Mar 10, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1070

 

અધ્યાય-૭૦-પરશુરામનું ચરિત્ર 


   II नारद उवाच II रामो महातपाः शूरो वीरलोकनमस्कृतः I जामदग्न्योप्यतियश अवितृप्तो मरिष्यति II १ II

નારદ બોલ્યા-મહાતપસ્વી,શૂરવીર,વીરલોકોથી નમસ્કાર કરાયેલા અને અતિયશસ્વી જમદગ્નિપુત્ર પરશુરામ પણ આ જગતમાં અતૃપ્ત રહીને જ મરણ પામશે.તેમણે આ સમગ્ર પૃથ્વીને સુખી કરીને પુનઃ સત્યયુગનો ધર્મ પ્રવર્તાવ્યો છે.તેમને અઢળક લક્ષ્મી મળી હતી છતાં તેમના મનમાં જરા પણ વિકાર થયો નહોતો.જયારે કાર્તવીર્યના પુત્ર એવા ક્ષત્રિયોએ પોતાના પિતાનો તથા વત્સનો નાશ કર્યો ત્યારે રણમાં પોતાની પ્રશંસા નહિ કરનારા એ પરશુરામે કાર્તવીર્યનો વધ કર્યો હતો તે સમયે ચઢી આવેલા ચોસઠ કરોડ ક્ષત્રિયોનો એક ધનુષ્યથી જ પરાજય કર્યો હતો.

વળી,તેમના મધ્યમાં બ્રાહ્મણોનો દ્વેષ કરનારા ચૌદ હજાર ક્ષત્રિયોને તો તેમણે કેદ કર્યા હતા,ને દંતક્રૂર દેશના રાજાનો નાશ કર્યો હતો.તેમણે એક હજાર ક્ષત્રિયોને મુશળથી,એક હજાર ક્ષત્રિયોને તલવારથી,એક હજારને બાંધી બાંધીને,એક હજારને પાણીમાં ઊંધે માથે લટકાવીને મારી નાખ્યા હતા.વળી,તેમણે એક હજાર ક્ષત્રિયોના દાંત પાડી નાખ્યા હતા,એક હજારના નાકકાન કાપી લીધાં હતા અને સાત હજાર ક્ષત્રિયોને કડવો ધુમાડો પાઈ મારી નાખ્યા હતા.બાકીના જે વધ્યા હતા તેમને તેમણે બાંધી બાંધીને યમલોકમાં મોકલી દીધા હતા.તેમણે ગુણાવતી નગરીની ઉત્તરે તથા ખાંડવવનની દક્ષિણે પર્વતની પાસે લાખો હૈહયોને રણમાં રોળી નાખ્યા હતા.તેમણે ફરસીથી દશ હજાર ક્ષત્રિયોને મારી નાખ્યા છે.


જયારે જયારે સારા સારા બ્રાહ્મણો,'હે ભાર્ગવ,હે પરશુરામ,અમારું રક્ષણ કરવા ધાઓ'એવી બુમ પાડીને બોલાવતા હતા ત્યારે બ્રાહ્મણોનો દ્વેષ કરનારા કાશ્મીર,કુંતી,માલવ,અંગ,કલિંગ,વિદેહ,ત્રિગર્ત,શિબિ -આદિ અનેક દેશોના હજારો ક્ષત્રિયોને તેમણે પોતના તીક્ષ્ણ બાણોથી મારી નાખ્યા હતા.અરે,તે ભાર્ગવે,બીજા લાખો ને કરોડો ક્ષત્રિયોને સંહારી નાખ્યા હતા.ને તેમના લોહીના પ્રવાહોથી પરશુરામે મોટાં તળાવો ભરી દીધાં હતાં અને અઢારે દ્વીપોને પોતાને સ્વાધીન કર્યા હતા.પછીથી તેમણે સંપૂર્ણ ને ઉત્તમ દાનદક્ષિણાવાળા સેંકડો પવિત્ર યજ્ઞો કર્યા હતા.તેમણે આરંભેલ અશ્વમેઘ યજ્ઞમાં કશ્યપઋષિએ આ સઘળી પૃથ્વીનો પ્રતિગ્રહ કર્યો હતો.વળી,સુવર્ણના અલંકારોવાળા એક લાખ હાથીઓનો પણ તે ઋષિએ દાન તરીકે પ્રતિગ્રહ કર્યો હતો,


પરશુરામે જયારે પૃથ્વીનું દાન કરી દીધું ત્યારે ત પૃથ્વીમાં ચોરલૂંટારાઓનું તો નામ જ નહોતું,પણ સત્પુરુષોએ અને ઇષ્ટજનોથી તે પૃથ્વી વ્યાપ્ત હતી.સમર્થ પરશુરામે એકવીસવાર પૃથ્વીને નક્ષત્રી કરી હતી ને પછી સેંકડો યજ્ઞો કરીને કશ્યપને દાનમાં દીધી હતી અને પછીથી તે બ્રાહ્મણે પરશુરામને કહ્યું કે-'મારી આજ્ઞાથી તમે આ પૃથ્વીમાંથી નીકળી ચાલ્યા જાઓ'

તેમણે તે બ્રાહ્મણની આજ્ઞા માથે ચડાવીને,તે પૃથ્વી પરથી નીકળી ગયા ને પછી સમુદ્રને એક બાણપાત જેટલા પ્રદેશમાં હઠાવી દઈને તે માર્ગે મહેન્દ્ર પર્વત પર જઈને વસ્યા છે.આવા ભૃગુઓની કીર્તિને વધારનાર અતિ યશસ્વી પરશુરામ અતિ તેજસ્વી છે છતાં તે કાળે કરીને મરી જશે.હે સૃન્જય,ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય ને ઐશ્વર્યમાં,તારા ને તારા પુત્ર કરતાં અતિશય પુણ્યશાળી એવા જો પરશુરામ પણ મરી જશે ને બીજાઓ જે આજ જીવે છે તે પણ મરી જશે -તો તારા પુત્રનો તું શોક ન કર. (25)

અધ્યાય-70-સમાપ્ત