અધ્યાય-૭૯-શ્રીકૃષ્ણ ને દારુક
II संजय उवाच II ततोर्जुनस्य भवनं प्रविश्याप्रतिमं विभुः I स्पृष्टांभः पुण्डरीकाक्षः स्थंडिले शुभलक्षणे II १ II
સંજય બોલ્યો-તે પછી,કમળ સરખાં નેત્રવાળા વિશ્વવ્યાપક શ્રીકૃષ્ણ,અર્જુનના ભવનમાં દાખલ થયા ને ત્યાં જઈ તેમણે જળસ્પર્શ કર્યો અને દર્ભોની સુંદર શૈયા બિછાવી તેની આસપાસ મંડળાકારે સર્વ ઉત્તમ આયુધો મૂકી દીધાં.ને સેવકો પાસે મહાદેવને અર્પણ કરવાનો રાત્રી સંબંધી બલિ તૈયાર કરાવ્યો.અર્જુને સ્નાન કરીને પ્રસન્ન મનથી ચંદન ને પુષ્પની માળાઓ હાથમાં લઈને શ્રીકૃષ્ણનું પૂજન કર્યું અને મહાદેવને બલિ અર્પણ કર્યો.ગોવિંદે તેને કહ્યું કે-હે પાર્થ,હવે તું સુઈ જા,તારું કલ્યાણ થાઓ'
આમ કહી તંબુના દરવાજા પાર હથિયારબંધ રક્ષક પુરુષોની ગોઠવણ કરીને કેશવે,પોતાના સારથિ દારુકની સાથે પોતાની છાવણીમાં પ્રવેશ કર્યો.ને પથારી પર પડી,સૂતાં સૂતાં અનેક વિચાર કરતા ને અર્જુનના પ્રિય માટે યોજના કરતા હતા.
હે રાજન,તે રાત્રે પાંડવોની છાવણીમાં સર્વ મનુષ્યોને ઉજાગરો જ થયો હતો.સર્વ માંહે માંહે વાતો કરતા હતા કે-
'અર્જુને સિંધુરાજનો વધ કરવાની પ્રતિજ્ઞા લઈને સાહસ કર્યું છે,કારણકે તે જયદ્રથ પણ પરાક્રમી છે,છતાં તેની પ્રતિજ્ઞા પાર પડે એમ આપણે ઇચ્છીએ છીએ.કેમ કે જો તે જયદ્રથનો વધ નહિ કરી શકે તો તેની પ્રતિજ્ઞા મુજબ તે અગ્નિમાં પ્રવેશ કરશે.ને જો તેમ થાય તો તેના પર જ યુદ્ધનો આધાર હોવાથી યુધિષ્ઠિરનું શું થાય?આપણે ઇચ્છીએ કે અર્જુનનો જય થાય'
હે રાજન,તે જ રાત્રિમાં શ્રીકૃષ્ણ મધરાત્રે જાગી ગયા અને અર્જુનની પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને દારુકને કહેવા લાગ્યા કે-
'આ અર્જુને એકાએક જયદ્રથના વધની પ્રતિજ્ઞા કરી છે,ને એ વાત સાંભળતાં દુર્યોધન તેની સર્વ અક્ષૌહિણી સેના સાથે જયદ્રથનું રક્ષણ કરશે.દ્રોણાચાર્યના રક્ષણ તળે રહેલાનો યુદ્ધમાં વધ કરવા ઇન્દ્ર પણ હિંમત કરી શકે તેમ નથી,માટે મારે પોતે જ એવું કરવું પડશે કે અર્જુન સૂર્યાસ્ત પહેલા જયદ્રથનો વધ કરી શકે.હે દારુક,મને મારી સ્ત્રીઓ,મિત્રો,ભાઈઓ કે બીજો કોઈ પણ અર્જુનથી વધારે પ્રિય નથી.આવતી કાલે જો તે જયદ્રથનો વધ ન કરી શકે તો તે અગ્નિપ્રવેશ કરે,ને તે કદી બનશે નહિ.
કાલે,હું જાતે જ અર્જુનના માટે દુર્યોધન ને તેના સૈન્યનો નાશ કરી નાખીશ,ભલે તેઓ ને ત્રણે લોકો મારુ પરાક્રમ જોઈ રહે.મારુ ચક્ર તે રાજાઓનો કેવો સંહાર કરે છે,તે તું જોજે.દેવો,ગંધર્વો,રાક્ષસો-આદિ સર્વ લોકો મને અર્જુનના મિત્ર તરીકે બરાબર જાણશે.જે અર્જુનનો દ્વેષ કરે છે તે મારો પણ દ્વેષ કરે છે.અર્જુન મારુ અર્ધું અંગ છે.માટે આ રાત્રી વીત્યા પછી તું આ ઉત્તમ રથને શાસ્ત્રોક્ત વિધિથી તૈયાર કરીને સત્વરે લાવજે.તે રથમાં કૌમોદીકી ગદા,દિવ્ય શક્તિ,ચક્ર,બાણો ને બીજા શસ્ત્રો મૂકજે.વળી,રથની બેઠક પર ગરૂડઘ્વજની યોજના કરજે.બલાહક,મેઘપુષ્પ,શૈબ્ય,અને સુગ્રીવ નામના ચારે ઘોડાઓને તું બરાબર શણગારીને રથમાં જોડજે.તું પોતે પણ કવચ ધારણ કરીને બરાબર સજ્જ થઈને ઉભો રહેજે.
પછી,હે દારુક,જયારે તું ઋષભ નામના સ્વરથી પૂર્ણ તથા ભયંકર નાદવાળા મારા પાંચજન્ય શંખનો ઘોષ સાંભળે કે તરત જ મારી પાસે આવજે.મારા ફોઈયાત ભાઈ અર્જુનના ક્રોધને તથા સર્વ દુઃખોને હું એક જ દિવસમાં દૂર કરી દઈશ.હું સર્વ ઉપાયે પ્રયત્ન કરીશ એટલે અર્જુન યુદ્ધમાં કૌરવોના દેખતાં જ જયદ્રથનો વધ કરશે,ને તેના પર અવશ્ય વિજય મેળવશે.'
દારુક બોલ્યો-'હે પુરુષવ્યાઘ્ર,તેનો અવશ્ય જય થવાનો જ છે,તમે જેનું સારથિપણું સ્વીકાર્યું છે તેનો પરાજય ક્યાંથી?
તમે મને આજ્ઞા આપી છે તે મુજબ હું સર્વ કરીશ.અર્જુનના વિજય માટે આ રાત્રિ સુપ્રભાતવાળી થાઓ' (44)
અધ્યાય-79-સમાપ્ત