અધ્યાય-૪૨-જયદ્રથને શંકરનું વરદાન
II धृतराष्ट्र उवाच II बालमत्यन्तसुखिनं स्वबाहुबलदर्पितम् I युद्धेषु कुशलं वीरं कुलपुत्रं तनुत्यजम II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-બાળક,અત્યંત સુખી,પોતાના બાહુબળથી ગર્વિષ્ઠ,યુદ્ધમાં કુશળ,વીર,કુળવાનનો પુત્ર અને
શરીરની દરકાર નહિ રાખનારો એ અભિમન્યુ,ત્રણ વર્ષના ઘોડાઓને લઈને જયારે કૌરવ સૈન્યમાં દાખલ થયો
ત્યારે યુધિષ્ઠિરના સૈન્યમાંથી કયો બળવાન યોદ્ધો તેની પાછળ પાછળ ચાલતો હતો?
સંજય બોલ્યો-ત્યારે યુધિષ્ઠિર,ભીમસેન,શિખંડી,સાત્યકિ,નકુલ,સહદેવ,ધૃષ્ટદ્યુમ્ન,વિરાટ,દ્રુપદ,કેકયો,ધૃષ્ટકેતુ,મત્સ્ય યોદ્ધાઓ,અભિમન્યુના મામાઓ-આદિ સર્વ યોદ્ધાઓ અભિમન્યુનું રક્ષણ કરવાની ઈચ્છાથી પોતપોતાનાં સૈન્યોને બરાબર ગોઠવી દઈને પ્રહાર કરતા રણમાં ધસી આવ્યા હતા,ને તેમને જોઈને તમારા પક્ષના લડવૈયાઓ રણમાંથી હટી જઈને પીઠ દેખાડવા લાગ્યા હતા.એ રીતે તમારા સૈન્યને નાસભાગ થતું જોઈને તમારો તેજસ્વી જમાઈ જયદ્રથ સૈન્યને સ્થિર કરવાની ઈચ્છાથી પાંડવો સામે ધસી આવ્યો ને બાણોની વર્ષા કરીને તેણે પાંડવોને સૈન્ય સહીત અટકાવ્યા હતા.મહાધનુર્ધર એવા તે વૃદ્ધક્ષત્રના પુત્ર જયદ્રથે તે વેળા દિવ્ય અસ્ત્રો પ્રકટ કર્યા હતાં.ને પાંડવોને ખાળી રાખ્યા હતા.
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,સીંધુરાજ જયદ્રથ પર ઘણો મોટો ભાર આવી પડેલો હું માનું છું.કારણકે ક્રોધાયમાન થઈને તેણે એકલાએ પાંડવોને વારી રાખ્યા હતા.જો કે તેનું બળ અને શૌર્ય અતિ અદભુત છે એમ હું માનું છું,તો પણ તેનું મુખ્ય પરાક્રમ તું મને કહે.તે સીંધુરાજે એવો કયો યજ્ઞ કે તપ કર્યું હતું?કે તેથી તેણે એકલાએ પાંડવોને વારી રાખ્યા?
સંજય બોલ્યો-જે સમયે જયદ્રથે દ્રૌપદીનું હરણ કર્યું હતું,તે સમયે ભીમસેને તેનો પરાજય કર્યો હતો.એ અપમાનનો બદલો લેવા માટે તેણે ઘણું મોટું તપ કરવા માંડ્યું હતું.તેણે સનાતન ૐકારનું ઉચ્ચારણ કરીને શંકરદેવનું આરાધન કરવા માંડ્યું,કે જેથી શંકરે તેના પર કૃપા કરી તેને વર માંગવા કહ્યું.ત્યારે જયદ્રથે વર માંગ્યું કે-'હું ઈચ્છું છું કે યુદ્ધમાં હું એકલો જ કેવળ એક રથની સહાયતા લઈને ભયકંર પરાક્રમવાળા પાંડવોને વારી શકું' ત્યારે ભગવાન શંકરે વરદાન આપતાં કહ્યું કે-'હે સૌમ્ય,હું તને વર આપું છું કે તું એક અર્જુન સિવાયના ચાર પાંડુપુત્રોને યુદ્ધમાં વારી શકશે.' હે રાજન,શંકરના એ વરદાનના ને દિવ્ય અસ્ત્રોના પ્રભાવથી તેણે એકલાએ પાંડવોની સેનાને આગળ વધતી અટકાવી હતી.કે જેથી તમારા સૈન્યમાં ફરી ઉત્સાહ ઉભો થયો અને સર્વ ક્ષત્રિયો મોટી ગર્જનાઓ કરીને યુધિષ્ઠિરના સૈન્ય તરફ ધસ્યા હતા (22)
અધ્યાય-42-સમાપ્ત