અધ્યાય-૭૫-શ્રીકૃષ્ણ વચન
II संजय उवाच II प्रतिज्ञाते तु पार्थेन सिन्धुराजवदे तदा I वासुदेवो महाबहुर्धनंजयभाषत II १ II
સંજય બોલ્યો-જે સમયે અર્જુને સિંધુરાજ જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી,તે સમયે મહાબાહુ વાસુદેવ અર્જુનને કહેવા લાગ્યા કે-'હે અર્જુન,તેં તારા ભાઈઓની સંમતિ લીધા વિના એકદમ જ પ્રતિજ્ઞા કરી નાખી લે-'સિંધુરાજ જયદ્રથનો હું વધ કરીશ' પણ તે આ એક મોટું સાહસ કર્યું છે.તેં મારી સાથે પણ વિચાર વિમર્શ કર્યો નથી અને ને આ મોટો ભાર ઉપાડી લીધો છે.મેં દુર્યોધનની છાવણીમાં આપણા દૂતોને મોકલ્યા હતા તેમણે સત્વર આવીને આ પ્રમાણે ખબર આપી છે.
આપણી છાવણીમાં જે સિંહ નાદો થઇ રહ્યા હતા તે સાંભળીને કૌરવો ને જયદ્રથ ભયભીત થઇ ગયા હતા,ને તેમનામાં અતિ મહાન કોલાહલ થઇ રહ્યો હતો.'અભિમન્યુના વધથી ક્રોધિત થયેલા એવા તારી પ્રતિજ્ઞા સાંભળીને સર્વનાં મન ઉદાસ થઇ ગયા અને ત્રાસ પામી ગયા,તેમાં જયદ્રથનો ગભરાટ અત્યંત વઘી ગયો હતો ને તેણે સર્વ રાજાઓ પાસે પોતાના રક્ષણની પ્રાર્થના કરી ને કહ્યું હતું કે-તમારા કોઈનાથી પણ જો મારુ રક્ષણ થઇ શકતું ન હોય તો મને રજા આપો તો હું મારા ઘેર ચાલ્યો જઈશ'
ત્યારે દુર્યોધને તેને સાંત્વન આપીને તેનું સર્વ રાજાઓ ને તેની સર્વ સેના રક્ષણ કરશે તેવું આશ્વાસન આપ્યું છે.ને તે બંને પછી દ્રોણાચાર્ય પાસે ગયા હતા ને દુર્યોધને જાતે જ જયદ્રથનું રક્ષણ કરવા માટે તેમની પાસે ઘણી ઘણી પ્રાર્થનાઓ કરી હતી.તેથી આખરે દ્રોણાચાર્યે તેના માટે યોગ્ય ઉપાય કર્યો છે ને બધા રથો સજ્જ કરવામાં આવ્યા છે.કર્ણ,ભૂરિશ્રવા,અશ્વસ્થામા,
વૃષસેન,કૃપાચાર્ય ને મદ્રરાજ-આ છ મહારથીઓને જયદ્રથની આગળ રાખવામાં આવશે.દ્રોણાચાર્યે અર્ધશકટાકાર તથા અર્ધપદ્માકાર વ્યૂહ રચ્યો છે,અને પદ્મ (કમળ)ની કળીના મધ્ય ભાગમાં સૂચીમુખ નામનો વ્યૂહ રચ્યો છે.તે વ્યૂહની પાસે પેલા છ મહારથીઓને રક્ષણ તળે સિંધુરાજ જયદ્રથ ઉભો રહેશે.
હે પાર્થ,એ છ મહારથીઓ ધનુષ્યમાં,અસ્ત્રમાં,માનસિક ને શારીરિક બળમાં ઘણા અસહ્ય થઇ પડે તેવા છે ને તેઓ દૃઢ નિશ્ચયવાળા છે,એ છ મહારથીઓને જીત્યા વિના જયદ્રથ કદી હાથમાં આવી શકે તેમ નથી.તે સર્વ છ મહારથીઓ એકત્ર થઈને આવશે ત્યારે તેમને જીતવા સહેલા તો નથી.એથી આપણું હિત કરવા માટે તથા ધારેલું સિદ્ધ કરવા માટે હું મંત્રને જાણનારા મંત્રીઓ સાથે તથા આપણા સુહ્રદો સાથે આ સંબંધમાં ફરી વિચાર કરીશ (31)
અધ્યાય-75-સમાપ્ત