Mar 18, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1078

 

અધ્યાય-૭૮-સુભદ્રાનો વિલાપ 


 II संजय उवाच II एतच्छ्रुत्वा वचस्तस्य केशवस्य महात्मनः I सुभद्र पुत्रशोकार्ता विललाप सुदुःखिता II १ II

સંજય બોલ્યો-અતિ દુઃખી થયેલી તથા પુત્રના શોકમાં વિહવળ બનેલી સુભદ્રા,કેશવનું વચન સાંભળીને વિલાપ કરવા લાગી.

'હા પુત્ર,મારા મંદ ભાગ્યે તારા પિતા સરખો પરાક્રમી છતાં તું રણમાં જઈને કેવી રીતે મરણ પામ્યો?હવે મને તારું કમળ સરખું શ્યામ મોં ક્યાંથી દેખાશે?ખરેખર રણમાંથી પાછી પાની નહિ કરનાર શૂરવીરને આજે રણમાં પડેલો બધા જુએ છે.પૂર્વે શયન વખતે સુંદર ચાદરોથી જે શરીરને ઓઢાડવામાં આવતું હતું તે સુખને જ તું યોગ્ય છે છતાં આજે તું બાણોથી વીંધાઇને કેમ રણભૂમિ પર સૂતો છે? 

હે સમર્થ પુત્ર,પાંડવો,વીર યાદવો તથા પાંચાલો જેવા તારા પર નાથ હતા છતાં અનાથની જેમ,તને આજે કોણે મારી નાખ્યો? હું ફૂટ્યા ભાગ્યની હજી પુત્રનું દર્શન કરવામાં જ અતૃપ્ત જ રહી છું,તારા વિયોગથી હું પણ યમમંદિરમાં જ ચાલી જઈશ.

ધિક્કાર હજો,ભીમસેનને,અર્જુનને,યાદવોને,પાંચાલોને,કેકયોને,ચેદીઓને,મત્સ્યોને ને સૃન્જયોને કે જે રણમાં રહેલા તારા જેવા વીરનું રક્ષણ કરવા સમર્થ થયા નહિ.હાય,આજે હું અભિમન્યુને જોતી નથી તેથી આખી પૃથ્વી જાણે શૂન્ય થઇ ગઈ હોય તેમ મને લાગે છે.મારા નેત્રો નિસ્તરેજ થઈને શોકથી વ્યાકુળ થઇ જાય છે.વાસુદેવનો ભાણેજ અને ગાંડીવધારીના પુત્ર એવા વીર અતિરથિને આજે રણમાં પાડી નંખાયેલો હું કેમ જોઈ શકું?


હા વીર,સ્વપ્નમાં દેખાયેલા ધનની જેમ,તું મને દેખાવ દઈને જ નાશ પામ્યો છે.ખરે,મનુષ્યજન્મ પાણીના પરપોટાની જેમ ચંચળ ને અનિત્ય છે.બીજું તો ઠીક પણ તારી આ તારું પત્ની તારા વિરહની વેદનાથી વ્યાપ્ત થઇ છે,વાછરડા વગરની ગાયની જેમ,તેનું હું રક્ષણ કરી શકીશ.સાચે જ કાળની ગતિ જાણવી અતિ કઠિન છે,કેમ કે શ્રીકૃષ્ણ સરખા તારા નાથ હતા છતાં તું અનાથની જેમ રણમાં માર્યો ગયો છે.યજ્ઞ કરનારા,દાનશીલ,પુણ્યાત્મા,કૃતજ્ઞ,દાતા,ગુરુસેવા કરનારા,ને દક્ષિણા દેનારા બ્રાહ્મણો જે ગતિને પામે છે તે ગતિને તું પામજે.પૂંઠ બતાવ્યા વિના યુદ્ધ કરનારા તથા શત્રુઓને મારીને મરણ પામેલા શૂરા પુરુષો જે ગતિને પામે તે ગતિએ તું જજે.સર્વ શાસ્ત્રને જાણનારા,જિતેન્દ્રિય પુરુષો જે ગતિને પામે તે ગતિને તું પણ જજે.'


આ પ્રમાણે શોકથી કૃશ થયેલી સુભદ્રા વિલાપ કરી રહી હતી,તેવામાં વિરાટરાજની પુત્રી ઉત્તરા સાથે દ્રૌપદી ત્યાં આવી પહોંચી.ત્રણે સ્ત્રીઓ રોકકળ કરીને વિલાપ કરવા લાગી અને બેભાન થઈને પૃથ્વી પર પછડાઈ પડી,ત્યારે દુઃખને દૂર કરનારા ઉપચારોને જાણનારા શ્રીકૃષ્ણે અત્યંત દુઃખી થઈને જુદીજુદી જાતનાં હિતકારક વચનો કહીને તેમનું સાંત્વન કર્યું.

ને તેમને શાંત પાડીને પછી શ્રીકૃષ્ણ અર્જુન પાસે પાછા આવ્યા.(44)

અધ્યાય-78-સમાપ્ત