Mar 6, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1066

 

અધ્યાય-૬૪-રાજા અંબરીષનું ચરિત્ર 


   II नारद उवाच II नाभागमंबरिषं च मृतं सृंजय शुश्रुम I यः सहस्त्रं सहस्त्राणां राज्ञां चैकस्त्वयोधयत II १ II

નારદ બોલ્યા-હે સૃન્જય,નાભાગનો પુત્ર અંબરીષરાજા પણ મરણ પામ્યો છે એમ આપણે સાંભળીએ છીએ.તે રાજા પોતે એકલો જ એકલાખ રાજાઓ જોડે યુદ્ધ કરતો હતો.પોતાને શરણે આવેલા શત્રુઓને વશ કરીને તથા આખી પૃથ્વી જીતી લઈને તેણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સેંકડો યજ્ઞો કર્યા હતા.તેના યજ્ઞોમાં બ્રાહ્મણોને સારું સન્માન ને ભોજન આપવામાં આવતું હતું.બીજા હજારો મનુષ્યો યજ્ઞમાં પોતાને સુખ થાય એવા હેતુથી ઇચ્છાનુસાર માદક પદાર્થો પીતા હતા ને મદોન્મત્ત થઇ હર્ષપૂર્વક નૃત્યો કરીને અંબરીશ રાજાની સ્તુતિ કરતા હતા.

તે યજ્ઞોમાં અંબરીશ રાજાએ દશ લાખ યજ્ઞો કરનારા એક લાખ ખંડિયા રાજાઓને પણ દક્ષિણામાં આપી દીધા હતા.

તેની દક્ષિણાઓથી પ્રસન્ન થઈને મહર્ષિઓએ અનુમોદન આપતાં કહ્યું હતું કે-'અમાપ દક્ષિણ આપનાર અંબરીશરાજ જે કર્મો કરી રહ્યો છે તેવું ભૂતકાળમાં થઇ ગયેલા કોઈ મનુષ્યોએ કર્યું નથી તેમ હવે ભવિષ્યકાળમાં બીજા કોઈ કરશે પણ નહિ.'

હે સૃન્જય,ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય ને ઐશ્વર્યમાં તારા અને તારા પુત્ર કરતા અતિશ્રેષ્ઠ અને ઘણો પુણ્યશાળી તે અંબરીશરાજા પણ મરણ પામ્યો છે ત્યારે તું તારા પુત્રના મરણનો શોક કરીશ નહિ.(17)

અધ્યાય-64-સમાપ્ત 


અધ્યાય-૬૫-શશબિંદુરાજાનું ચરિત્ર 


  II नारद उवाच II शशबिन्दु च राजानं मृतं सृंजय शुश्रुम I इजे स विविधैर्यग्नै: श्रीमान्सत्यपराक्रमः II १ II

નારદ બોલ્યા-હે સૃન્જય,આપણે સાંભળીએ છીએ કે શશબિંદુરાજા પણ મરણ પામ્યો છે.એ સત્યપરાક્રમી રાજાએ અનેક જાતના યજ્ઞો કર્યા હતા.એને એક લાખ સ્ત્રીઓ હતી અને એ એકેક સ્ત્રીને એકેક હજાર પુત્રો થયા હતા.તે બધા કુમારો પરાક્રમી,એકેક લાખ યજ્ઞો કરનારા અને વેદના પારને પામેલા હતા.તેમના પિતા શશબિંદુએ તે બધાને બ્રાહ્મણોને દાનમાં આપી દીધા હતા.એ એકેક કુમારની પાછળ દાનમાં દીધેલા સો સો રથો,હાથીઓ,સો સો કન્યાઓ,ઘોડાઓ ને ગાયો પણ હતી.


આમ,મહાભાગ શશબિંદુએ અશ્વમેઘ મહાયજ્ઞમાં આટલું બધું ધન આપી દીધું હતું,છતાં તેનું મન અપૂર્ણ હતું.તેના યજ્ઞમાં સુવર્ણના યજ્ઞસ્થંભો હતા.નને એક કોષ સુધી ઊંચાઈવાળા ભક્ષ્ય અન્નપાનના મોટા પર્વતો જેવડા ઢગો હતા.સંતુષ્ટ અને પુષ્ટ મનુષ્યોથી ભરેલી,શાંત થયેલાં વિધ્નોવાળી તથા રોગચાળા વિનાની આ સઘળી પૃથ્વીનો લાંબા કાળ સુધી ઉપભોગ કરીને એ શશબિંદુરાજા આખરે સ્વર્ગે ગયો હતો.હે સૃન્જય,ધર્મ,જ્ઞાન વૈરાગ્ય અને ઐશ્વર્યમાં તારા કરતાં તથા તારા પુત્ર કરતાં ઘણોજ અધિક પુણ્યવાન તે રાજા જયારે મરણ પામ્યો હતો તો તું તારા પુત્રનો શોક ન કર.(12)

અધ્યાય-65-સમાપ્ત