અધ્યાય-૭૪-જયદ્રથની વ્યાકુળતા અને સ્વાર્થી દુર્યોધન
II संजय उवाच II श्रुत्वा तु तं महाशब्दं पांडुनां जयगृद्विनाम I चारै प्रवदिते तत्र समुत्यान् जयद्रथ: II १ II
સંજય બોલ્યો-વિજયની લાલસાવાળા એ પાંડવોના મહાન શબ્દ સાંભળીને તથા ગુપ્તચરોએ જણાવેલી અર્જુનની પ્રતિજ્ઞાની વાત જાણીને જયદ્રથનું હૃદય શોકથી મૂઢ થઇ ગયું.દુઃખથી વ્યાપ્ત થઈને તે ઉભો થઇ ગયો ને ઘણો વિચાર કર્યા પછી,તે રાજાઓની સભામાં ગયો અને ત્યાં જઈને તેમની આગળ,અર્જુનના ભયથી બેબાકળો થઈને લજ્જાભેર સર્વને કહેવા લાગ્યો કે-
'પાંડુરાજાની સ્ત્રી કુંતા વિષે કામી થયેલા ઇન્દ્રે,જે દુર્બુધ્ધિ અર્જુનને ઉત્પન્ન કર્યો છે તે મને એકલાને યમરાજને ઘેર મોકલી દેવા ધારે છે,હું તો જીવવાની ઈચ્છાથી મારે ઘેર ચાલ્યો જઈશ અથવા તમે બધા તમારા અસ્ત્રના બળથી મારુ રક્ષણ કરો.
તમે બધા મને અભય આપો.દ્રોણાચાર્ય,દુર્યોધન,કૃપાચાર્ય,કર્ણ,મદ્રરાજ,બાહલીકરાજા ને દુઃશાસન આદિ બીજા વીરો તો હું કાળના મુખમાં પણ સપડાયો હોઉં તો મારું રક્ષણ કરવાને સમર્થ છે,તો પછી જો એકલો અર્જુન મને મારવાની પ્રતિજ્ઞા કરે તો તમે સર્વ ભેગા થઈને મારુ રક્ષણ કેમ કરી ન શકો? અર્જુનની પ્રતિજ્ઞા સાંભળીને પાંડવો અત્યારે શોકના સમયે હર્ષના કોલાહલ કરી રહ્યા છે.હે નરપતિઓ,દેવો,અસુરો,ગંધર્વો કે રાક્ષસો પણ અર્જુનનું ધાર્યું અન્યથા કરવા ઉત્સાહ કરતા નથી તો પછી બીજાઓની તો શું વાત? મને રજા આપો કે જેથી હું અહીંથી જઈને કોઈ ગુપ્ત સ્થળે જઈશ કે જ્યાં કોઈ મને જોઈ શકશે નહિ' આ રીતે વિલાપ કરતા જયદ્રથને જોઈને દુર્યોધન તેને કહેવા લાગ્યો કે-
'હે પુરુષવ્યાઘ્ર,તમારે ભયનું કોઈ કારણ નથી.વીર ક્ષત્રિયોના મધ્યમાં ઉભેલા તમારી સામે યુદ્ધ કરવાની ઈચ્છા કોણ કરી શકે તેમ છે? હું,કર્ણ,ચિત્રસેન,ભૂરિશ્રવા,શલ્ય,વૃષસેન,પુરુમિત્ર,જય,ભોજ,કાંમ્બોજરાજ,સુદક્ષિણ,સત્યવ્રત,વિકર્ણ,દુર્મુખ,દુઃશાસન,
સુબાહુ,કલિંગરાજ,વિન્દ-અનુવીન્દ,દ્રોણાચાર્ય,અશ્વસ્થામા અને શકુનિ-આ સર્વ યોદ્ધાઓ ઉપરાંત બીજા અનેક રાજાઓ પોતપોતાનું સૈન્ય લઈને તમારું રક્ષણ કરશે માટે તમારા સંતાપને તમે દૂર કરો.તમે રથીઓમાં શ્રેષ્ઠ છો,શૂરવીર છો તો પછી તમેં અર્જુન તરફથી ભય કેમ દેખાય છે? વળી,મારી અગિયાર અક્ષૌહિણી સેનાઓ તમારું રક્ષણ કરવા માટે બરાબર સાવધાન થઈને યુદ્ધ કરશે,માટે હે સિંધુરાજ,તમે તમારો ભય દૂર કરો'
સંજય બોલ્યો-એ પ્રમાણે દુર્યોધને,જયદ્રથને આશ્વાસન આપ્યું ને પછી તે રાત્રે તે બંને દ્રોણાચાર્ય પાસે ગયા ને તેમને નમન કરીને જયદ્રથે આચાર્યને પૂછ્યું કે-'હે આચાર્ય,લક્ષ્ય ભેદવામાં,ઝડપથી બાણ ફેંકવામાં,મારામાં ને અર્જુનમાં કોઈ જાતની વિશેષતા છે કે અમે બંને સરખા છીએ? અર્જુનમાં તેવી શી વિશેષ વિદ્યા ને વિશેષતા રહેલી છે? તે હું જાણવા માંગુ છું.'
દ્રોણાચાર્ય બોલ્યા-'હે તાત,તારો ને અર્જુનનો વિદ્યાગુરુ તો હું એક જ છું પણ પુષ્કળ અભ્યાસને લીધે તથા દુઃખ વેઠીને ગુરુકુળમાં વસવાને લીધે અર્જુન વિશેષ છે.પણ તારે આ યુદ્ધમાં તેનાથી ભય રાખવા જેવું નથી હું તારું રક્ષણ કરીશ,તે વાતમાં સંશય નથી.આવતીકાલે હું એવી વ્યૂહરચના કરીશ કે અર્જુન તેને ઉલ્લંઘી શકશે નહિ.માટે તું યુદ્ધ કર,સ્વધર્મનું પાલન કર.તેં વિધિપૂર્વક અગ્નિહોમ હોમ્યા છે,વેદાધ્યયન કર્યું છે ને ઘણા યજ્ઞો કર્યા છે તો તને ભયંકર મૃત્યુ થવું જોઈએ નહિ.યુદ્ધમાં મરણ થાય તો તું દિવ્યલોકને પામી શકીશ.કૌરવો,પાંડવો,યાદવો,મારા પુત્ર સહીત હું-આપણે સર્વ નાશવંત છીએ તેનો તું વિચાર કર.બળવાન કાળ આપણ બધાને હણી નાખશે અને આપણે બધા પોતપોતાના કર્મો સાથે પરલોકમાં જઈશું.
તપ તપીને,તપસ્વીઓ જે દિવ્યલોકોને પામે છે,તે જ દિવ્યલોકોને ક્ષાત્રધર્મનો આશ્રય કરનારા પામે છે'
આ પ્રમાણે દ્રોણાચાર્યના વચનથી જયદ્રથે અર્જુન તરફના ભયનો ત્યાગ કર્યો,ને યુદ્ધ કરવાનું મન કર્યું.(35)
અધ્યાય-74-સમાપ્ત
