Page list

Mar 20, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1080

 

અધ્યાય-૮૦-અર્જુન સ્વપ્ન


 II संजय उवाच II कुंतीपुत्रस्तु तं मन्त्रं स्मरन्नेव धनंजयः I प्रतिज्ञामात्मनो रक्षन् मुमोहाचित्यविक्रमः II १ II

સંજય બોલ્યો-અચિંત્ય પરાક્રમવાળો તથા પોતાની પ્રતિજ્ઞાનું રક્ષણ કરનારો અર્જુન 'જયદ્રથનો વધ કેવી રીતે કરવો?' એ વિચારનું સ્મરણ કરતાં કરતાં જ મોહમાં પડી ગયો ને નિંદ્રાવશ થયો.ત્યારે તેને એક સ્વપ્ન દેખાયું કે જેમાં ગરુડધ્વજ શ્રીકૃષ્ણને પોતાની પાસે આવેલા જોયા.અર્જુને તેમને આસન આપ્યું ને સામો ઉભો રહ્યો ત્યારે અર્જુનનો નિશ્ચય જાણી લઈને શ્રીકૃષ્ણ બોલ્યા કે-'હે અર્જુન,તું મનમાં ખેદ ના કર,કારણકે કાળ દુર્જય છે ને તે કાળ જ સર્વ ભૂતોને અવશ્ય ભાવિ કર્તવ્યમાં પ્રવર્તાવે છે.તું કહે કે તને શોક શા માટે થાય છે? તારે શોક કરવો જોઈએ નહિ કારણકે શોક કાર્યનો નાશ કરે છે.

આથી,તારે જે કાર્ય કરવાનું હોય તેને તું કર્મ દ્વારા કર્યા જ કર.કોઈ પણ જાતનું કર્મ નહિ કરનાર નિરુદ્યમી પુરુષનો શોક તેના શત્રુરૂપે થઇ પડે છે.શોક કરનારો મનુષ્ય,શત્રુઓને આનંદિત કરે છે,બાંધવોને કૃશ કરે છે ને પોતે પણ પ્રતિદિન ક્ષીણ થતો જાય છે માટે તારે,શોક કરવો યોગ્ય નથી.' વાસુદેવે અર્જુનને જયારે આમ કહ્યું ત્યારે,તેમને અર્જુન કહેવા લાગ્યો કે-

'હે કેશવ,જયદ્રથને મારવાની મારી પ્રતિજ્ઞાનો ભંગ કરવા દુર્યોધન તેના રક્ષણ અર્થે પિતાની અક્ષૌહિણી સેના તેની આગળ રાખશે ત્યારે તે સીંધુરાજને જોઈ પણ કેમ શકાશે? મારી પ્રતિજ્ઞા કેમ પાર ઉતરશે? મારી પ્રતિજ્ઞા સંબંધમાં મને સંશય ઘોળાયા કરે છે,વળી,આજકાલ સૂર્યની ગતિ પણ ઉતાવળી છે માટે જ હું તમને આ પૂછું છું.'


ત્યારે અર્જુનના હિતાર્થે શ્રીકૃષ્ણ તેને કહેવા લાગ્યા કે-'હે પાર્થ,પાશુપત નામનું એક સનાતન પ્રેમ અસ્ત્ર છે કે જે અસ્ત્રથી પૂર્વે મહાદેવે સર્વ દૈત્યોનો સંહાર કર્યો હતો,એ અસ્ત્રનું જો તને હમણાં જ્ઞાન હોય તો તું કાલે જયદ્રથનો વધ કરી શકીશ.ને જો તને જ્ઞાન ન હોય તો તું મનથી મહાદેવને શરણે જા.ને તેમનું ધ્યાન કરીને શાંત થઈને બેસ,એટલે તેમની કૃપા થશે ને તે અસ્ત્રને પામશે'

શ્રીકૃષ્ણનાં એ વચન સાંભળીને અર્જુન એકાગ્ર થઈને બેઠોને મનથી મહેશ્વરને શરણે ગયો.ત્યારે ધ્યાનમાં અર્જુન પોતાને શ્રીકૃષ્ણ સાથે આકાશમાં જતો જોવા લાગ્યો.ને જોતજોતામાં તે હિમાલયના પવિત્ર પર્વતોને નિહાળવા લાગ્યો.ને ત્યાં એક કાંતિવાન શિખરની ટોચ પર બેઠેલા શ્રીમહેશ્વરના તેણે દર્શન કર્યા.પોતાના તેજથી તે દેવ હજારો સૂર્યોની જેમ ઝળહળી રહ્યા હતા.


ધર્માત્મા વાસુદેવે,અર્જુનની સાથે ૐકારરૂપ સનાતન બ્રહ્મનું ઉચ્ચારણ કરતાં કરતાં તેમને વંદન કર્યા.સૂક્ષ્મ આધ્યાત્મપદની ઈચ્છાવાળા પુરુષો જેમનું શરણ લે છે તે કેવળ કારણસ્વરૂપ અજન્મા મહાદેવનું શ્રીકૃષ્ણ અને અર્જુને શરણ લીધું.અર્જુન તે દેવને સર્વ ભૂતોના આદિ તરીકે તથા ભૂત,ભવિષ્ય અને વર્તમાનના ઉત્પાદક તરીકે જાણીને વારંવાર વંદન કરવા લાગ્યો.

તે પછી,એ બંને નરનારાયણને ત્યાં આવેલા જોઈને મનમાં પ્રસન્ન થયેલા શ્રીશંકરે હસતા હોય તેમ તેમને કહ્યું કે-

'હે નરશ્રેષ્ઠો,તમે ભલે આવ્યા.હવે તમારો થાક જો ઉતરી ગયો હોય તો તમારા મનનું જે ઇષ્ટ હોય તે કહો.તમે જે કાર્ય માટે અહીં આવ્યા હો તે કાર્ય હું સાધી આપીશ.તમારું કલ્યાણ થાય તેવો વર તમે માગી લો,હું તે તમને આપીશ'

એ વચન સાંભળીને શ્રી વાસુદેવ અને અર્જુન ઉભા થયા અને બંને હાથ જોડીને શ્રીમહેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા.


સર્વના પ્રભુ,સર્વના સંહર્તા,રુદ્ર,વરદાતા,પશુઓના પતિ,ઉગ્ર અને જટાધારી મહેશ્વરને અમારા નમસ્કાર હો (55)

મહાન દેવ,ભીમ,ત્રિનેત્ર,શમપ્રધાન,અસ્ખલિત ઈચ્છાવાળા,પ્રજાપતિ દક્ષના યજ્ઞનો નાશ કરનારા અને અંધકાસુરનો સંહાર કરનારા શ્રીશંકરને અમારા નમસ્કાર હો (56)કાર્તિક સ્વામીના પિતા,નીલકંઠ,પ્રજાઓના વિધાતા,પિનાક ધનુષ્યને ધારણ કરનારા,હવિષ્ય હોવાથી હવિષ્ય,સત્યસ્વરૂપ અને સર્વવ્યાપક શંકરને અમારા નમસ્કાર હો (57)


વિલોહિત,ધૂમ્ર,મૃગસ્વરૂપી બ્રહ્મદેવની પાછળ પારધીના સ્વરૂપને ધારણ કરનાર,અપરાજિત,નિત્ય,નીલકેશ,ત્રિશુલધારી,દિવ્ય દૃષ્ટિવાળા,હોતા સ્વરૂપ,યજ્ઞિય ઋત્વિજરૂપ,ત્રિનેત્ર,વ્યાધસ્વરૂપ,અગ્નિમાં વીર્યક્ષેપ કરવાથી વસુરેતા,અચિંત્ય,પાર્વતીપતિ,સર્વના પોષક,સર્વ દેવો વડે સ્તુતિ કરાયેલા,વૃષભધ્વજ,દીક્ષિત હોવાથી મુંડ,જટાધારી,વીર્યનું ધારણ કરનાર હોવાથી બ્રહ્મચારી,જળમાં તપશ્ચર્યા કરનાર,બ્રહ્મવેત્તા,અજિત,વિશ્વસ્વરૂપ,વિશ્વના સ્ત્રષ્ટા,આખા વિશ્વમાં વ્યાપ્ત થઇ રહેલા,સેવવા યોગ્ય,અને સર્વ ભૂતોના પ્રભુ એવા આપણે સદા અમારા નમસ્કાર હો.(58-61)


વેદપૂર્ણ મુખવાળા,સર્વવ્યાપક,સુખકારક,મંગલસ્વરૂપ,વાણીના પતિ,તથા પ્રજાઓના સ્વામી શંકરને અમારા નમસ્કાર હો(62)

વિશ્વના પતિ,મહત્તતત્વાદિકના પતિ,હજાર મસ્તકવાળા,હજાર ભુજાઓવાળા,તથા મૃત્યુસ્વરૂપ એવા શ્રીમહેશ્વરને નમસ્કાર હો(63)હજાર નેત્રો અને પગવાળા,અસંખ્ય પરાક્રમો કરનારા,સુવર્ણ સમાન વર્ણવાળા,સુવર્ણના કવચને ધારણ કરનારા,ભક્તો પર અનુકંપા રાખનારા શ્રીમહેશ્વરને અમારા નમસ્કાર હો,હે પ્રભુ,અમારો વર નિત્ય સિદ્ધ થાઓ (64)

આ પ્રમાણે અર્જુન અને શ્રીકૃષ્ણે સ્તુતિ કરીને તેમને અસ્ત્રપ્રાપ્તિ માટે પ્રસન્ન કર્યા (65)

અધ્યાય-80-સમાપ્ત