અધ્યાય-૭૬-શ્રીકૃષ્ણ પ્રત્યે અર્જુનનાં વચનો
II अर्जुन उवाच II षडरथान्धातरराष्ट्रस्य मन्यसे यान्बलाधिकान I तेषां वीर्य ममार्धेन न तुल्यमिति मे मतिः II १ II
અર્જુન બોલ્યો-હે શ્રીકૃષ્ણ,તમે એ દુર્યોધનના છ મહારથીઓને અધિક બળવાન માનો છો,પણ તે બધાનું પરાક્રમ મારા અર્ધા પરાક્રમ જેટલું છે એમ હું નિશ્ચય માનું છું.જયદ્રથનો વધ કરવા ઇચ્છીને હું આવતી કાલે સર્વનાં અસ્ત્રોને મારાં અસ્ત્રોથી કેવો નાશ કરું છું-તે તમે જોશો.અરે,દ્રોણાચાર્ય જોતા રહેશે ને હું સિંધુરાજના મસ્તકને પૃથ્વી પર પાડી દઈશ.હે મધુસુદન,
ધારો કે,સાધ્યો,વસુઓ,રુદ્રો,દેવો,ગંધર્વો આદિ સહીત કોઈ પણ સ્થાવર જંગમ પ્રાણીઓ સિંધુરાજનું જો રક્ષણ કરશે તો પણ હું બાણો વડે તે સર્વનો નાશ કરીશ તે તમે જોશો,આ હું સત્યના ને મારા આયુધના સોગંધ ખાઈને કહું છું.
જો મહાધનુર્ધર દ્રોણાચાર્ય,એ દુષ્ટ પાપી જયદ્રથનું રક્ષણ કરશે તો હું પ્રથમ જ તેમના સામે યુદ્ધ કરવા ચડી જઈશ,ને તેમની સેનાના આગલા ભાગને તોડી નાખી હું જયદ્રથ સામે ધસી જઈશ.આવતીકાલે હું મોટામોટા ધનુર્ધરોને તીક્ષ્ણ બાણોથી ચીરી નાખીશ તે તમે જોશો.મારા ગાંડીવમાંથી છૂટેલા બાણો હજારો મનુષ્યો,હાથીઓ,તથા ઘોડાઓને પ્રાણ વિનાના કરી નાખશે.યમ,કુબેર,ઇન્દ્ર અને રુદ્ર પાસેથી મેં જે દિવ્ય અસ્ત્રો મેળવ્યાં છે તેમને આવતીકાલના યુધ્ધમાં સર્વ મનુષ્યો જોશે.
જયદ્રથનું રક્ષણ કરનારા યોદ્ધાઓનાં અસ્ત્રોનો,મારુ બ્રહ્માસ્ત્ર કેવો નાશ કરી નાખશે તે તમે જોશો.
એટલું જ નહિ,હે કેશવ,આવતીકાલના યુદ્ધમાં મારાં બાણોનો વેગ રાજાઓના મસ્તકોને કચાકચ કાપી નાખશે અને તેનાથી હું આખી રણભૂમિને છાઈ દઈશ ને સિંધુરાજનો નાશ કરીશ.અમારા અનેક અપરાધો કરનાર,અમારો જ નીચ સંબંધી તથા પાપાચારણી દેશમાં ઉત્પન્ન થયેલો એ રાજા જયદ્રથ આવતીકાલે મારા હાથે મરણ પામશે અને પોતાના સંબંધીઓને રડાવશે.
આવતીકાલે પ્રભાતમાં હું એવું કર્મ કરી બતાડીશ કે તેથી દુર્યોધન એક વખત એમ જ માની બેસશે કે 'આ અર્જુન સરખો બીજો આ લોકમાં કોઈ ધનુર્ધર નથી' હે ૠષિકેશ,તમે મને શત્રુઓથી અસહ્ય જાણો છો,છતાં મને કેમ ઠપકો આપો છો? ચંદ્રમાં જેમ,લાંછન સ્થિર છે તેમ મારી આ પ્રતિજ્ઞાને પણ તમે સત્ય જ જાણજો.તમે મારા અસ્ત્રોનું અપમાન ન કરો,મારા બાહુઓનું અપમાન ન કરો અને મારુ પોતાનું પણ અપમાન ન કરો.હું જે જે સંગ્રામમાં યુદ્ધ કરવા જાઉં છું,તેમાં મને કોઈએ જીત્યો નથી પણ મેં જ બધાને જીત્યા છે તે સત્ય પરથી તમારે સમજી લેવું કે આ યુદ્ધમાં જયદ્રથ માર્યો જ ગયો છે.'
આમ,અર્જુને શ્રીકૃષ્ણને પોતાના મનમાં જે બધું હતું તે કહી નાખ્યું ને બંને બીજી સવારની તૈયારીમાં લાગી ગયા (27)
અધ્યાય-76-સમાપ્ત