Feb 7, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1040

 

અધ્યાય-૩૪-ચક્રવ્યૂહ રચના (ચક્રાવો)


II संजय उवाच II समरेत्युग्रकर्माणि: कर्मभिर्व्यजितश्रमाः I सकृष्णा: पांडवा: पंच देवैरपि दुरासदाः II १ II

સંજય બોલ્યો-યુદ્ધમાં અતિ પરાક્રમ કરનાર અને પરાક્રમથી જ સ્પષ્ટ દેખાતા,પરિશ્રમવાળા શ્રીકૃષ્ણ સહીત પાંચ પાંડવો,દેવોથી પણ ગાંજ્યા જાય તેવા નહોતા.ધૈર્ય,પરાક્રમ,વંશ,બુદ્ધિ,કીર્તિ,યશ અને શોભા-આ બધા ગુણોની સમાનતાવાળો યુધિષ્ઠિર સિવાયનો બીજો કોઈ પુરુષ થયો નથી અને થશે પણ નહિ.હે રાજન,પ્રલયકાળનો યમ,વીર્યવાન પરશુરામ અને રથમાં બેઠેલો ભીમ એ ત્રણેય લોકમાં સરખા જ કહેવાય છે.પ્રતિજ્ઞાપાલન અને પરાક્રમ કરવામાં ચતુર એવા ગાંડીવધારી અર્જુનની તો આખી પૃથ્વીમાં મને ઉપમા જ મળતી નથી.

વડીલો પર પૂજ્યભાવ,કરેલાં કર્મોનું ગોપન,વિનય,ઇન્દ્રિયોનો સંયમ,સૌંદર્ય અને શૌર્ય-આ છ ગુણો નકુળમાં રહેલા છે.વીર સહદેવ,શાસ્ત્ર,ગંભીરતા,મીઠાશ,સત્ય,રૂપ અને પરાક્રમમાં અશ્વિનીકુમાર સરખો છે તથા પાંડવોમાં જે ગુણો છે તે બધા એકલા અભિમન્યુમાં જ દેખાય છે.પરાક્રમમાં તે યુધિષ્ઠિર સરખો છે,ચરિત્રમાં તે શ્રીકૃષ્ણ સરખો છે,કર્મોમાં ભયંકર કર્મ કરનાર ભીમ સરખો છે,રૂપ,પરાક્રમ ને શસ્ત્રમાં તે અર્જુન સરખો છે ને વિનયમાં સહદેવ-નકુલ સરખો છે.


ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સૂત,સુભદ્રાનંદન અભિમન્યુ કદી પણ પરાજય પામે તેવો નથી,છતાં તે યુદ્ધમાં કેમ માર્યો ગયો?'

સંજય બોલ્યો-હે મહારાજ,આચાર્યે ચક્રવ્યૂહ રચ્યો તેમાં સર્વ રાજાઓને ગોઠવ્યા.વ્યુહના આરાઓમાં રાજકુમારોને ગોઠવ્યા.તે સમયે બધાએ એકત્ર રહેવાનો સંકેત કર્યો હતો.તે બધાએ લાલ વસ્ત્રો ને આભૂષણો ધારણ કર્યા હતા.તે બધા રાજપુત્રો એકત્ર થઈને અભિમન્યુ સામે યુદ્ધ કરતા હતા.તેમની કુલ સંખ્યા દશ હજારની હતી અને બધા હાથમાં ધનુષ્યો લઈને તમારા પુત્ર લક્ષ્મણને આગળ કરીને ચાલતા હતા.દુર્યોધન વ્યુહના મધ્ય ભાગમાં ઉભો હતો.ને કર્ણ,દુઃશાસન,ને કૃપ તેને વીંટાઇને ઉભા હતા.તે સૈન્યના મોખરામાં દ્રોણાચાર્ય ને સીંધુરાજ જયદ્રથ અડગ થઈને ઉભા હતા.જયદ્રથ પાસે તમારા ત્રીસ પુત્રો અશ્વત્થામાને આગળ કરીને ઉભા હતા.વળી,શકુની,શલ્ય અને ભૂરિશ્રવા પણ જયદ્રથને પડખે ઉભા હતા.પછી બંને પક્ષના યોદ્ધાઓ વચ્ચે 'મરણ થાય પણ પાછા ન હટવું' એવા નિશ્ચયવાળું,જોતાં રુવાંડાં ખડાં થઇ જાય એવું તુમુલ યુદ્ધ શરુ થયું હતું.(25)

અધ્યાય-34-સમાપ્ત