Mar 13, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1073

 

અધ્યાય-૭૩-જયદ્રથને મારવાની અર્જુનની પ્રતિજ્ઞા 


 II युधिष्ठिर उवाच II त्वयि याते महाबाहो संशप्तकबलं प्रति I प्रयत्नमकरोत तीव्रमाचार्यो ग्रहणे मम II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે મહાબાહો,જયારે તું સંશપ્તકો સામે યુદ્ધ કરવા ગયો ત્યારે આચાર્ય દ્રોણે મને પકડવાનો ઘોર પ્રયત્ન કરતા હતા.તે સેનાનો ચક્રવ્યૂહ બનાવીને આગળ વધતા હતા અને અમે તેને અટકાવી રહ્યા હતા.દ્રોણાચાર્યના અતિ આક્રમણથી કોઈ તેમની સામે જોઈ શકતું નહોતું.ત્યારે મેં અભિમન્યુને ચક્રવ્યુહનું ભેદન કરવાનું કહ્યું ત્યારે તેણે તારા ઉપદેશ ને શિક્ષાની અનુસાર તે વ્યૂહને તોડી તેમાં પ્રવેશ કર્યો હતો.અમે પણ તેના રક્ષણ માટે તેની પાછળ ઘૂસવા જતા હતા ત્યારે,જયદ્રથે આવીને,તેને મળેલા શંકરના વરદાનથી અમને સર્વે રોકી લીધા.

ત્યારે દ્રોણ,કૃપાચાર્ય,કર્ણ,અશ્વસ્થામા,બૃહદબલ અને કૃતવર્મા-એ છ મહારથીઓએ અભિમન્યુને ચારે બાજુથી ઘેરી લીધો.ત્યારે અભિમન્યુએ પોતાની બધી શક્તિ લગાવી તેમનો સામનો કર્યો.તેઓ અધિક હતા,ને તે સમસ્ત મહારથીઓએ તેને  રથહીન કરી દીધો.અભિમન્યુ એ છ મહારથીઓથી પૂરો ઘવાયો હતો ને ને જમીન પર પડ્યો ત્યારે દુઃશાસનના પુત્રે તેને ગદાના પ્રહારથી મારી નાખ્યો હતો.મરતાં પહેલાં અભિમન્યુએ હજારો હાથી,રથ,ઘોડા અને મનુષ્યોને મારી નાખ્યા હતા.આઠ હજાર રથો અને નવસો હાથીઓનો સંહાર કર્યો હતો.બે હજાર રાજકુમારો ને રાજા બૃહદબલને પણ સ્વર્ગલોકમાં મોકલી દીધો હતો.તે પુણ્યાત્માના લોકમાં ગયો છે.તેણે યુદ્ધમાં કદી દીનતા બતાવી નથી.તે પુરુષવ્યાઘ્ર સ્વર્ગલોકને પામી ગયો છે ને એથી જ અમારો શોક વધી ગયો છે.ને હવે તું મળ્યો ત્યારે,તને શું કહેવું? તે વિષે અમને સર્વને મૂંઝવણ છે.'


ધર્મરાજનું કહેલું એ વચન સાંભળીને અર્જુન 'હા પુત્ર' એમ નિશ્વાસ નાખી,બેભાન થઈને ધરતી પર ઢળી પડ્યો.તે જોઈને સર્વનાં મોં ઉતરી ગયાં  અને તેઓ અર્જુનને વીંટાઈ વળી સ્થિર નેત્રે દીનતાપૂર્વક એકબીજા સામે જોઈ રહ્યા.તે પછી,ભાનમાં આવી, અર્જુન જાણે જ્વર આવ્યો હોય તેમ થરથર ધ્રુજવા લાગ્યો ને ધ્રુસકે ધ્રુસકે રુદન કરી સર્વના સામે જોઈને બોલ્યો કે-

'હું તમારા સર્વની સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું કે આવત કાલે હું જયદ્રથનો વધ કરીશ.તેણે કૌરવોનું પ્રિય કરવા ધાર્યું છે ને મારો સ્નેહ ભૂલી જઈને આ બાળકનો વધ કરવામાં કારણભૂત બન્યો છે,આવતી કાલે તેનો હું અવશ્ય વધ કરીશ.તેનું રક્ષણ કરવા દ્રોણાચાર્ય કે કૃપાચાર્ય કોઈ પણ આવે તો તેમને હું બાણો મૂકીને ઢાંકી દઈશ.આવતી કાલે જો હું તેનો વધ ન કરું તો હું શૂરવીર પુરુષોને મળતા દિવ્યલોકને નહિ પામું.પણ પાપીઓને મળતા નરક આદિ લોકને જ હું પામું.


કાલે જો હું જયદ્રથનો વધ ન કરું તો જે કોઈ ધર્મ વિરુદ્ધ વર્તનારાઓ છે,તેમની ગતિને હું સત્વર પામું.ને મારી બીજી એક પ્રતિજ્ઞા પણ તમે સાંભળો કે-જો આવતી કાલે સૂર્યાસ્ત સુધીમાં એ પાપીને હું ન મારું તો અહીં જ બળબળતા અગ્નિમાં પ્રવેશ કરીશ.અરે,અસુરો,દેવો,મનુષ્યો કે આ જગતમાં જે કોઈ ચરાચર પ્રાણી છે,તેઓમાંના કોઈ પણ એ મારા શત્રુનું રક્ષણ કરવા સમર્થ નથી.જો કદાચ તે રસાતળમાં,આકાશમાં,દેવનગરમાં કે કોઈ પણ જગ્યાએ ભરાઈ પેસશે તો પણ હું તેનું મસ્તક સો બાણોથી છેદી પાડીશ' આમ કહી તેણે ગાંડીવ હાથમાં લઈને તેનો ટંકાર કર્યો.અર્જુને જયારે આમ પ્રતિજ્ઞા કરી ત્યારે શ્રીકૃષ્ણે પોતાનો પાંચજન્ય નામનો શંખ વગાડ્યો.ને અર્જુને પોતાનો દેવદત્ત નામનો શંખ વગાડ્યો.શંખોના મહાન ઘોષે પ્રલયકાળની જેમ,આકાશપાતાળ સહીત આખા જગતને કંપાવી દીધા.ને પાંડવોનો સિંહનાદ થઇ રહ્યો.(53)

અધ્યાય-73-સમાપ્ત