Mar 2, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1062

 

અધ્યાય-૫૬-સુહોત્ર રાજાની કથા 


 II नारद उवाच II सुहोत्रं नाम राजानं मृत सृंजय शुश्रुम I एकविरमशक्यं तममरैरभिविक्षितम् II १ II

નારદ બોલ્યા-હે સૃન્જય,સુહોત્ર નામનો રાજા પણ મરણ પામ્યો હતો,કે જે રાજા આ જગતમાં એકલ વીર હતો અને દેવો પણ તેની સામે જોઈ શકતા નહોતા.તે રાજાએ ધર્મથી રાજ્ય મેળવીને,યાજ્ઞિક બ્રાહ્મણો ને પુરોહિતોના દર્શાવેલા મતમાં જ રહીને રાજ્ય કરતો હતો.પ્રજાનું પાલન,ધર્મ,દાન,યજ્ઞ અને શત્રુઓનો જય-એ રાજકીય આચારોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને તે સુહોત્રરાજા પોતાના રાજ્યમાં ધર્મથી જ ધનની આવક ઈચ્છતો હતો.

તે રાજા,ધર્મથી દેવોનું આરાધન કરતો હતો,શત્રુઓને જીતતો હતો અને પોતાના સર્વ ગુણોથી સર્વનું રંજન કરતો હતો.તે મ્લેચ્છ અને જંગલી લોકો વિનાની આખી પૃથ્વી પર રાજ કરતો હતો.એના રાજ્યકાળમાં મેઘ દરેક વર્ષે સુવર્ણની વૃષ્ટિ કરતો હતો અને એટલું જ નહિ તેની વિવિધ કામનાઓને પણ તે વરસતો હતો.આમ થવાથી તેના રાજ્યમાં અઢળક સુવર્ણ થઇ પડ્યું હતું.

એ રાજર્ષિએ કુરુજાંગલ દેશમાં યજ્ઞ કર્યો હતો ને તે અપરિમિત સુવર્ણનું બ્રહ્મણોને દાન કરી દીધું હતું.વળી,તેણે સો અશ્વમેઘ યજ્ઞો,સો રાજસૂય યજ્ઞો,ને બીજા પુષ્કળ દક્ષિણાવાળા યજ્ઞો કાર્ય હતા તેથી તે ઇષ્ટ ગતિને પામ્યો હતો.

હે સૃન્જયરાજ,ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય અને ઐશ્વર્યમાં તારા કરતાં અતિશય ચડિયાતો તે સુહોત્ર રાજા પણ જો મરી ગયો છે તો તેનાથી ઉતરતા,યજ્ઞયાગાદિ નહિ કરનારા તારા અકુશળ એવા તારા પુત્રનો તું શા માટે શોક કરે છે? (12)

અધ્યાય-56-સમાપ્ત 


અધ્યાય-૫૭-પૌરવરાજાનું ચરિત્ર 


 II नारद उवाच II राजानं पौरवं वीरं मृतं सृंजय शुश्रुम I सहस्त्रं यः सःस्त्राणां श्वेतानश्वानवासृजत II १ II

નારદ બોલ્યા-હે સૃન્જય,વીર પૌરવરાજને પણ અમે મરણ પામેલો સાંભળીએ છીએ.તેણે એક હજાર ધોળા ઘોડાઓનું દાન કર્યું હતું. હે રાજર્ષિ, તેના અશ્વમેઘ યજ્ઞમાં અને દેશોમાંથી આવેલા,વેદના છ અંગોને અને કર્મકાંડવિધિને જાણનારા વિદ્વાનોની  સંખ્યા અગણિત હતી.તે સર્વને તે રાજા અનેક સુવિધાઓ આપીને તેમને તૃપ્ત કરતો હતો.વળી,દરેક યજ્ઞમાં સમયને યોગ્ય અનેક દક્ષિણાઓ આપતો હતો.તેણે એક હજાર હાથીઓ અને સુવર્ણરથો દાનમાં આપ્યા હતા.


વળી,સુવર્ણાલંકારોથી શોભતી,એક લાખ કન્યાઓ,ઘર,ખેતર અને ગાયો સહીત,તેણે દાનમાં આપી હતી.એ રાજાએ કેટલાક મહાત્મા બ્રાહ્મણોને,સુવર્ણની માળાવાળી,સુવર્ણની શિંગડીઓવળી સેંકડો ગાયો તેનાં વાછરડાં સાથે દાનમાં આપી હતી.એટલું જ નહિ પણ તેણે તેમને તે ગાયોનું રક્ષણ કરનારા હજારો અનુચરો પણ સાથે આપ્યા હતા.તે સિવાય પણ તેણે વિસ્તારવાળા યજ્ઞમાં દાસીઓ,દાસો,અનેક જાતનાં પ્રાણીઓ,અનેક રત્નો ને અન્ન પણ બ્રાહ્મણોને દક્ષિણમાં આપ્યા હતા.


એ રાજાના સંબંધમાં એક ગાથા પ્રચલિત છે-'યજ્ઞ કરનારા અંગરાજ પૌરવના સઘળા યજ્ઞો,સ્વધર્મપૂર્વક સિદ્ધ થઇ શુભ ફળ આપનારા,અધિક ગુણવાળા તથા સર્વ મનોરથોને પૂર્ણ કરનારા હતા' હે સૃન્જયરાજ,ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય અને ઐશ્વર્યમાં પણ તારા અને તારા પુત્ર કરતાં ચડિયાતો તથા અધિક પુણ્યશાળી તે પૌરવરાજા પણ જો મરી ગયો તો તું પુત્રનો શોક ન કર.(12)

અધ્યાય-57-સમાપ્ત