પ્રતિજ્ઞા પર્વ
અધ્યાય-૭૨-અર્જુનનો શોક ને કોપ
II संजय उवाच II तस्मिन्नहनि निर्वुत्ते घोरे प्राणमृतां क्षये I आदित्येस्तं गते श्रीमान्संध्याकाल उपस्थिते II १ II
સંજય બોલ્યો-તે દિવસે જયારે ઘોર સંહાર બંધ પડ્યો,સૂર્યનો અસ્ત થયો અને સંધ્યાકાળ થયો ત્યારે સર્વ સૈનિકી પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા હતા.અર્જુન,પોતાના દિવ્ય અસ્ત્રો વડે સંશપ્તકોનો સંહાર કરીને છાવણી તરફ પાછો વળી રહ્યો હતો ત્યારે એકાએક તેને આંસુ ભરાઈ આવ્યાં.ને તેણે ગોવિંદને કહ્યું કે-'આજે મારુ હૃદય કેમ ધડકે છે?મને અનિષ્ઠ અપશુકનો થઇ રહ્યાં છે અને મારુ અંગ જાણે થરથરે છે,પૃથ્વી પરના ઉત્પાતો મને ત્રાસ પમાડે છે તે કૈંક અશુભ સૂચવતું લાગે છે.મારા મોટાભાઈ યુધિષ્ઠિર તેમના અમાત્યો સાથે કુશળ તો હશે ને?'
વાસુદેવ બોલ્યા-'અવશ્ય તારા મોટાભાઈ ક્ષેમકુશળ જ હશે માટે તું શોક કરીશ નહિ,
મને લાગે છે કે ત્યાં કંઈ બીજું અનિષ્ઠ હોવું જોઈએ'
સંજય બોલ્યો-પછી,તેઓ છાવણીમાં પાછા આવી પહોંચ્યા,ત્યાં તે સ્થળે સર્વ નિસ્તેજ અને આનંદરહિત દેખાઈ રહ્યું હતું.ત્યારે અર્જુન ગભરાયેલા હૃદયે શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો-'હે જનાર્દન,આજે આપણી છાવણીમાં માંગલિક વાદિત્રો વાગતાં નથી,દુંદુભીઓના ઘોષો સાંભળતા નથી,આ યોદ્ધાઓ મને નીચા જોઈને નીચે મોઢે પાછા ચાલ્યા જાય છે અને પ્રથમની જેમ યુદ્ધમાં કરેલા પરાક્રમોનું મારી પાસે કથન કરતા નથી.મારા ભાઈઓ,પાંચાલરાજા,વિરાટરાજા ને બીજા યોદ્ધાઓ તો કુશળ હશે કે? સુભદ્રાપુત્ર અભિમન્યુ,પોતાના ભાઈઓ સાથે હસતો હસતો મારી સામે કેમ દોડી આવતો નથી?
સંજય બોલ્યો-એ પ્રમાણે વાતચીત કરતા તે બંને જણા પોતાની છાવણીની અંદર પેઠા ત્યાં તેમણે અત્યંત ગભરાયેલા તથા બેભાન જેવા પાંડવોને જોયા.તે જોઈને અર્જુનનું મન ઉદાસ થઇ ગયું.આજે તમારાં બધાનાં મુખની કાંતિ ઉડી ગયેલી દેખાય છે,હું અહીં અભિમન્યુને જોતો નથી.સાંભળ્યું છે કે-આજે દ્રોણાચાર્યે ચક્રવ્યૂહ રચ્યો હતો તેને ભેદી શકે તેવો એક અભિમન્યુ સિવાય કોઈ પણ નહોતો.મેં તેને ચક્રવ્યૂહમાં દાખલ થવાનો ઉપદેશ આપ્યો હતો પણ બહાર નીકળવાનો ઉપાય કહ્યો નથી.તમે આજે તેને શત્રુઓના સૈન્યમાં દાખલ તો નહોતો કર્યો ને?કે શત્રુઓના સૈન્યને ભેદીને તે શું આજના યુદ્ધમાં માર્યો તો ગયો નથીને? તે મને અતિપ્રિય હતો કહો,તે શું યુદ્ધમાં માર્યો ગયો છે?કયા પુરુષે તેને માર્યો?
પરાક્રમ,શાસ્ત્ર અને માહાત્મ્યમાં યાદવવીર શ્રીકૃષ્ણ સરખો તે અભિમન્યુ રણમાં શું માર્યો ગયો છે?સુભદ્રાના દુલારા,શૂરા,
અભિમન્યુને જો હું નહિ દેખું તો ખરેખર હું પણ મૃત્યુગૃહે ચાલ્યો જઈશ.જે વેળા,રથીઓને ગણના કરવામાં આવી હતી ત્યારે તેને મહારથી તરીકે ગણ્યો હતો,યુદ્ધમાં તે મારાથી વધારે ગુણવાળો હતો.તરુણ હતો,બહુ બળશાળી હતો,તથા પ્રદ્યુમ્નને,કેશવને અને મને નિત્ય પ્રિય હતો.એ મારા પુત્ર અભિમન્યુને હું નહિ જોઉં તો હું પણ મૃત્યુગૃહે વિદાય થઈશ.આમ,ભાંગી પડેલા વહાણવાળા વેપારીની જેમ,મહાન દુઃખવાળો અર્જુન યુધિષ્ઠિરને પૂછવા લાગ્યો કે-
'તે અભિમન્યુ યુદ્ધમાં શત્રુઓનો બરાબર સંહાર કરીને મહાન યોદ્ધાઓ સામે લડતાં સ્વર્ગે ગયો છે ને? અવશ્ય તે સહાય વિનાનો થયો હશે ત્યારે તેણે સહાયને માટે મારુ સ્મરણ કર્યું હશે.તે સમયે 'મારો પિતા અહીં હોત તો મારું રક્ષણ કરત' એમ વારંવાર વિલાપ કરતો હશે.અરે,મારું હૃદય ખરેખર વજ્રના જેવું હોવું જોઈએ કેમકે મારા પુત્રને નહિ જોવા છતાં તે ચિરાઈ જતું નથી.મને સુભદ્રાનો જ ઘણો શોક થાય છે,કારણકે રણમાં પલાયન નહિ કરનારા પોતાના એ પુત્રને મરણ પામેલો સાંભળીને તે અવશ્ય મરી જશે.તે મને પૂછશે તો હું તેને શું ઉત્તર આપીશ?તેની રોકકળ કરતી પત્નીને જોઈને મારા હૃદયના હજારો ટુકડા જો નહિ થાય તો મારે સમજવું જ જોઈશે કે મારુ હૃદય કેવળ વજ્રનું જ છે.
હું સંશપ્તકો સામે યુદ્ધ કરી રહ્યો હતો ત્યારે મેં ગર્વમાં આવી ગયેલા કૌરવોનો સિંહનાદ સાંભળ્યો હતો.શ્રીકૃષ્ણે પણ ત્યાં યુયુત્સુને ઠપકો આપતાં સાંભળ્યો હતો ને તે દુઃખ ને શોકથી યુક્ત થઈને શસ્ત્રનો ત્યાગ કરીને રણમાંથી ખસી ગયો હતો.
હે કૃષ્ણ,તમે પણ મને આ વાત હવે કહી રહયા છો,તે સમયે તમે મને કહ્યું હોત તો તે જ ક્ષણે તે સર્વ ક્રૂર મહારથીઓને બાળી નાખત.' આમ,અર્જુન પોતાના પુત્રની જ પીડાથી દુઃખી થઇ રહ્યો હતો ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું કે-
'હે અર્જુન આમ શોક ન કર.યુદ્ધમાં પાછા નહિ હઠનારા દરેક શૂરવીરનો આ જ માર્ગ છે.મોખરામાં રહી લડનારા શૂરા યોદ્ધાઓનું મરણ અવશ્ય યુદ્ધમાં જ થાય છે.આપણો અભિમન્યુ પુણ્યવાનોના અક્ષયલોકમાં ગયો છે,એમાં સંશય નથી.સંગ્રામમાં શત્રુઓની સન્મુખ રહી મૃત્યુ મળે તેવી સર્વ વીરોને ઈચ્છા હોય છે,ત્યારે અભિમન્યુએ તો મહાબળવાન રાજપુત્રોને રણમાં રોળી નાખ્યા છે અને સૈન્યના મોખરામાં વીરપુરુષો જેવા મૃત્યુને તે પામ્યો છે.આ તારા ભાઈઓ,સર્વ રાજાઓ અને સર્વે દીન થઇ ગયા છે માટે તે બધાને તું સામયુક્ત વચનથી ધીરજ આપ.તેં જાણવાનું બધું જાણ્યું છે તેથી આમ શોક કરવો તને છાજતો નથી.'
શ્રીકૃષ્ણે જયારે અર્જુનને આમ આશ્વાસન આપ્યું ત્યારે તે અર્જુન ગળગળો થઈને ભાઈઓને કહેવા લાગ્યો કે-'અભિમન્યુ જે રીતે રણમાં માર્યો ગયો હોય તે હું સાંભળવા ઈચ્છું છું.મારા પુત્રના વેરીઓને હું મારી નાખીશ તે તમે જોશો.અહો,તમે બધા શસ્ત્રધારી યોદ્ધાઓ હોય અને તમારી વચ્ચે અભિમન્યુ સાક્ષાત ઇન્દ્ર સામે લડ્યો હોય તો પણ તે કેમ મરણ પામે? અરે,જો મેં પ્રથમથી જ જાણ્યું હોત કે પાંડવો ને પાંચાલો મારા પુત્રનું રક્ષણ કરવા અસમર્થ છે,તો હું પોતે જ તેનું રક્ષણ કરત.તમે બધા મારા પુત્રનું રક્ષણ કરી ન શક્યા,તે પરથી મને સ્પષ્ટ દેખાય છે આ તમારાં આયુધો કેવળ શોભાનાં જ છે.'
આમ કહી અર્જુન બોલતો બંધ થયો ત્યારે તેનું સ્વરૂપ એવું ભયંકર દેખાતું હતું કે તેની સામે કોઈ જોઈ શકતું નહોતું.તે ક્રોધાયમાન કાળ સરખો જણાતો હતો ને વારંવાર નિશ્વાસ મુકતો હતો,તેનું મુખ અશ્રુઓથી ભરાઈ ગયું હતું.ત્યારે શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિર સિવાય બીજો કોઈ અર્જુન સામે ભાષણ કરવાને સમર્થ નહોતો.કેમકે તે બંને તેના મનને અનુકૂળ ચાલવાવાળા હતા ને તેથી જ તે બંને તેને તે સમયે કૈંક કહેવાનો અધિકાર ધરાવતા હતા.ત્યારે યુધિષ્ઠિર અર્જુનને કહેવા લાગ્યા.(72)
અધ્યાય-72-સમાપ્ત