Mar 7, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1067

 

અધ્યાય-૬૬-ગયરાજાનું ચરિત્ર 


   II नारद उवाच II गयं चामूर्तरयसं मृतं सृंजय शुश्रुम यो वै वर्यशतं राजा हुतशिष्टासनोभवत II १ II

નારદ બોલ્યા-હે સૃન્જય,અમૂર્તરયસનો પુત્ર ગયરાજા પણ મરી ગયો છે એમ આપણે સાંભળીએ છીએ.તે રાજા એકસો વર્ષ સુધી હોમ કરતાં બાકી રહેલા અન્નનું જ ભોજન કરતો હતો.અગ્નિદેવે તેને વરદાન માગવા કહ્યું ત્યારે તેણે માગ્યું હતું કે-

તપ,બ્રહ્મચર્ય,વ્રત,નિયમ તથા ગુરુકૃપાથી હું વેદો જાણવાની ઈચ્છા કરું છું.બીજાઓની હિંસા કર્યા વિના કેવળ સ્વધર્મથી જ હું અક્ષય ધન ઈચ્છું છું.બ્રાહ્મણોને દાન આપવાની મને નિત્ય શ્રદ્ધા રહે,ને મારી સજાતીય સ્ત્રીઓમાં પુત્રજન્મ થાય.મને અન્નદાન કરવામાં અક્ષય શ્રદ્ધા રહો,મારુ મન હંમેશા ધર્મમાં જ રમો ને ધર્મકાર્યોંમાં નિત્ય નિર્વિઘ્ન રહું' 

વરદાનના પ્રભાવથી ગયરાજાએ તે સર્વ પ્રાપ્ત કર્યું હતું અને તેણે ન્યાયપૂર્વક શત્રુઓને જીત્યા હતા.તેણે સમયને અનુસરતા દર્શયજ્ઞો,પૌર્ણમાસ યજ્ઞો,આગ્રયણ યજ્ઞો,ચાતુર્માસ્ય યજ્ઞો,અને બીજા અનેક જાતના સંપૂર્ણ દાન દક્ષિણવાળા યજ્ઞો શ્રદ્ધાપૂર્વક સો વર્ષ સુધી કર્યા હતા.ને નિત્ય પ્રાતઃકાળમાં ઉઠીને એક લાખ સાઠ હજાર ગાયો,દશ હજાર ઘોડાઓ તથા એક લાખ સોનામહોરોનું દાન કર્યું હતું.તે રાજાએ અશ્વમેઘ મહાયજ્ઞમાં મણિમય રેતવાળી સુવર્ણની પૃથ્વી બનાવીને બ્રાહ્મણોને દાનમાં આપી હતી.યજ્ઞ સમયે સર્વ ભૂતોને તેણે અન્ન આપી તૃપ્ત કર્યા હતા,તેથી તેઓ કહેતા હતા કે-'ગયરાજાના યજ્ઞ સમાન બીજો કોઈ યજ્ઞ થયો નથી' એના અશ્વમેઘ યજ્ઞમાં અન્ન,વસ્ત્રો,અલંકારો,ચંદન વગેરેના મોટા ઢગો કરવામાં આવ્યા હતા,ને તેના દાનના પ્રભાવથી ગયરાજા ત્રણેય લોકમાં પ્રસિદ્ધ થયો હતો.હે સૃન્જય,ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય અને ઐશ્વર્યમાં તારા ને તારા પુત્ર કરતાં પણ અધિક ચડિયાતો તે ગયરાજા પણ મરણને શરણ થયો હતો તો તું તારા પુત્રનો શોક ન કર (21)

અધ્યાય-66-સમાપ્ત 


અધ્યાય-૬૭-રંતિદેવનું ચરિત્ર 


  II नारद उवाच II सांकृति रंतिदेवं च मृतं सृंजय शुश्रुम I यस्य द्विशतसाहस्त्रा आसन्सुदा महात्मनः  II १ II

નારદ બોલ્યા-સંકૃતિપુત્ર રંતિદેવને પણ આપણે મરણ પામેલા સાંભળીએ છીએ.તેને ત્યાં બે લાખ જેટલા તો રસોઈયા જ હતા,કે જેઓ રાજાને ત્યાં પરોણા તરીકે આવેલા બ્રાહ્મણ અતિથિઓને ઉત્તમ ભોજન પીરસતા હતા.એ રાજા ન્યાયપૂર્વક ધનોર્પાજન કરીને બ્રાહ્મણોને દાન કરી દેતો હતો અને પોતે વેદાધ્યન કરતો ને શત્રુઓને વશ કરતો હતો.વિધિપુર યજ્ઞો કરનારા તે રાજાની પાસે પશુઓ યજ્ઞમાં બલિદાન માટે તત્પર થઈ,સ્વર્ગ મેળવવા પોતાની મેળે આવતા હતા.તેના યજ્ઞોમાં એટલાં બધા પશુઓનાં બલિદાન અપાતાં હતાં કે તેના લોહીની નદી વહેતી હતી ને તે જ કારણથી એ નદીનું નામ ચર્મણ્વતી રાખવામાં આવ્યું હતું.


તે રાજા બ્રાહ્મણોને સોનામહોરોનું સતત સો વર્ષ સુધી દાન કર્યા કરતો હતો.તે ઉપરાંત ઋષિઓને તેણે અગ્નિહોત્રનાં સાધનો,કમંડળો-આદિ અનેક વસ્તુઓ ને ધન દાનમાં આપ્યા હતા.તેની અઢળક સમૃદ્ધિ જોઈને પૂરાં જાણનારા મનુષ્યો એક ગાથા ગાતા હતા કે-'કુબેરના ઘરમાં પણ અમે આવું ભરચક ધન પૂર્વે જોયું નથી.ખરેખર આ રાજાના રાજ્યકાળમાં આખી પૃથ્વી સુવર્ણના ઘરોરૂપ સારવાળી થઇ છે' રાજા રંતિદેવ પાસે જે સુવર્ણના પદાર્થો હતા તે તેણે તે સમયે પોતે આરંભેલ યજ્ઞમાં બ્રાહ્મણોને દાન તરીકે આપી દીધા હતા.તે રાજાએ આપેલાં હવ્યોને દેવતાઓ પ્રત્યક્ષ આવીને લઇ જતા હતા.

હે સૃન્જય,ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય અને ઐશ્વર્યમાં તારા ને તારા પુત્ર કરતાં ઘણો જ ચડિયાતો ને અતિશય પુણ્યશાળી એવો તે રંતિદેવ રાજા જો મરણને શરણ થયો છે તો તું તારા પુત્રનો શોક ન કર.(21)

અધ્યાય-67-સમાપ્ત