અધ્યાય-૪૩-જયદ્રથની અદભુત શક્તિ
II संजय उवाच II यन्मां प्रुच्छसि राजेन्द्र सिन्धुराजस्य विक्रमम् I शृणु तत्सर्वमाख्यस्ये यथा पांडुनयोधयत II १ II
સંજય બોલ્યો-હે રાજેન્દ્ર,તમે મને સિંધુરાજના પરાક્રમ વિષે પૂછ્યું તો હવે તે વિષે સાંભળો.સિંધુદેશના ઘોડાઓ જોડેલા રથ પર વરાહના ચિહ્નનવાળો મહાન રૂપેરી ધ્વજ શોભતો હતો.તે રથમાં બેસીને જયદ્રથે મોટું ધનુષ્ય પહોળું કરીને અનેક બાણો ફેંકવા માંડ્યા હતા ને અભિમન્યુએ વ્યુહના જે જે ભાગો તોડી નાખ્યા હતા તેને પાછા પુરી દીધા હતા.તેણે સાત્યકિ,ભીમ,ધૃષ્ટદ્યુમ્ન,
વિરાટરાજ,દ્રુપદરાજ,શિખંડી,કેકયકુમારોને,દ્રૌપદીના પુત્રોને અને યુધિષ્ઠિરને અનેક બાણો છોડીને વીંધી નાખ્યા અને બીજા યોદ્ધાઓને મોટા બાણોના જથ્થાથી પાછા હટાવ્યા,એ અદભુત હતું.
ધર્મરાજે એક ભલ્લ બાણ છોડીને જયદ્રથના ધનુષ્યને કાપી નાખ્યું ત્યારે તેણે પલકવારમાં જ બીજું ધનુષ્ય લઈને યુધિષ્ઠિરને દશ બાણો વડે વીંધી નાખ્યા.ભીમસેને ત્રણ ભલ્લ બાણો વડે તેનાં ધનુષ્ય,ધજા અને છત્રને પૃથ્વી પર પટકી પાડ્યાં ત્યારે જયદ્રથે તુરંત જ નવું ધનુષ્ય લઈને ભીમના ધનુષ્યને તોડીને તેના ઘોડાઓને મારી નાખ્યા.ત્યારે ભીમ પોતાના રથમાંથી ઉતરીને સાત્યકીના રથ પર ચડી ગયો.સિંધુરાજનું પરાક્રમ જોઈને તમારા સર્વ યોદ્ધાઓ હરખમાં આવી ગયા.
પ્રથમ ઉત્તર દિશા તરફ લડનારા હાથીઓને હણી નાખીને અભિમન્યુએ,વ્યૂહમાં દાખલ થવાનો જે માર્ગ બતાવ્યો હતો તે માર્ગને જયદ્રથે રોકી દીધો.મત્સ્ય,પાંચાલ,કેકય,પાંડવ આદિ વીર યોદ્ધાઓ વ્યૂહમાં દાખલ થવાનો ઘણો પ્રયત્ન કરતા હતા,છતાં,સિંધુરાજની સામે થઇ શક્યા નહિ.જે જે યોદ્ધો દ્રોણના સૈન્યને તોડી નાખવા પ્રયત્ન કરતો હતો તે યોદ્ધાની સામે જઈને જયદ્રથ રાજા તેને અટકાવી દેતો હતો.(19)
અધ્યાય-43-સમાપ્ત