અધ્યાય-૫૮-શિબિરાજાનું ચરિત્ર
II नारद उवाच II शिबिमौशिनरं चापि मृतं सृंजय शुश्रुम I य इमां पृथिवीं सर्वा चर्मवत पर्यवेष्टयत II १ II
નારદ બોલ્યા-હે સૃન્જય,ઉશીનરના પુત્ર શિબિરાજાને પણ અમે મરેલો સાંભળીએ છીએ.તેણે આખી પૃથ્વીને ચામડાની જેમ,પોતાની સત્તાથી ઘેરી લીધી હતી.એટલું જ નહિ તેણે પર્વત,બેટ,સમુદ્ર અને વન સાથેની આખી પૃથ્વીને પોતાના રથના ઘોષથી ગજાવી મૂકી હતી.તેણે પોતાના મુખ્ય મુખ્ય શત્રુઓનો સંહાર કરીને સંપૂર્ણ રીતે શત્રુજિત થયો હતો.તેણે સંપૂર્ણ દક્ષિણાવાળા અનેક જાતના યજ્ઞો કર્યા હતા.યુદ્ધમાં તે રાજા સર્વ રાજાઓમાં માનીતો થઇ પડ્યો હતો ને આખી પૃથ્વીનો વિજય કરીને ઘણા અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા.તે યજ્ઞોમાં તે જયારે દાન આપવા બેસતો,ત્યારે હાથી,ઘોડા,પશુઓ,ધાન્ય,ગાયો-આદિ સહીત પવિત્ર પૃથ્વીનું પણ તે દાન કરતો હતો.વરસાદની જેટલી ધારાઓ છે,આકાશમાં જેટલા તારાઓ છે,ગંગા નદીમાં જેટલી રેતી છે,મહાસાગરમાં જેટલાં રત્નો છે,તેટલી ગાયોનું દાન તે શિબિએ કર્યું હતું એમ કહેવાય છે.તે રાજાની સમાનતાની ધૂંસરીને વહી શકે તેવો ઉત્તમ નર,ભૂત,ભવિષ્ય કે વર્તમાનકાળમાં પ્રજાપતિને હજુ સુધી સૃષ્ટિમાં મળ્યો નથી.
તે રાજાનાં પુણ્યકર્મોથી ભગવાન શંકર તેના પર પ્રસન્ન થયા હતા અને તેનાં દ્રવ્ય,શ્રદ્ધા,કીર્તિ તથા ક્રિયાઓ સદા અક્ષય રહે તેવો તેમણે તે રાજાને વર આપ્યો હતો.આટલા બધા યજ્ઞો પુણ્ય કર્મ ને વર મેળવ્યા છતાં તે શિબિરાજા સમય થતાં સ્વર્ગે સિધાવ્યો હતો.તો હે સૃન્જયરાજ,ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય અને ઐશ્વર્યમાં તારા અને તારા પુત્ર કરતાં પણ ઘણે દરજ્જે ચડિયાતો તે શિબિરાજ પણ જો મરણ પામ્યો હતો તું તારા પુત્રના મરણનો શોક ન કર. (14)
અધ્યાય-58-સમાપ્ત
અધ્યાય-૫૯-દશરથપુત્ર શ્રીરામચંદ્રજીનું ચરિત્ર
II नारद उवाच II रामं दाशरथिं चैव मृतं सृंजय शुश्रुम I यं प्रजा अन्वमोदंत पितापुत्रानिर्वारसान II १ II
નારદ બોલ્યા-હે સૃન્જયરાજ,દશરથનંદન શ્રીરામચંદ્રને પણ અમે મરણ પામેલા સાંભળીએ છીએ.જેમ,પિતા,પોતાના ઔરસ(સગા) પુત્રને ચાહે તેમ પ્રજા તેમને ચાહતી હતી.અમિત તેજવાળા તે રામચંદ્રમાં અસંખ્ય ગુણો હતા.પોતાના પિતાની આજ્ઞા થતાં તે ચૌદ વર્ષ સુધી પોતાની સ્ત્રી સીતા સાથે વનમાં વસ્યા હતા.તેમને ચૌદ હજાર રાક્ષસોનો,જનસ્થાન નામના વનમાં સંહાર કર્યો હતો.તે જયારે વનમાં વસતા હતા ત્યારે રાવણ નામના એક રાક્ષસે,તેમના ભાઈ લક્ષ્મણ અને તેમને મોહમાં નાખીને સીતાનું હરણ કર્યું હતું.દેવો અને સૂરો જેનો વધ કરી શક્યા ન હતા તે રાવણનો તેમણે પરિવાર સહીત નાશ કર્યો હતો,ને સીતાને પાછી લઇ આવ્યા હતા.ને અયોધ્યા પાછા આવીને રાજગાદી પર બેઠા હતા.
સર્વ ભૂતો પર દયા રાખનારા તે રામચંદ્રે અનેક પ્રકારનું રાજ્ય સંપાદન કરીને,ને ધર્મપૂર્વક પ્રજાઓનું પાલન કરીને છેવટે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો.વળી,તેમણે યજ્ઞમાં અનેક પ્રકારનાં હવ્યોનું દાન કરીને ઇન્દ્રને પ્રસન્ન કર્યો હતો.તેમણે બીજા પણ અનેક યજ્ઞો કર્યા હતા.તે રામચંદ્રે ક્ષુધા અને તૃષાનો જય કર્યો હતો અને પ્રજાઓના સર્વ રોગોનો નાશ કર્યો હતો.તે પોતે સર્વગુણસંપન્ન હતા અને પોતાના તેજથી સદા દેદીપ્યમાન દીસતા હતા.રાજા રામચંદ્ર જયારે રાજ્યનું પાલન કરતા હતા ત્યારે ઋષિઓ,દેવો તથા મનુષ્યોનો પૃથ્વી પર સાથે જ વાસ હતો.તેમના રાજ્યમાં કોઈ રોગો કે અનર્થો હતા નહિ.
ત્યારે પ્રજાઓનું આયુષ્ય લાબું હતું.વેદોના નિત્ય અધ્યયનથી દેવતાઓ પૃથ્વી પર આવ-જા કર્યા કરતા હતા.સર્વ વર્ણના લોકો અધર્મ તરફ રુચિવાળા ન હતા,તેઓ સદાચારી,યજ્ઞાદિ કર્મો કરનારા ને બુદ્ધિમાન હતા.તે રાજા રામચંદ્ર રંગે શ્યામ હતા,યુવાન હતા,લાલાશ પડતી આંખોવાળા હતા અને મદોન્મત્ત હાથી સરખા પરાક્રમી હતા.તેમના બાહુઓ ઢીંચણ સુધી લાંબા ને સુંદર હતા.સર્વ ભૂતોના પ્રિય એવા તેમણે અગિયાર હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું હતું.શ્રીરામ જયારે રાજ્યગાદી પર હતા ત્યારે આખું જગત સુંદર થઇ રહ્યું હતું.તે રામચંદ્ર ચારેય પ્રકારની પ્રજાઓને સાથે લઈને સ્વર્ગે સિધાવ્યા હતા.
હે સૃન્જયરાજ,ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય અને ઐશ્વર્યમાં તારા ને તારા પુત્ર કરતાં ઘણે દરજ્જે અધિક અને
અતિશય પુણ્યશાળી તે રામરાજા પણ જો મરી ગયા છે તો તું તારા પુત્રનો શોક ન કર.(25)
અધ્યાય-59-સમાપ્ત
