અધ્યાય-૬૯-પૃથુરાજાનું ચરિત્ર
II नारद उवाच II पृथु वैन्यं च राजानं मृतं सृंजय शुश्रुम I यमम्यपिचन साम्राज्ये राजसूये महर्षयः II १ II
નારદ બોલ્યા-હે સૃન્જય,વેનનો પુત્ર પૃથુરાજા પણ મરી ગયો છે એમ આપણે સાંભળીએ છીએ.મહર્ષિઓએ રાજસૂયયજ્ઞમાં તેનો સામ્રાજ્યપદે અભિષેક કર્યો હતો.સર્વનો પરાભવ કરનારા એ પૃથુરાજાએ યત્ન કરીને આખી પૃથ્વીને પ્રસિદ્ધ કરી હતી માટે તેનું નામ 'પૃથુ' પડ્યું હતું.પ્રજાએ તે સમયે ધાર્યું હતું કે-'આ આપણું ભયથી રક્ષણ કરશે' માટે જ એ પૃથુને 'ક્ષત્રિય' એવી સંજ્ઞા પ્રાપ્ત થઇ હતી.પૃથુને જોઈને સર્વ પ્રજા 'અમે આ પૃથુ પર રાજી થયા છીએ'એમ કહેવા લાગી તેથી જ એનું નામ 'રાજા'પડ્યું હતું.તેના રાજ્યકાળમાં પૃથ્વીમાં વગર ખેડ્યે પાક થતો હતો.પૃથ્વી જ તે સર્વની કામના પૂર્ણ કરતી હતી.સર્વ ગાયો પણ ઈચ્છીત વસ્તુઓ આપતી હતી.ત્યારે તદ્દન સુવર્ણના જ દર્ભો ઉગતા હતા ને પ્રજાઓ તે દર્ભનાં જ વસ્ત્રો પહેરતી હતી.
ફળો પણ ત્યારે અમૃત સરખાં સ્વાદિષ્ટ અને મીઠાં થતાં હતાં.આહારમાં તે ફળો જ લેવાતાં હતાં.મનુષ્યો નિરોગી હતા ને સર્વ પ્રયોજનો સિદ્ધ કરનારા હતા.તેઓ સર્વ તરફથી નિર્ભય હતા.જેમને જેમ સુખ પડે તેમ પોતપોતાની ઇચ્છાનુસાર પ્રજા આનંદમાં રહેતી હતી.એ પૃથુરાજા જયારે સમુદ્રમાં પ્રયાણ કરતો ત્યારે પાણી થંભી જતું હતું.પર્વતો પણ તેને માર્ગ આપતા હતા.
એક સમયે તે રાજા સુખથી બેઠો હતો ત્યારે સર્વ વનસ્પતિઓ,પર્વતો,દેવો,અસુરો,મનુષ્યો,સર્પો,સપ્તઋષિઓ,યક્ષો,ગંધર્વો ને અપ્સરાઓ તેને આવીને કહેવા લાગ્યા કે-'તમે અમારા સમ્રાટ છો,ક્ષત્રિય છો,રાજા છો,રક્ષક છો,પિતા છો ને અમારા પ્રભુ છો તમે અમને ઈચ્છીત વર આપો એટલે અમે ચિરકાળની તૃપ્તિને પામીએ અને સુખેથી રહીએ'
ત્યારે 'ભલે' એમ કહીને પૃથુરાજાએ પિનાક નામનું ધનુષ્ય ને અતુલ ઘોર બાણો લઈને જરા વિચાર કરીને તેણે પૃથ્વીને કહ્યું-'હે પૃથ્વી.આવ,ઝટ આવ,આ સર્વ પ્રજાઓને માટે તેમની ઇચ્છામાં આવે તે વસ્તુરૂપ દૂધ દુઝી આપ,તારું કલ્યાણ હો'
પૃથ્વી બોલી-'હે વીર તારે મને દુહિતા તરીકે કલ્પવી યોગ્ય છે' ત્યારે 'બહુ સારું' એમ કહીને તે પૃથુરાજાએ તેને દોહવા માટે સર્વ સામગ્રી તૈયાર કરી.પ્રથમ વનસ્પતિઓ દોહાવાની ઈચ્છાથી આવી ઉભી રહી.પૃથ્વી ગાયના સ્વરૂપે દુઝવા સજ્જ થઇ પણ તે વાછરડાની,દોહનારની તથા દોહવાના પાત્રની ઈચ્છા કરવા લાગી એટલે વનસ્પતિઓએ પુષ્પ ભરેલા શાલ (સાગ)વૃક્ષને વાછરડો બનાવ્યો,પીપળાના વૃક્ષને દોહનાર બનાવ્યો અને ઉંબરાના વૃક્ષરૂપ પાત્રમાં અંકુરો ફુટવારૂપ દૂધ દોહ્યું.
પર્વતોએ ઉદયાચળ પર્વતને વાછરડો બનાવ્યો,મહાગિરિ મેરુને દોહનાર બનાવ્યો અને પથ્થરરૂપ પાત્રમાં રત્નો ને ઔષધિરૂપ દૂધ દોહ્યું.દેવોએ ઇન્દ્રને વાછરડો બનાવ્યો,વિષ્ણુને દોહનાર બનાવ્યા અને મનરૂપ પાત્રમાં બળકર અને પ્રિય એવું અમૃતરૂપ દૂધ દોહ્યું.
અસુરોએ વિરોચનને વાછરડો બનાવ્યો,દ્વિમૂર્ધાને દોહનાર બનાવ્યો અને કાચા પાત્રમાં માયારૂપ દૂધ દોહી લીધું.
મનુષ્યોએ સ્વાયંભુવ મનુને વાછરડો બનાવ્યો,પૃથુરાજાને દોહનાર બનાવ્યો ને પૃથ્વીના તળિયારૂપ પાત્રમાં ખેતી ને ધન્યરૂપ દૂધને દોહી લીધું.સર્પોએ તક્ષકનાગને વાછરડો બનાવ્યો,ધૃતરાષ્ટ્ર નામના નાગને દોહનાર બનાવ્યો અને તુમ્બડારૂપ પાત્રમાં ઝેરરૂપ દૂધ દોહ્યું.સપ્તઋષિઓએ સોમરાજાને વાછરડો બનાવ્યો,બૃહસ્પતિને દોહનાર બનાવ્યો,અને વેદરૂપ પાત્રમાં પરબ્રહ્મરૂપ દૂધ દોહ્યું.
ગંધર્વો ને અપ્સરાઓએ ચિત્રરથને વાછરડો બનાવ્યો,ભગવાન વિશ્વરૂચિને દોહનાર બનાવ્યા,અને કમળરૂપ પાત્રમાં પવિત્ર ગંધરૂપ દૂધ દોહ્યું.પિતરોએ વૈવસ્વતને વાછરડો બનાવ્યો,યમરાજને દોહનાર બનાવ્યો અને રૂપાના પાત્રમાં સ્વધારૂપ દૂધને દોહ્યું.
એ પ્રમાણે સર્વ ભૂતોએ પૃથ્વીમાંથી પોતાની ઇચ્છામાં આવે તે પદાર્થોને દૂધરૂપે દોહી લીધા.આથી હજુ સુધી પણ તેઓ વાછરડા ને તે તે દોહવાના પાત્રોથી નિત્ય તે જ રીતે વર્તી રહ્યા છે.પૃથુરાજાએ અનેક પ્રકારના યજ્ઞો કરીને સર્વ ભૂતોને મનમાન્યા સર્વ કામોથી તૃપ્ત કર્યા હતા.વધુમાં તેણે આખી પૃથ્વીને મણિ અને રત્નોથી વિભૂષિત કરીને તદ્દન સ્વર્ણથી પરિપૂર્ણ કરી હતી અને તે પૃથ્વીને બ્રાહ્મણોને દાનમાં આપી દીધી હતી.હે સૃન્જય,ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય ને ઐશ્વર્યમાં તારા અને તારા પુત્ર કરતાં પણ ઘણો જ શ્રેષ્ઠ અને પુણ્યવાન પૃથુરાજા જો મરી ગયો છે તો તારા પુત્રને માટે તું શોક ન કર.(33)
અધ્યાય-69-સમાપ્ત
