અધ્યાય-૬૦-રાજા ભગીરથનું ચરિત્ર
II नारद उवाच II भगीरथम् च राजानं मृतं सृंजय शुश्रुम I येन भागिरथि गंगा चयनै: कांचनैश्चिता II १ II
નારદ બોલ્યા-હે સૃન્જયરાજ,રાજા ભગીરથને પણ અમે મરણ પામેલો સાંભળ્યો છે.તેણે ગંગાને પૃથ્વી પર લાવી તેનાં બંને તીરો ને યાજ્ઞિક મંડળોથી વ્યાપ્ત કરી દીધાં હતાં.વળી,તેણે સર્વ રાજાઓ અને રાજપુત્રોનું અતિક્રમણ કરીને સુવર્ણના અલંકારોથી સુશોભિત એવી એકેક હજાર કન્યાઓનું બ્રાહ્મણોને એક હજાર વાર દાન કર્યું હતું.એ રાજા જયારે ગંગા કિનારે બ્રાહ્મણોને દક્ષિણા આપવા બેસતો ત્યારે તે સ્થળે એટલાં બધા માણસો ઉભરાતાં કે ગંગાનો કિનારો જાણે એમના ભારથી નમી જતો ને ગંગાના પ્રવાહનું પાણી છેક તે રાજાના ખોળામાં આવી વહેતું.એ રીતે જયારે ગંગા રાજાના ખોળામાં આવી બેઠી ત્યારે તે ઉર્વશી સંજ્ઞાને પામી અને તે જ કારણથી તે એ રાજાની પુત્રી તરીકે થઇ.
પછી,તે રાજાના પૂર્વજોનો,નરકમાંથી ઉદ્ધાર કરનારી તે પુત્રી ભાગીરથી નામે ઓળખાવા લાગી.ને તે દિવસથી ગંધર્વો તેની આમ ગાથાઓ ગાવા લાગ્યા હતા.'પુષ્કળ દક્ષિણાવાળા યજ્ઞો કરનારા ઇક્ષ્વાકુ વંશના રાજા ભગીરથનો સમુદ્ર તરફ વહેતી ગંગા દેવીએ પોતાના પિતા તરીકે સ્વીકાર કર્યો હતો.તે રાજન યજ્ઞને ઇન્દ્ર-આદિ દેવગણોએ સારી રીતે સ્વીકાર કર્યો હતો.જે કોઈ બ્રાહ્મણ,જે કોઈ ઈચ્છા કરતો તે બ્રાહ્મણને તે તેવું દાન કરતો.'આવો ભગીરથરાજા,પણ બ્રાહ્મણોના પ્રસાદથી બ્રહ્મલોકમાં સિધાવી ગયો હતો.હે સૃન્જયરાજ,ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય ને ઐશ્વર્યમાં તારા ને તારા પુત્ર કરતાં ઘણો ચડિયાતો ને પુણ્યશાળી ભગીરથરાજા જો મરણ પામ્યો છે (સ્વર્ગે ગયો છે) તો તું તારા પુત્રનો શોક ન કર.(14)
અધ્યાય-60-સમાપ્ત
અધ્યાય-૬૧-દિલીપરાજાનું ચરિત્ર
II नारद उवाच II दिलिपं चेदैलविलं मृतं सृंजय शुश्रुम I यस्य यज्ञशतेष्वासन प्रयुतायुतसा द्विजाः II १ II
નારદ બોલ્યા-હે સૃન્જય,ઇલવિલાનો પુત્ર દિલીપરાજા પણ મરણ પામ્યો હતો,એમ આપણે સાંભળીએ છીએ.કર્મકાંડમાં તથા જ્ઞાનકાંડમાં પરિપૂર્ણ થયેલા અને યજ્ઞયાગાદિ કરનારા દશ દશ લાખ જેટલા બ્રાહ્મણો,તે રાજાના સેંકડો યજ્ઞોમાં પુત્ર-પૌત્રો સહીત આવતા હતા.તેણે યજ્ઞોમાં આખી પૃથ્વી બ્રાહ્મણોને દાનમાં આપી દીધી હતી.તેના યજ્ઞોમાં શાસ્ત્રોક્ત સર્વ વિધિમાર્ગ કેવળ સુવર્ણનો જ હતો અને તેને ધર્મનું નિમિત્ત સમજી ઇન્દ્ર સહીત દેવો પણ ત્યાં આવ્યા હતા.
તેનો આખો યજ્ઞમંડપ સુવર્ણનો બાંધેલો હતો.છ હજાર અપ્સરાઓ ત્યાં સાત પ્રકારે નૃત્ય કરતી હતી ને વિશ્વાવસુ ગંધર્વ પોતે જ ત્યાં પ્રીતિપૂર્વક વીણા વગાડતો હતો.સર્વ ભૂતો તે રાજાને સત્યશીલ માનતા હતાં.વળી,તે રાજન સંબંધમાં એક કહેવત એવી છે કે-'બીજા રાજાઓ તેની સરખાઈ કરી શકે નહિ.એ રાજા જયારે પાણીમાં યુદ્ધ કરતો ત્યારે તેના રથનાં પૈડાં પાણીમાં ડૂબી જતાં નહોતાં.એટલું જ નહિ પણ જે મનુષ્ય તેના દર્શન કરતા તેઓ પણ સ્વર્ગલોકને જીતી લેતા હતા.'તે દિલીપરાજનું બીજું નામ ખટવાંગ હતું.વેદાધ્યયનનો ઘોષ,ધનુષ્યની દોરીનો ઘોષ,'પીણાં પીઓ,ભોજન કરો,ખાઓ'નો ઘોષ-આ પાંચ શબ્દો કદી નાશ પામતા નહોતા.હે સૃન્જય,તારા અને તારા પુત્ર કરતાં પણ ઘણો અધિક અને અતિ પુણ્યશાળી એવો તે રાજા દિલીપ પણ જો મરણને વશ થયો છે તો તું તારા પુત્રનો શોક કરીશ નહિ.(12)
અધ્યાય-61-સમાપ્ત