અધ્યાય-૬૨-રાજા માંધાતાનું ચરિત્ર
II नारद उवाच II मांधाता चेद्योवनाश्वो मृतः सृंजय शुश्रुम I देवासुरमनुष्याणां त्रिलोक्यविजयी नृपः II १ II
નારદ બોલ્યા-હે સૃન્જય,યુવનાશ્વનો પુત્ર માંધાતા પણ મરી ગયો છે એમ આપણે સાંભળીએ છીએ.તે રાજાએ દેવો,અસુરો ને મનુષ્યોનો જય કરીને ત્રણે લોક પર વિજય મેળવ્યો હતો.અશ્વિનીકુમારે તે રાજાને એના પિતાના પેટમાંથી બહાર કાઢ્યો હતો.એવું બન્યું હતું કે-એકવાર રાજા યુવનાશ્વ મૃગયા રમવા ગયો હતો ને ફરતાં ફરતાં તરસ્યો થયો હતો,ત્યારે રાજાએ પાણીની શોધ કરી.એટલામાં દહીં છાંટેલા ઘીનું પાત્ર તેના જોવામાં આવ્યું અને તે પોતે તે પી ગયો.મંત્રના પ્રભાવવાળા તે ઘીથી તે રાજાના પેટમાં ગર્ભ રહ્યો.આ વાતની વૈદ્યશ્રેષ્ઠ અશ્વિનીકુમારને જાણ થઇ,એટલે તેમણે રાજાનું પેટ ચીરીને બાળકને બહાર કાઢ્યો.ત્યારે પિતાના ખોળામાં સુતેલા તે બાળકને જોઈને દેવો માંહેમાંહે વાતો કરવા લાગ્યા કે 'આ બાળક કોને ધાવશે?'
ત્યારે ઇન્દ્રની આંગળીમાંથી તરત જ દૂધ અને ઘી ઉત્પન્ન થયા ને ઇન્દ્રે 'મા ધાસ્યતિ-મને ધાવશે' એમ કહીને તે બાળક પર કૃપા કરી હતી,તેથી તે બાળકનું નામ માંધાતા પાડવામાં આવ્યું હતું.ઇન્દ્રનો હાથ ધાવતાં તે બાળક બાર દિવસમાં જ બાર વર્ષ જેવડો થઇ ગયો હતો.પછી,તે માંધાતાએ એક જ દિવસમાં આખી પૃથ્વી જીતી લીધી હતી.તે પોતે ધર્માત્મા,ધૃતિમાન,વીર,સત્ય પ્રતિજ્ઞાવાળો અને જિતેન્દ્રિય થયો.તેણે સો અશ્વમેઘ તથા સો રાજસૂય યજ્ઞો કર્યા હતા.તે રાજાના યજ્ઞોમાં દેવો,અસુરો,મનુષ્યો,યક્ષો,ગંધર્વો,સર્પો,પક્ષીઓ ને વેદવેદાંગોને પારને પામેલા બ્રાહ્મણો તથા ઋષિઓ આવ્યા હતા.
તે રાજા માંધાતા સમુદ્ર સુધીની ધનપૂર્ણ પૃથ્વી બ્રાહ્મણોને અર્પણ કરીને મરણ પામ્યો હતો.રાજા માંધાતા પોતાના યશથી દશે દિશાઓ વ્યાપ્ત કરી દઈને આખરે પુણ્યવાનોના દિવ્ય લોકમાં ગયો હતો.હે રાજા સૃન્જય,તારાથી ને તારા પુત્રથી ઘણો જ આગળ વધેલો રાજા માંધાતા જો કાળધર્મને પામ્યો હતો તું પુત્રનો શોક કરીશ નહિ (20)
અધ્યાય-62-સમાપ્ત
અધ્યાય-૬૩-યયાતિરાજાનું ચરિત્ર
II नारद उवाच II ययातिं नाहुषं चैव मृतं सृंजय शुश्रुम I राजसूयशतैरिष्टवा सोश्वमेघशतेन च II १ II
નારદ બોલ્યા-હે સૃન્જય,નહુષના પુત્ર યયાતિને પણ આપણે મરણ પામેલો સાંભળીએ છીએ.તે રાજાએ સો રાજસૂય યજ્ઞ,સો અશ્વમેઘ યજ્ઞ,એક હજાર પુંડરીક યજ્ઞો,સો વાજપેય યજ્ઞો,એક હજાર અતિરાત્ર યજ્ઞો,તથા ચાતુર્માસ્ય અને અગ્નિષ્ટોમ આદિ અનેક યજ્ઞો કર્યા હતા.તેમાં તેણે પુષ્કળ દક્ષિણાઓ આપી હતી.તેણે પૃથ્વીમાં બ્રાહ્મણોનો દ્વેષ કરનારા મ્લેચ્છોનું જે કંઈ ધન હતું તે બધું લૂંટી લઈને બ્રાહ્મણોને સ્વાધીન કર્યું હતું.એ યયાતિરાજા જયારે યજ્ઞનો પ્રારંભ કરતો ત્યારે પવિત્ર સરસ્વતી નદી,સમુદ્રો,ને બીજી નદીઓ તેના માટે ઘી ને દૂધ દુઝી આપતી હતી.
જયારે દેવો ને અસુરો વચ્ચે સંગ્રામ થવાનો પ્રસંગ આવ્યો ત્યારે તેણે દેવોને સહાય કરી હતી.તે યુદ્ધમાં જીત મેળવીને તેણે પૃથ્વીના ચાર વિભાગ કરીને તે હોતા,અધ્વર્યુ-આદિ ચાર ઋત્વિજોને વહેંચી આપી હતી.એ રીતે અનેક યજ્ઞો કરીને,શુક્રાચાર્યની પુત્રી દેવયાનીમાં ને શર્મિષ્ઠામાં ધર્મપૂર્વક ઉત્તમ પ્રજા ઉત્પન્ન કરી હતી અને પોતાની ઇચ્છામાં આવે તેમ સર્વ દેવોના વનમાં ઇન્દ્રની જેમ વિહાર કર્યો હતો,સર્વ વેદોને જાણનારો તે રાજા વિષયોનો ઉભોગ કરવા છતાં શાંતિ ન પામ્યો ત્યારે તે આ ગાથા ગાઈને વનમાં ચાલ્યો ગયો હતો.'આખી પૃથ્વીમાં જે કંઈ ડાંગર,જવ,સુવર્ણ,પશુઓ ને સ્ત્રીઓ છે તે બધાંનો એક જ પુરુષ જો કદાચ ઉપભોગ કરે તો પણ તે વસ્તુઓથી તેને સંતોષ મળતો નથી,આમ વિચારીને દરેકે વિષયોનો ત્યાગ કરીને શાંતિ મેળવવી જોઈએ'
આ પ્રમાણે વિષયોનો ત્યાગ કરીને પોતાના પુત્ર પુરુને રાજ્યગાદી આપીને તે યયાતિરાજા વનમાં ચાલ્યો ગયો હતો.
હે સૃન્જય,ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય અને ઐશ્વર્યમાં પણ તારા અને તારા પુત્ર કરતાં ઘણો જ વૃદ્ધિ પામેલો તે યયાતિરાજા જો મરણ પામ્યો છે તો તું તારા પુત્રનો શોક કર નહિ (11)
અધ્યાય-63-સમાપ્ત