અધ્યાય-૮૧-અર્જુનને પુનઃ પાશુપતાસ્ત્રની પ્રાપ્તિ
II संजय उवाच II ततः प्रार्थः प्रसन्नात्मा प्रांजलिर्वुषभध्वजम् I ददर्शोत्फ़ुलनयनः समस्तं तेजसा निधिम् II १ II
સંજય બોલ્યો-તે પછી,પ્રસન્ન ચિત્તવાળો અર્જુન હાથ જોડીને પ્રફુલ્લિત નેત્રે સમગ્ર તેજના ભંડાર એવા વૃષભધ્વજ શંકરનાં દર્શન કરવા લાગ્યો.નિત્ય નિયમ પ્રમાણે તેણે જે બલિ રાત્રિએ,વાસુદેવને અર્પણ કર્યો હતો તે બલિ તેણે ત્યાં મહાદેવની પાસે રહેલો જોયો.પછી,અર્જુને મનથી શ્રીકૃષ્ણ અને શ્રીશંકરનું પૂજન કર્યું અને 'હું દિવ્ય અસ્ત્રની ઈચ્છા રાખું છું' એમ શંકરને કહ્યું.
શ્રીશંકર બોલ્યા-તમે જે ઈચ્છાથી અહીં આવ્યા છો તે હું તમને આપું છું.અહીં પાસે એક દિવ્ય સરોવર છે તેમે મેં મારાં દિવ્ય ધનુષ્યબાણ મૂક્યાં છે કે જેનાથી મેં અસુરોનો સંહાર કર્યો હતો,તમે ત્યાંથી તે લઇ આવો.
ત્યારે 'બહુ સારું'કહીને તે બંને વીરો મહાદેવના ગણોને લઈને તે દિવ્ય સરોવર તરફ પહોંચ્યા.ત્યારે તેમણે તે જળની અંદર એક ભયંકર સર્પ જોયો.વળી,તે જ સ્થળે એક હજાર ફેણવાળો બીજો સર્પ પણ તેમના જોવામાં આવ્યો કે જે મુખમાંથી મોટી જ્વાળાઓ બહાર કાઢતો હતો.તે બંનેએ સરોવરના જળનું આચમન કરીને મનથી શિવને નમસ્કાર કરી હાથ જોડી તે સર્પો પાસે ઉભા રહ્યા.ને વેદના શતરુદ્રીય ભાગને મુખથી ભણવા લાગ્યા.ત્યારે રુદ્રદેવના માહાત્મયથી તે બંને સર્પોએ પોતાનું સર્પ સ્વરૂપ છોડી દીધું ને તે ધનુષ્ય બાણમાં ફેરવાઈ ગયું.અર્જુને તે હાથમાં પકડીને શ્રીશંકરને અર્પણ કર્યા.
તે વેળા,શ્રીશંકરના એક પડખામાંથી પિંગળા નેત્રવાળો,નીલલોહિત એક બ્રહ્મચારી નીકળ્યો તેણે એ ધનુષ્ય હાથમાં લઈને વીરાસને બેસી,ટટ્ટાર થઇને ને મંત્રવિધિપૂર્વક તે ધનુષ્યને બાણના સંધાનપૂર્વક ખેંચ્યું.અર્જુને ત્યારે જે પ્રકારે ધનુષ્યની પ્રત્યંચાનું આકર્ષણ કરવામાં આવ્યું,જે પ્રકારે ધનુષ્યને મુઠ્ઠીમાં ધારણ કરવામાં આવ્યું ને જે પ્રમાણે પગને રાખીને ઉભા રહેવું પડ્યું હતું તે સંપૂર્ણ રીતે જોઈ લીધું અને પછી મહાદેવે કહેલા મંત્રનું શ્રવણ કરી એણે એ અસ્ત્રને ગ્રહણ કર્યું.પછી,તે નીલલોહિત પ્રભુએ ધનુષ્યમાં સાંધેલા બાણને પુનઃ તે સરોવરમાં જ છોડી મૂક્યું ને ધનુષ્યને પણ ત્યાં પુનઃ છોડી દીધું.
એ સમયે શંકરને પ્રસન્ન થયેલા જાણીને અર્જુનને પૂર્વે હિમાલયના વનમાં શંકરે જે વર આપ્યો હતો તે બધું સ્મરણમાં આવ્યું.તે મનમાં વિચારવા લાગ્યો કે 'તે વર મને ફલિત થાઓ' શ્રીશંકર ભગવાન અર્જુનના માનસિક અભિપ્રાયને જાણી ગયા અને પ્રસન્ન થઈને તેમણે અર્જુનને એ વર આપ્યો.દિવ્ય એવા એ ઘોર પાશુપતાસ્ત્રને શ્રીશંકર પાસેથી મેળવીને અર્જુન હર્ષના રોમાંચવાળો થઇ ગયો ને પોતાના કાર્યને (પ્રતિજ્ઞાને) પરિપૂર્ણ થયેલું માનવા લાગ્યો.પછી,તે શ્રીકૃષ્ણ અને અર્જુને મસ્તક નમાવી શ્રીશંકરને વંદન કરી તેમની આજ્ઞા લઈને ને પ્રસન્ન થઈને પોતાની છાવણીમાં આવી પહોંચ્યા.(25)
અધ્યાય-81-સમાપ્ત
અધ્યાય-૮૨-યુધિષ્ઠિરની તૈયારી
II संजय उवाच II तयो: संवदतोरेवं कृष्णदारुकयोस्तया I सात्यगाद्रजनी राजन्नथ राजान्ववुध्यत II १ II
સંજય બોલ્યો-હે રાજન,શ્રીકૃષ્ણ અને દારુક તે પ્રમાણે વાતચીત કરી રહ્યા હતા,એટલામાં રાત્રિ વીતી ગઈ,અને યુધિષ્ઠિર રાજા જાગ્યા.તે સમયે,સ્તુતિપાઠકો તેમની સ્તુતિ કરવા લાગ્યા.ગવૈયાઓ મંગળ ગીતો ગાવા લાગ્યા ને વાજિંત્રો વાગવા લાગ્યા.
જગ્યા પછી,યુધિષ્ઠિર સ્નાનગૃહમાં ગયા,ત્યાં એકસો આઠ સ્નાન કરાવનારાઓ સુવર્ણના કળશો લઈને તૈયાર ઉભા હતા.
સુગંધિત જળથી સ્નાન કરી,ચંદનનો લેપ લગાવી,પુષ્પની માળા ને ઉત્તમ વસ્ત્રો પહેરી,પૂર્વાભિમુખે હાથ જોડી જાપ કરી યજ્ઞશાળામાં દાખલ થયા અને પવિત્ર આહુતિઓથી અગ્નિપૂજન કર્યું.
પછી,બ્રાહ્મણોના દર્શન કરી,તેમને દાન-દક્ષિણાઓ આપી તે બહારના ખંડમાં જઈને સુવર્ણાસન પર વિરાજ્યા.તે સમયે સુંદર ચામરો ઢોળવામાં આવતાં હતા,ને તે વીજળીઓથી શોભતા મેઘની જેમ શોભી રહ્યા હતા.ભાટચારણો તેમની સ્તુતિ કરતા હતા ને બંદીજનો તેમને વંદન કરી રહ્યા હતા,ગંધર્વો ગાનતાન કરી રહ્યા હતા.તે પ્રમાણે યુધિષ્ઠિર ત્યાં બેઠા હતા,તેવામાં એક મુહૂર્ત જેટલો સમય ગયા પછી રથોનો મહાન ઘોષ સંભળાવા લાગ્યો.હાથીઓના કંઠે બાંધેલી ઘંટાઓના રણકારોથી,શંખોના નાદથી તથા પાળાઓના પગરવથી પૃથ્વી કંપવા લાગી.ત્યારે દ્વારપાળ તેમના અંતઃપુરમાં દાખલ થયો ને વંદન કરી તેણે નિવેદન કર્યું કે-'બહાર શ્રીકૃષ્ણ પધાર્યા છે' યુધિષ્ઠિરે તેમને અંદર લાવવાની આજ્ઞા આપી.શ્રીકૃષ્ણ પધાર્યા ત્યારે ધર્મરાજાએ તેમને ઉત્તમ આસન પર બેસાડીને તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું.(25)
અધ્યાય-82-સમાપ્ત