી શકીએ તેવો ઉપાય અમને કહો.'


એ સાંભળી ભીષ્મ પિતામહ કહેવા લાગ્યા કે-'હે કુંતીપુત્ર,હું જ્યાં સુધી જીવતો છું,ત્યાં સુધી આ યુદ્ધમાં તમારો વિજય થવાનો નથી,માટે જો તમને વિજયની ઈચ્છા હો તો હું તમને આજ્ઞા આપું છું કે-તમે મારા પર જ એકદમ પ્રહાર કરો.તમે મને આવો અતુલ શક્તિવાળો જાણી ગયા છો એ જ મોટા પુણ્યની વાત છે.ને જેથી જ તમે મારા શરણે આવ્યા છો.તમે જો આ ન જાણ્યું હોત તો બિચારા ક્ષત્રિયોનો નાશ થયા કરત.પણ હવે મને લાગે છે કે આ સંહાર અટકશે ને યુદ્ધમાં તમારો વિજય થશે.મારા મુઆ પછી બધા મુઆ જ છે-એમ તમારે સમજવું.માટે મને મારી નાખવાનો ઉપાય તમે કરો.'


યુધિષ્ઠિર કહ્યું-'જે ઉપાયથી અમે તમને યુદ્ધમાં જીતી શકીએ તે ઉપાય તમે જ અમને કહો કેમ કે 

યુદ્ધમાં કાળની જેમ ઉભેલા તમને ઇન્દ્ર સહીત દેવો અને અસુરો પણ જીતી શકે નહિ તે અમે જાણીએ છીએ.

ભીષ્મએ કહ્યું-'હે મહાબાહુ,જે તું કહે છે તે ખરું જ છે.યુદ્ધમાં હું મારા શસ્ત્રો લઈને ઉભો હોઉં ત્યાં સુધી કોઈ પણ મને જીતી શકે નહિ,પણ જો હું શસ્ત્રોનો ત્યાગ કરું તો જ મારો કોઈ પણ મહારથી નાશ કરી શકે.મારા પૂર્વના વિચારેલા સંકલ્પને તું સાંભળ.જેણે શસ્ત્રો ફેંકી દીધાં હોય,જે રણભૂમિ પર પડી ગયેલો હોય,જેણે પોતાના કવચ અને ધ્વજા ઉતારી દીધાં હોય,જે રણમાંથી નાસી જતો હોય,જે ભયભીત હોય,જે 'હું તમારે શરણે છું' એમ કહેનાર હોય,જે સ્ત્રી હોય કે સ્ત્રીના નામને ધારણ કરનાર હોય,જે મૂર્છિત થયેલો હોય,જે એક પુત્રવાળો હોય ને જે કોઈ દુષ્ટ હોય-તેવા માણસોની જોડે યુદ્ધ કરવું મને ગમતું નથી.


વળી,અમાંગલિક ધ્વજાવાળા પુરુષને જોઈ હું તેની સામે કદી પણ લડતો નથી.તમારા સૈન્યમાં દ્રુપદપુત્ર શિખંડીનું વૃતાંત તમે સર્વ જાણો છો.પૂર્વે તે સ્ત્રી હતો,ને તેથી તેના પર હું કદી પણ પ્રહાર કરવા નહિ ઈચ્છું.એ સમયનો લાભ લઈને અર્જુન ભલે મારા પર બાણો વડે પ્રહાર કરે.શ્રીકૃષ્ણ અને અર્જુન સિવાય,ત્રણે લોકમાં બીજો કોઈ મને હણી શકે તેમ હું જોતો નથી.માટે અર્જુન,એ શિખંડીને કે એ સિવાયના મારા સઁકલ્પમાં વર્ણવાયેલા કોઈ પુરુષને આગળ કરીને મને ભલે મારી નાખે અને એમ કરવાથી જ તમારો જય થશે.અને તમારી સામે આવેલા સર્વ કૌરવોનો પણ તમે વધ કરી શકશો.'


ભીષ્મે કહેલું બરાબર સમજી લઈને સર્વ પોતાની છાવણી તરફ ગયા.ભીષ્મના વચનથી દુઃખથી સંતાપ પામેલો અર્જુન શરમાઈને શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો કે-'હે માધવ,ગુરુસમાન,કુરુઓમાં વૃદ્ધ,બુદ્ધિમાન અને મહાજ્ઞાની પિતામહને હું કેમ મારી શકું?નાનપણથી જ જેમના ખોળામાં રમીને અમે મોટા થયા છીએ,તેમને મારે કેમ મારવા? ભલે મારો નાશ થાય પણ હું એ શસ્ત્રહીન મહાત્મા પર પ્રહાર કરીને તેમને કેમ મારી શકું? તમારું શું માનવું છે?' 


શ્રીકૃષ્ણે કહ્યું-'હે અર્જુન,પૂર્વે યુદ્ધમાં ભીષ્મનો વધ કરવાની પ્રતિજ્ઞા કરીને ક્ષાત્રધર્મને અનુસારનારો તું એમને કેમ નહિ મારે? એમને માર્યા સિવાય તારો વિજય થવાનો નથી.દેવોએ એ પ્રથમથી જ જોઈ મૂકેલું છે કે ભીષ્મનો આ પ્રમાણે જ નાશ થશે.

આમ,જે પ્રથમથી જ નિર્માણ થઇ ચૂક્યું છે તે અન્યથા થનાર નથી.માટે સ્થિર થઈને તું ભીષ્મનો વધ કર.વળી મારું વચન સાંભળ.પૂર્વકાળમાં બૃહસ્પતિએ ઇન્દ્રને કહ્યું હતું કે-'પોતાનો વડીલ હોય,અતિ વૃદ્ધ હોય,ગુણવાન હોય પણ તે પુરુષ જો આતતાયી હોય અને પોતાનો વધ કરવા આવતો હોય તો તેને મારી નાખવો' મારે હે અર્જુન,ક્ષત્રિયોનો આ શાશ્વત ધર્મ છે કે તેમણે ન્યાયપૂર્વક યુદ્ધ કાર્ય કરવું,પ્રજાનું રક્ષણ કરવું અને અસૂયા રાખ્યા વગર યજ્ઞાદિ કર્મો કરવા.'


અર્જુને કહ્યું-'હે કૃષ્ણ,શિખંડી અવશ્ય પિતામહનો નાશ કરનાર થશે.તેને જોઈને ભીષ્મ સદાકાળ યુદ્ધમાંથી નિવૃત્ત થઇ જાય છે.માટે તેને જ આગળ કરીને આપણે કોઈ પણ ઉપાયથી પિતામહને પાડી દઈશું,એમ મારો વિચાર છે.હું તેમને બીજા ધનુર્ધરોને રોકી રાખીશ ત્યારે તે શિખંડી ભીષ્મ સામે લડ્યા કરશે.તે શિખંડીને ભીષ્મ મારશે નહિ,ને શિખંડી તેમનો નાશ કરશે'

આવો નિશ્ચય કરીને સર્વ પોતપોતાના શયનોમાં વિશ્રાંતિ લેવા ગયા (108)

અધ્યાય-107-સમાપ્ત