Mar 11, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1071

 

અધ્યાય-૭૧-સૃન્જયરાજાના પુત્રને નારદે સજીવન કર્યો 


 II व्यास उवाच II पुण्यमाख्यानमायुष्यं श्रुत्वा षोडशराजकम I अव्याहरन्नरयतिस्तुष्णिमासीत्स सृंजय:II १ II

વ્યાસ બોલ્યા-પૂર્વોક્ત સોળ રાજાઓનું,આયુષ્યની વૃદ્ધિ કરનારું,પવિત્ર આખ્યાન સાંભળ્યા પછી,શાંત થયેલો રાજા સૃન્જય કંઈ બોલ્યા વિના બેસી રહ્યો હતો.ત્યારે તેને તેમ બેઠેલો જોઈને નારદ ઋષિ તેને કહેવા લાગ્યા કે-'હે રાજન,તારી આગળ મેં જે આ સોળ રાજાઓનાં આખ્યાન કહ્યાં તે તેં સાંભળ્યાં કે નહિ?કે મારો યત્ન વ્યર્થ ગયો છે?' ત્યારે તે રાજા બોલી ઉઠ્યો કે-'હે મહર્ષિ,એ આખ્યાનો સાંભળતાં  જ,જેમ સૂર્યના તેજથી અંધકારનો નાશ થાય તેમ,મારો શોક દૂર થયો છે હવે હું પાપ વિનાનો ને શોક-વ્યથા વિનાનો થયો છું, બોલો હવે હું શું કરું?

નારદ બોલ્યા-'તારો શોક દૂર થયો તે બહુ સારું થયું,બોલ,હવે તારી શું ઈચ્છા છે?તને રુચે તે વર તું માગ.'

સૃન્જય બોલ્યો-આપ મારા પર પ્રસન્ન થયા છો,તેથી જ હું પ્રસન્ન થઇ ગયો છું,

આપ જેના પર પ્રસન્ન થાઓ તેને આ લોકમાં કંઈ જ દુર્લભ નથી'

નારદ બોલ્યા-હું તને તારો પુત્ર જ સજીવન કરી આપું છું.તેનો હું કષ્ટદાયક નરકમાંથી ઉદ્ધાર કરીશ'


વ્યાસ બોલ્યા-આમ કહેતાંની સાથે જ ઋષિએ આપેલો તે સૃન્જયનો પુત્ર ત્યાં પ્રગટ થયો.રાજા પોતાના પુત્રને મળીને પ્રસન્ન થયો અને પછી તેને ઉત્તમ દક્ષિણાવાળા કેટલાએક પવિત્ર યજ્ઞો કર્યા.હે યુધિષ્ઠિરરાજ,સૃન્જયરાજનો પુત્ર કૃતાર્થ થયો નહોતો,યુદ્ધ કરવા સજ્જ થયો નહોતો,તેણે એકે યજ્ઞ કર્યો નહોતો તેમ જ તેને કંઈ સંતતિ નહોતી,લૂંટારાઓથી ભયભીત થઈને તે મરણ પામ્યો હતો આથી નારદે તેને પુનઃ સજીવન કર્યો હતો.પણ અભિમન્યુ તો શૂર હતો,વીર હતો,કૃતાર્થ હતો તે તો હજારો શત્રુઓને સંતાપોને સૈન્યને મોખરે મરણ પામીને અક્ષય (સ્વર્ગ)લોકમાં ગયો છે.  સ્વર્ગમાં વસનારા જીવો સ્વર્ગલોકમાંથી આ લોકમાં આવવાની ઈચ્છા કદી કરતા નથી,માટે તેને અહીં પાછો લાવી શકાય તેમ નથી.


ધ્યાનથી પવિત્ર દર્શન પામેલા યોગીઓ જે ગતિને પામે છે,ઉત્તમ યજ્ઞ કરનારા મનુષ્યો જે ગતિ પામે છે,તે અક્ષય ગતિને તે પામ્યો છે.અભિમન્યુ,અહીં મરણ પામીને દિવ્ય સંપત્તિને પામ્યો છે,ને અમૃતમય કિરણોથી એ વીર ચંદ્રની જેમ શોભી રહ્યો છે.બ્રાહ્મણોએ માન્ય કરેલા ચંદ્રના શરીરને તે પામ્યો છે માટે તેનો જરા પણ શોક કરવો યોગ્ય નથી.એ પ્રમાણે સમજીને તું આત્માને સ્થિર કરીને શત્રુઓનો નાશ કર અને ધીરજ ધર.શોક તો આપણે બધા જીવતા છીએ તેમનો જ કરવાનો છે,સ્વર્ગે ગયેલાઓનો શોક કરવાનો ન હોય.શોક કરનારને તો ઉલટો દુઃખમાં વધારો જ થાય છે માટે સમજુ માણસે શોકનો ત્યાગ કરીને કલ્યાણ મેળવવાનો જ પ્રયત્ન કરવો જોઈએ.સમજુ પુરુષો કદી શોક કરતા નથી કેમ કે તેઓ સમજે છે કે શોક કોઈ વાસ્તવિક પદાર્થ નથી પણ એક માનસિક વૃત્તિ છે.


માટે હે રાજા,ઉઠ,ઉભો થા,શત્રુઓને જીતવાનો પ્રયત્ન કર પણ શોક કરીશ નહિ.હમણાં જ તેં મૃત્યુની ઉત્પત્તિ સાંભળી છે અને અનુપમ તપ તપ્યાં છે,તું સર્વ ભૂત પર સમભાવ રાખવાનું પણ જાણે છે ને વિભૂતિઓના ચંચળ સ્વરૂપને પણ સમજે છે. અભિમન્યુ કયા કારણથી સજીવન થઇ શકે તેમ નથી તે પણ તારા જાણવામાં આવ્યું છે તે સમજીને તું શોક ન કર હવે હું જાઉં છું' આમ કહી વ્યાસમુનિ ત્યાં જ અંતર્ધાન થઇ ગયા.વ્યાસજીથી આશ્વાસન મળ્યા પછી,યુધિષ્ઠિર રાજા તે પૂર્વમાં થયેલા રાજાઓનું ચિંતન કરીને,શોકરહિત થયા,છતાં મનમાં દીન થઈને વિચારવા લાગ્યા કે-અર્જુનને હું શો ઉત્તર આપીશ?'(26)

અધ્યાય-71-સમાપ્ત 

અભિમન્યુવધ પર્વ સમાપ્ત