Mar 8, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1068

 

અધ્યાય-૬૮-ભરતરાજાનું ચરિત્ર 


  II नारद उवाच II  दौष्यन्ति भरतं चापि मृतं सृंजय शुश्रुम I कर्माण्यमुकराण्यन्यै: कृतवान यः शिषुर्वने II १ II

નારદ બોલ્યા-હે સૃન્જય,આપણે સાંભળીએ છીએ કે દુષ્યંતનંદન ભરતરાજ પણ મરણ પામી ગયો છે.તેણે બાલ્યાવસ્થામાં પણ વનમાં રહીને બીજાઓથી ન બને તેવા પરાક્રમો કર્યા હતા.તે બળવાન ભરત પોતાની બાલ્યાવસ્થામાં સિંહોને,પોતાના બળથી વીર્યહીન કરીને ઘસડતો હતો ને બાંધતો હતો.વળી,તે ક્રૂર અતિઉગ્ર વાઘોને દમન કરીને પોતાને વશ કરતો હતો.અતિબળવાન હોવાથી તે ક્રૂર સર્પો ને હાથીઓને પણ દાંતમાંથી પકડીને પાછા હટાવી દેતો હતો.વળી,પાડાઓ,બળવાન મૃગો,ગેંડાઓ,ને બીજા જાનવરોને પણ તે પોતાના પ્રાણોને સંકટમાં મૂકીને બાંધતો ને તેમને હેરાન કરી છોડી મુકતો હતો.ભરતનાં એવાં કામો જોઈને બ્રાહ્મણોએ તેનું બીજું નામ 'સર્વદમન' પાડ્યું હતું.ને એજ નામે એને બોલાવતા હતા.એની માતા શકુંતલા તો તેને વારંવાર કહેતી હતી કે-'હે પુત્ર,તું જંગલી પ્રાણીઓને ન મારીશ'

એ પરાક્રમી ભરતરાજાએ યમુનાકિનારે ચારસો અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા.વળી,તેણે સંપૂર્ણ અને ઉત્તમ દક્ષિણાઓ આપીને એક હજાર અશ્વમેઘ યજ્ઞો,સો રાજસૂય યજ્ઞો તેમ જ બીજા ય કેટલાક મહાયજ્ઞો કર્યા હતા.શકુન્તલાના તે પુત્ર ભરતે.બ્રાહ્મણોને ધનથી તૃપ્ત કરી,પોતાના પાલક પિતા કણ્વઋષિને એક હજાર પદ્મની સંખ્યા જેટલું સુવર્ણ દાનમાં આપ્યું હતું.એથી તે મહાન યશસ્વી થયો હતો.તેણે અનેક ઘોડા,હાથીઓ,રથો,દાસીઓ,દાસો,પુષ્કળ ધન્ય,ગાયો,ગામો,ઘરો,ખેતરો દાનમાં આપ્યા હતા.

હે સૃન્જય,ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય અને ઐશ્વર્યમાં તારા કરતાં તથા તારા પુત્ર કરતાં,ઘણો અધિક પુણ્યશાળી,ચક્રવર્તી,શત્રુઓને જીતનારો ને બીજાઓથી અજિત તેવો તે ભરતરાજા જયારે મરી ગયો છે તો તું તારા પુત્રનો શોક ન કર.(17)

અધ્યાય-68-સમાપ્ત