Mar 1, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1061

 

અધ્યાય-૫૫-સૃન્જય રાજાની કથા 


 II संजय उवाच II श्रुत्वा मृत्युममुत्पतिं कर्माण्यनुपमानि च I धर्मराजः पुनरवाक्यं प्रसाधैनमथाब्रवीत II १ II

સંજય બોલ્યો-મૃત્યુની ઉત્પત્તિનું તથા તેનાં અનુપમ કર્મોનું શ્રવણ કરીને ધર્મરાજ વ્યાસજીને પ્રસન્ન કરી પુનઃ બોલ્યા કે-

'હે બ્રહ્મન,પવિત્ર કર્મ કરનારા,ઇન્દ્ર સમાન પરક્રમવાળા,નિર્દોષ,મૌનવ્રતને ધારણ કરનારા એવા મહાન રાજર્ષિઓ સત્યલોક આદિ પવિત્ર શ્રેષ્ઠ સ્થાનોમાં વસે છે,માટે તેવા પ્રાચીન રાજર્ષિઓનાં કર્મોને સત્ય વચનમાં કહીને મારું આશ્વાસન કરો ને મારા ધૈર્યમાં વૃદ્ધિ કરો.તે પ્રાચીન રાજર્ષિઓમાંના કોણે કોણે કેટલી કેટલી દક્ષિણાઓ આપી હતી? તે મને કહો.

વ્યાસ બોલ્યા-પૂર્વે શૈબ્યરાજને સૃન્જય નામનો એક પુત્ર હતો.તેને પર્વત ને નારદ નામના બે ઋષિઓ મિત્ર હતા.તે બંને એક દિવસ રાજાને મળવા આવ્યા.રાજાએ તેમનું પૂજન કર્યું અને તે બંને ત્યાં સુખપૂર્વક રહ્યા.એક સમયે તે સૃન્જયરાજ પોતાના બંને મિત્રો સાથે સુખથી બેઠો હતો તેવામાં તેની સુંદર કન્યા ત્યાં આવી ચડી.તે કન્યાએ યથાવિધિ પ્રણામ કર્યા.એ વેળા પર્વતઋષિ બોલ્યા-'આ સુંદર કન્યા કોની છે?'ત્યારે સૃન્જયરાજે કહ્યું કે-'હે ભગવન,આ મારી કન્યા છે ને તે યોગ્ય વરને ઈચ્છે છે'

ત્યારે નારદઋષિ વચ્ચે જ બોલ્યા કે-હે રાજા,તારે મહાન કલ્યાણ પામવાની ઈચ્છા હોય તો આ કન્યા મને આપ'


સૃન્જયરાજે હર્ષમાં આવી કહ્યું-'હું આપને આ કન્યા આપીશ' ત્યારે પર્વતઋષિએ ક્રોધાયમાન થઈને નારદને કહ્યું કે-'હું પ્રથમથી જ આ કન્યાને મનથી વરી ચુક્યો છું છતાં તેં એની માંગણી કરી છે,માટે તું સ્વેચ્છા પ્રમાણે સ્વર્ગમાં જઈ શકીશ નહિ'

નારદે કહ્યું-'સ્ત્રીપુરુષનું ભાર્યાત્વ અને પતિત્વ સંપાદન કરવામાં તો નિશ્ચિત ખરો આધાર તો હસ્તમેળાપ ને સપ્તપદી પર રહેલો છે,તેનું તો હજી કોઈ ઠેકાણું નથી છતાં તેં મને શાપ  આપીને સ્વર્ગગતિથી ભ્રષ્ટ કર્યો છે માટે હું પણ તને સામો શાપ આપું છું કે,તું પણ મારા વિના સ્વર્ગમાં જઈ શકશે નહિ'આમ બંને અન્યોન્યને શાપ આપી બેસી રહ્યા.


પછી,સૃન્જયરાજ પણ યત્નપૂર્વક યથાશક્તિ બ્રાહ્મણોની સેવામાં લાગી ગયો કારણકે તેને પુત્ર મેળવવાની કામના હતી.રાજા પર બ્રાહ્મણો પ્રસન્ન થયા અને તેઓ એકઠા મળીને દેવર્ષિ નારદને કહેવા લાગ્યા કે-'આ રાજાને ઈચ્છીત પુત્ર આપો' નારદે રાજાને ઈચ્છીત પુત્ર માગવા કહ્યું.ત્યારે સૃન્જયરાજે યશસ્વી પુત્ર માગ્યો ને વળી,વધારામાં માગ્યું કે-'મને જે પુત્ર થાય તેનું મૂત્ર,વિષ્ટા,પરસેવો પણ કેવળ સુવર્ણ જ હોવું જોઈએ' રાજાની ઈચ્છાને અનુસરીને નારદે તેને તેવો જ પુત્ર આપ્યો કે જેનું નામ રાજાએ સુવર્ણષ્ઠીવિ રાખ્યું.વરદાનને લીધે તે રાજકુમાર રાજાને ઘેર અખૂટ ધનની વૃદ્ધિ કરવા લાગ્યો.રાજાએ પોતાની સર્વ ઇષ્ટ વસ્તુઓ સોનાની જ બનાવડાવી.તેણે ઘર,કિલ્લાઓ,શય્યા,આસનો,વાહનો,વાસણો-આદિ સર્વ સોનાના બનાવ્યા હતા.


આ વાતની ચોરોને ખબર પડી એટલે તેમણે સુવર્ણની ખાણરૂપ રાજકુમારનું હરણ કરીને વનમાં લઇ ગયા ને તેને કાપી નાખીને તેનું શરીર તપાસવા લાગ્યા,પણ તેમને કોઈ ધન મળ્યું નહિ ને રાજકુમારનું મરણ થતા ઉલટું વરદાનથી પ્રાપ્ત થતું ધન પણ નાશ પામ્યું.પોતાના ચમત્કારી પુત્રને મરણ પામેલો જોઈને સૃન્જયરાજ અત્યંત દુઃખાતુર થયો ને વિલાપ કરતો હતો ત્યારે દેવર્ષિ નારદ તેની પાસે આવ્યા અને તે સૃન્જયરાજને મરુતરાજની કથા કહેવા લાગ્યા-'હે સૃન્જયરાજ,તું પોતે પણ આ લોકમાં કામનાઓથી અતૃપ્ત રહીને મરી જશે.જેને ઘેર અમે તથા બીજા અનેક બ્રહ્મવાદીઓ રહેતા હતા,તે અવિક્ષિતપુત્ર મરૂતરાજા પણ મરણ પામ્યો છે.બૃહસ્પતિની સ્પર્ધા કરી,તેણે સંવર્ત મુનિ પાસે યજ્ઞ કરાવ્યા હતા.


મરૂતરાજે બ્રાહ્મણોને અમાપ ધન આપ્યું હતું.યજ્ઞથી ઇન્દ્ર પણ તેનું શુભ ચિંતવતો હતો.એ રાજા પ્રજાને સુખી કરીને અંતે શ્રદ્ધાયુક્ત થઇ જીતેલા,પુણ્યશાળી પુરુષોના અક્ષયલોકમાં ચાલ્યો ગયો હતો.હે સૃન્જયરાજ.ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય અને ઐશ્વર્યમાં તારાથી ઘણો જ આગળ એવો મરૂતરાજ પણ જો મરી ગયો,તો તારે શોક કરવો યોગ્ય નથી કારણકે તે મરૂતરાજાના કરતાં તું ઘણો નિર્ગુણ છે તથા તારો પુત્ર તો વળી તારા કરતાં પણ અધિક નિર્ગુણ,યજ્ઞાદિ નહિ કરનારો અને અકુશળ હતો.માટે તેના મરણથી તું શોક કરીશ નહિ.(50)

અધ્યાય-55-સમાપ્ત