અધ્યાય-૧૦૯-દશમો દિવસ (ચાલુ)અર્જુનની વીરતા
॥ धृतराष्ट्र उवाच ॥ कथं शिखंडी गांगेयमभ्यधावपितामहम I पांचाल्यः समरे कृद्वो धर्मात्मानं यतव्रतम् ॥१॥
ધૃતરાષ્ટ્રે કહ્યું-એ યુદ્ધમાં ક્રોધાયમાન થયેલો શિખંડી,નિયમિત વ્રતવાળા અને ધર્માત્મા ગંગાપુત્ર ભીષ્મ સામે યુદ્ધ કરવા કેવી રીતે ધસ્યો?પાંડવોના યોદ્ધાઓ તેનું કેવી રીતે રક્ષણ કરતા હતા?વળી,ભીષ્મે પાંડવોની સામે કેવી રીતે યુદ્ધ કર્યું? તે મને કહે.ભીષ્મ સામે શિખંડી યુદ્ધ કરે એ મારાથી સહન થતું નથી.ભીષ્મનું ધનુષ્ય કે રથ તો ભાંગી પડ્યા ન હતાં ને?
સંજયે કહ્યું-હે રાજન,એ યુદ્ધમાં ભીષ્મનાં ધનુષ્ય કે રથ ભાંગી પડ્યાં નહોતા.પણ તેમણે તો મજબૂત ગાંઠાવાળા બાણો વડે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે શત્રુઓનો સંહાર કરી નાખ્યો હતો.તે ભીષ્મને સર્વ પાંચાલો ને પાંડવો વારી શક્યા ન હતા.ભીષ્મે તીક્ષ્ણ બાણોના પ્રહારથી શત્રુ સેનાને સેંકડો અને હજારો ભાગમાં વિખેરી નાખી હતી.પાંડવો ભીષ્મને જીતી શકતા નહોતા.
ત્યારે અર્જુન સામે આવીને,બાણોના સમૂહને છોડતો રણસંગ્રામમાં કાળની જેમ ઘૂમવા લાગ્યો,ને તેનાથી ત્રાસ પામીને કૌરવ સૈન્યના સૈનિકો નાસવા લાગ્યા હતા.એમ પોતાના સૈન્યને અત્યંત પીડાતું જોઈને દુર્યોધન ભીષ્મને કહેવા લાગ્યો કે-
'હે તાત,આ અર્જુન,જેમ,અગ્નિ વનને બાળી નાખે તેમ,મારા સૈન્યનો ઘાણ કાઢી નાખે છે.મારું સૈન્ય ચારે બાજુ નાસી રહ્યું છે ને એમ સૈન્યમાં મોટું ભંગાણ પડ્યું છે.એ જ પ્રમાણે ભીમસેન,સાત્યકિ,ચેકિતાન,અભિમન્યુ,ધૃષ્ટદ્યુમ્ન,ઘટોત્કચ આદિ મહાયોદ્ધાઓ પણ મારા સૈન્યનો મોટો વધ કરતા,સૈન્યને નસાડી રહ્યા છે,જેથી આ સૈન્યને યુદ્ધમાં સ્થિર કરવા માટે તમારા વિના બીજો એક પણ આશ્રય મને નથી.આપ તેમને પહોંચી વાળવા સમર્થ છો,માટે પીડિતના શરણ થાઓ'
ભીષ્મે મનમાં વિચાર કર્યો અને પછી પોતાનો નિશ્ચય કરીને તમારા પુત્રને હિંમત આપી તેને કહેવા લાગ્યા કે-'હે દુર્યોધન,સ્થિર થઈને સાંભળ.મેં તારી પાસે પૂર્વે પ્રતિજ્ઞા કરી હતી કે 'હું હંમેશાં દશ હજાર ક્ષત્રિયોનો નાશ કરીને રણસંગ્રામમાંથી પાછો ફરીશ.ને એ પ્રતિજ્ઞા મુજબ આજ (નવ)દિવસ સુધી હું વર્ત્યો છું.આજે હું મહાન પરાક્રમ કરવાનો છું.આજે હું માર્યો જઈને રણભૂમિ પર સુઈ જઈશ અથવા પાંડવોને મારી નાખીશ.આજે સેનાના મોખરામાં રહીને માર્યો જઈ,તારું ખાધેલું હું હલાલ કરીશ અને તારા સ્વામીપિંડના ઋણમાંથી મુક્ત થઈશ'
દુર્યોધનને આમ કહીને ભીષ્મ પાંડવોની સેના તરફ ધસ્યા.એ દશમે દિવસે ભીષ્મે પોતાની અદભુત શક્તિ બતાવી અને પાંડવોના સો હજાર સૈનિકોને મારી નાખ્યા.વળી,અગ્નિની જેમ બળતા તેઓએ દશ હજાર હાથીઓ,દશ હજાર ઘોડાઓ અને અસંખ્ય પાળાઓનો સંહાર કરી નાખ્યો.સંહાર કરતા તેમને જોવાને પણ કોઈ યોદ્ધો શક્તિમાન થતો નહોતો.ભયંકર સંહાર કરતા તે ભીષ્મની સામે પાંડવ પક્ષના મહાવીરો ભીષ્મનો વધ કરવા તેમની સામે ધસ્યા ને તેમની ચારે બાજુ વીંટાઈ વળ્યા ને તેમની વચ્ચે ફરી મહાયુદ્ધની શરૂઆત થઇ.(39)
અધ્યાય-109-સમાપ્ત
