Feb 15, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1047

 

અધ્યાય-૪૧-કર્ણ રથમાંથી પલાયન થયો 


II संजय उवाच II सोतिगर्जन धनुष्याणिर्ज्या विकर्षन्पुनः पुनः I तयोर्महान्मोग्तुर्ण रथान्तरमया पतत् II १ II

સંજય બોલ્યો-આમ ધનુષ્યની દોરી ખેંચી,વારંવાર મોટી ગર્જના કરતો કર્ણનો નાનો ભાઈ,કર્ણ અને અભિમન્યુના રથ વચ્ચે આવીને ઉભો ને તરત જ તેણે દશ બાણો છોડીને અભિમન્યુને છત્ર,ધજા અને સારથી સહીત વીંધી નાખ્યો,ત્યારે તમારા પક્ષના યોદ્ધાઓ આનંદમાં આવી ગયા.ત્યારે,અભિમન્યુએ તુરત એક જ બાણ છોડીને તેના મસ્તકને છેદી નાખ્યું.પોતાના ભાઈને મરણ પામેલો જોઈને કર્ણ ઘણો દુઃખી થયો.અભિમન્યુએ બીજાં અનેક બાણો છોડીને કર્ણને યુદ્ધમાંથી હઠાવી દીધો અને પોતે સત્વર બીજા ધનુર્ધરો સામે ધસ્યો ને તે વિશાળ સૈન્યને ભેદી નાખ્યું.આમ,કર્ણ રણમાંથી નાસી ગયો ત્યારે સૈન્યમાં ભંગાણ પડ્યું.અભિમન્યુના બાણોથી સર્વ પ્રદેશ ઢંકાઈ ગયો હતો અને ત્યાં કંઈ પણ દેખાતું નહોતું.

એક સિંધુરાજ સિવાય બીજો જોઈ યોદ્ધો ત્યાં ઉભો રહ્યો નહોતો.હે રાજન,અભિમન્યુના આ પરાક્રમ અને સંહારમાં માર્યા ગયેલા ક્ષત્રિયો,ઘોડાઓ,હાથીઓથી છવાયેલી રણભૂમિનું સ્વરૂપ જોવું પણ ન ગમે તેવું અતિ દારુણ થઇ ગયું હતું.સંહાર કરાતા રાજપુત્રોના તથા અન્યોન્ય આક્રંદ કરતા યોદ્ધોઓનો,બીકણોના ભયમાં વધારો કરે તેવો મહાન શબ્દ પ્રગટ થઇ રહ્યો હતો.તે શબ્દે સર્વ દિશાઓ ગજવી મૂકી હતી.અભિમન્યુ તો સારા સારા રથીઓ,ઘોડેસ્વારો,હાથીસ્વારોનો સંહાર કરતો આગળ ને આગળ ધસ્યો જતો હતો.ને સેનાના મધ્ય ભાગમાં ઘૂમતો દેખાતો હતો.(26)

અધ્યાય-41-સમાપ્ત