Mar 17, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1077

 

અધ્યાય-૭૭-શ્રીકૃષ્ણે કરેલું સુભદ્રાને આશ્વાસન 


 II संजय उवाच II ता निशा दुःखशोकार्तौ निःश्वसंतावियोरगौ I निन्द्रा नैवोपलेभाते वासुदेवधनंजयौ II १ II

સંજય બોલ્યો-દુઃખ અને શોકથી પીડાતા તથા સર્પની જેમ મોટા નિશ્વાસ મુકતા શ્રીકૃષ્ણ તથા અર્જુનને તે રાત્રે નિંદ્રા આવી જ નહિ.નરનારાયણને એ પ્રમાણે ક્રોધાયમાન થયેલા જાણીને ઇન્દ્ર સહિત દેવો પણ ગભરાઈ ગયા ને વિચારમાં પડી ગયા કે-'હવે શું થશે?' તે સમયે અતિદારુણ,કર્કશ અને ઘોર ઉત્પાતને સુચવનારા વાયરા વાવા લાગ્યા અને કડાકાઓની સાથે વીજળીના ઝબકારા સાથે શુષ્ક વજ્રપાતો થવા લાગ્યા,ને પર્વતો ને વનો સહીત પૃથ્વી કંપવા લાગી.જોતાં,રૂવાં ઊભા થઇ જાય તેવા તે દારુણ ઉત્પાતોને જોઈને તેમ જ મહાબળવાન અર્જુનની પ્રતિજ્ઞાને સાંભળીને સૈનિકો બેબાકળા થઇ ગયા.

તે પછી,અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે-હે માધવ,પુત્રના શોકથી પીડાતી તમારી દુઃખી બહેન સુભદ્રાનું,પુત્રવધુ ઉત્તરાનું તમે આશ્વાસન કરો ને તેમને શોકરહિત કરો.હે પ્રભુ,સામ તથા સત્યથી યુક્ત વચનો કહીને તેમે તેમને ધૈર્ય આપો' ત્યારે મનમાં ઉદાસ થઇ ગયેલા વાસુદેવ,સુભદ્રાના મુકામે ગયા અને પોતાની બહેન સુભદ્રાને આશ્વાસન કરવા કહેવા લાગ્યા કે-


'હે બહેન સુભદ્રા,તું અને વહુ હવે અભિમન્યુનો શોક ન કરો.કાળે સર્વ પ્રાણીઓની આ જ સમાપ્તિ નિર્મી છે.ક્ષત્રિયના કુળમાં જન્મેલા તારા આ પુત્રનું મરણ વિશેષે કરીને યોગ્ય જ છે માટે તું શોક ન કર.સુદૈવની વાત છે કે-પોતાના પિતા સમાન પરાક્રમવાળો તારો ધીર અને મહારથી પુત્ર ક્ષાત્ર ધર્મ અનુસાર વીર પુરુષોની ઇષ્ટ ગતિને પામ્યો છે.તેણે રણમાં અનેકાનેક શત્રુઓને જીત્યા છે અને અનેકોને મૃત્યુ પાસે વિદાય કરી દીધા છે ને પછી જ તે પુણ્યવંતોના અક્ષયલોકમાં સિધાવ્યો છે.


સત્પુરુષો તપથી,બ્રહ્મચર્યથી,શાસ્ત્રથી અને બુદ્ધિથી જે ગતિને ઈચ્છે છે તે ગતિને તારો પુત્ર પામ્યો છે.તું વીરની જનેતા છે,વીરની પત્ની છે,વીરની કન્યા છે ને વીરની બહેન છે માટે તું પુત્રનો શોક કર મા.તારો પુત્ર તો પરમગતિને પામ્યો છે.એ બાળકનો ઘાત કરાવનાર પેલો પાપી સિંધુરાજ તેના અપરાધનું ફળ પામશે.આ રાત્રિ વીતશે ને પરોઢ થશે ત્યારે જો તે જયદ્રથ દેવનગરી અમરાવતીમાં પણ ભરાઈ પેસશે તો પણ અર્જુનથી બચશે નહિ.આવતી કાલે જ તું સાંભળશે કે તેનું મસ્તક કપાઈ ગયું છે.

જે ગતિને અમે પોતે પણ પામવાના છીએ તથા શસ્ત્ર પર આજીવિકા કરનારા બીજા ક્ષત્રિયો પણ પામે છે તે ગતિને ક્ષાત્રધર્મને માન આપીને,તારો પુત્ર પામ્યો છે.તારો પુત્ર સ્વર્ગે ગયો છે માટે તું સંતાપ કરવો છોડી દે.


હે બહેન,તું તારી વહુને ધીરજ આપ.ને શોક ન કર.આવતી કાલે જ અતિમહાન પ્રિય સાંભળીને તું શોક રહિત થઈશ.અર્જુને જે પ્રતિજ્ઞા કરી છે તે અન્યથા થશે નહિ.તારો સ્વામી જે કરવા ધારે છે તે કદી નિષ્ફળ થતું નથી.આવતીકાલે ભલે કોઈ પણ તેનું રક્ષણ કરશે તો પણ તે રક્ષણ કરનારાઓ સાથે જયદ્રથ પણ મૃત્યુને જ ભેટશે તેમાં શંકા નથી (26)

અધ્યાય-77-સમાપ્ત