અધ્યાય-૧૦૮-દશમો દિવસ-ભીષ્મ ને શિખંડીનો સમાગમ
॥ धृतराष्ट्र उवाच ॥ कथं शिखण्डी गांगेयमभ्यवर्तत संयुगे I पांडवाश्च कथं भीष्मस्तन्ममाचक्ष्व संजय ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,પછીના સંગ્રામમાં શિખંડી અને પાંડવો ભીષ્મ સામે કેવી રીતે યુદ્ધ કરવા લાગ્યા?તે મને કહે.
સંજયે કહ્યું-પછી,સૂર્યનો ઉદય થતાં ભેરી,મૃદંગ અને આનક આદિ રણવાજિંત્રો વાગવા લાગ્યાં ને શંખો ફૂંકાવા લાગ્યા.શત્રુઓનો નાશ કરી નાખે તેવો મહાન વ્યૂહ રચીને પાંડવોએ શિખંડીને સર્વ સૈન્યના મોખરામાં રાખ્યો હતો.અર્જુન અને ભીમ-એ બંને ચક્રો આગળ ઉભા રહીને તેનું રક્ષણ કરતા હતા.પાછળના ભાગમાં દ્રૌપદીના પુત્રો અને અભિમન્યુ ઉભા રહ્યા.સાત્યકિ,ચેકિતાન,
ધૃષ્ટદ્યુમ્ન-આદિ તેમના સૈન્યની સાથે તેઓની પાછળ રક્ષણ કરતા ઉભા હતા.ત્યાર પછી,યુધિષ્ઠિર,નકુલ-સહદેવ,વિરાટરાજ અને દ્રુપદરાજ હતા.પાંચ કેકયરાજકુમારો અને ધૃષ્ટકેતુ પાંડવોના સૈન્યના જનઘભાગનું રક્ષણ કરતા હતા.આવી રીતે વ્યૂહ રચના ગોઠવી દઈને પાંડવો મરણિયા થઈને યુદ્ધ કરવા તમારી સેના તરફ ધસ્યા.
હે રાજન,કૌરવો પણ ભીષ્મને સર્વ સૈન્યની આગળ કરીને પાંડવો પ્રત્યે જોશભેર જવા લાગ્યા.દ્રોણાચાર્ય અને અશ્વત્થામા ભીષ્મની પાછળ હતા.હાથીઓના સૈન્યથી વીંટાયેલો ભગદત્ત અશ્વત્થામાની પાછળ ચાલતો હતો કે જેને કૃપાચાર્ય ને કૃતવર્મા અનુસરતા હતા.કંબોજનો સુદક્ષિણ તેમની પાછળ જતો હતો.મગધરાજ જયત્સેન,શકુની,બૃહદબલ,સુશર્મા આદિ તમારા સૈન્યના જનઘભાગનું રક્ષણ કરતા હતા.એ યુદ્ધમાં ભીષ્મ,પૈશાચી,આસુરી-આદિ નવા નવા વ્યુહો રચતા હતા.
ત્યાર પછી,અન્યોન્યને પ્રહાર કરતા,યમરાજાના રાજ્યને વધારનારું મહાન યુદ્ધ ચાલુ થયું.યુદ્ધમાં વધ કરાતા તમારા સૈનિકો,પાંડવોના મહાન સૈન્યને આગળ વધતું અટકાવવાને સમર્થ થયા નહિ.અને પાંડવોથી હાંકી કઢાતું તમારું સૈન્ય ચારે દિશામાં નાસભાગ કરવા લાગ્યું.યુદ્ધમાં મનુષ્યો,ઘોડાઓ ને હાથીઓનો થતો નાશ ભીષ્મથી સહન થઇ શક્યો નહિ અને બાણોનો પ્રહાર કરીને તેમણે મહાપ્રયાસે પાંડવોના સૈન્યને આગળ વધતું અટકાવ્યું.ભીષ્મ એકલા જ સર્વ સૈન્ય સામે ધસી આવ્યા ને શિખંડીના રથ સૈન્યનો નાશ કરી નાખ્યો.જયારે શિખંડીએ ત્રણ બાણોનો પ્રહાર કરીને ભીષ્મને છાતીમાં વીંધ્યા,ત્યારે ભીષ્મ ક્રોધપૂર્વક હસીને તેને કહેવા લાગ્યા કે-તારી ઈચ્છા મુજબ તું મારા પર પ્રહાર કર,પણ હું તારી સાથે યુદ્ધ કરવાનો નથી,વિધાતાએ તને સ્ત્રી તરીકે ઉત્પન્ન કરી હતી તે જ તું શિખંડીની છે'
ભીષ્મનાં વચનથી ક્રોધથી ધમધમી ઉઠેલો શિખંડી તેમને કહેવા લાગ્યો કે-'હે મહાબાહુ,ક્ષત્રિયોનો નાશ કરનારા તમને હું સારી રીતે જાણું છું,પરશુરામની સાથેનું તમારું યુદ્ધ મારા સાંભળવામાં આવ્યું છે,ને તમારો દિવ્ય પ્રભાવ પણ મેં સાંભળેલો છે,છતાં હું આજે પાંડવોનું પ્રિય કરવા તમારી સામે લડીશ.હું સોગંધ ખાઈને કહું છું કે આજે હું તમને અવશ્ય મારીશ,તમે મારા પર પ્રહાર કરો કે ન કરો પણ હું યુદ્ધમાં તમને જીવતા છોડવાનો નથી.તમને ફરી આ લોક જોવા નહિ મળે' એમ કહી તેણે ભીષ્મ તરફ પાંચ પર્વવાળાં બાણોનો પ્રહાર કર્યો.શિખંડીનાં વાક્યો સાંભળી,અર્જુન,'આજે બરોબર લાગ આવ્યો છે' એમ વિચારીને શિખંડીને કહેવા લાગ્યો કે-'હે શિખંડી,બીજા મહારથીઓને મારા બાણો વડે નસાડી મૂકીને હું તારી પાછળ જ આવ્યા કરીશ,તું ક્રોધપૂર્વક ભીષ્મ સામે ધસી જા.આજે કોઈ યોદ્ધો તને પીડા કરી શકશે નહિ,માટે યત્ન કરીને ભીષ્મ સામે જ ધસ.આજે જો ભીષ્મને માર્યા સિવાય તમે પાછા ફરશો તો મારી અને તમારી બંનેની હાંસી થશે,માટે ભીષ્મને બરાબર સાધો.બીજા મહાબળવાન કૌરવોને હું એકલો જ.જેમ કિનારો સમુદ્રને રોકી રાખે તેમ,રોકી રાખીશ.તમે માત્ર ભીષ્મનો નાશ કરો'
અધ્યાય-108-સમાપ્ત