Feb 28, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1060

 

અધ્યાય-૫૪-મૃત્યુ અને પ્રજાપતિનો સંવાદ 


II नारद उवाच II वीनिय दुःखमबला आत्मन्येव प्रजापतिं I उवाच प्रांजलिर्भुत्वा लतेवावर्जिता पुनः II १ II

નારદ બોલ્યા-મૃત્યુ નામની તે અબળા,દુઃખને પોતાના અંતરમાં દબાવી દઈને હાથ જોડી,નમ્ર થઇ બ્રહદેવને કહેવા લાગી.

'હે દેવ,આપે મને આવી સ્ત્રી કેમ ઉત્પન્ન કરી?જાણવા છતાં આપે કહેલું તે અહિત ક્રૂર કર્મ હું કેમ કરું?હું અધર્મથી ડરું છું.આપ મારા પર પ્રસન્ન થાઓ.હું લોકોના પ્રિય પુત્રો,મિત્રો,ભાઈઓ,માતાઓ,પિતાઓ અને પતિઓનો સંહાર કરીશ તો તેઓ આંસુઓ વહાવી ને મારુ અનિષ્ટ ચિંતવશે.તેથી હું ભય પામીને આપણે શરણે છું,હું યમરાજને ઘેર કદી નહિ જાઉં.જો આપની કૃપા હોય તો મને તપ કરવાની જ ઈચ્છા છે.તમારી આજ્ઞાથી હું ધેનુકાશ્રમ જઈશ ને ત્યાં તમારું જ આરાધન કરવામાં આસક્ત રહી તીવ્ર તપ કરીશ,આપ મને આ અધર્મથી બચાવી લો.'

બ્રહ્મા બોલ્યા-હે મૃત્યુદેવી,પ્રજાના સંહાર કરવાના કારણથી જ મેં તારો પ્રથમથી જ સંકલ્પ કર્યો છે,તેમાં જરા પણ ફેરફાર થશે નહિ,ને આમ કરવાથી તું નિંદાને પામીશ નહિ માટે વિચાર કર્યા વગર જા,ને મારા કહેવા પ્રમાણે કર.

નારદ બોલ્યા-'બ્રહ્માએ આમ કહ્યું,છતાં તે મૃત્યુદેવી હાથ જોડીને જ ઉભી રહી પણ પ્રજાનો સંહાર કરવાની ઈચ્છા તેણે કરી નહિ.ત્યારે બ્રહ્મા થોડીવાર શાંત રહ્યા ને પછી આપોઆપ ક્રોધનો ત્યાગ કરી પ્રસન્ન થઇ તેમને સર્વ લોકો તરફ જોયું ત્યારે તેમને તુરત સર્વ જગત પ્રથમ હતું તેવું દેખાયું.પછી,તે કન્યા ત્યાંથી ધેનુકાશ્રમ ચાલી ગઈ ને ત્યાં દયાને લીધે પ્રજાનું હિત ઈચ્છી એકવીસ પદ્મ વર્ષ (એક અબજ વર્ષ) એક પગે ઉભા રહી,વિષયો તરફથી ઇન્દ્રિયોને આકર્ષી લીધી.વળી,બીજા એકવીસ પદ્મ વર્ષ સુધી પરમ તીવ્ર વ્રત આચર્યું.પછી,દશ હજાર પદ્મ વર્ષ તે મૃગોની સાથે ફરી,નંદા નદી પર પછી ગઈ.ત્યાં આઠ હજાર વર્ષ સુધી નંદા નદીના જળમાં ઉભી રહી તપ કર્યું.ત્યાંથી કૌશિકી નદી પર જઈ તેણે માત્ર જળ ને વાયુનો આહાર કરી તપ કર્યું.


વળી,પવિત્ર હૃદયની તે કન્યા પંચગંગા,વેતરાક,ગંગા,હિમાલય આદિ જગ્યાએ પથ્થરની જેમ પ્રાણાયામ કરીને પોતાના પગના એક અંગુઠા પર ઉભા રહીને એક નિખર્વ (દશ હજાર કરોડ)વર્ષ તપ કરવામાં આસક્ત થઇ હતી.એ ઉપરાંત પુષ્કર,ગોકર્ણ,નૈમિષ તથા મલય આદિ પવિત્ર ક્ષેત્રોમાં રહી પોતાને પ્રિય એવા માનસિક નિયમો કરીને દેહને ક્ષીણ કરવા લાગી.તે બીજા કોઈ દેવનું નહિ પણ કેવળ બ્રહ્માનું જ આરાધન કરતી હતી,તેથી ભગવાન બ્રહ્મા પ્રસન્ન થઇ તે દેવીને કહેવા લાગ્યા કે-

'હે મૃત્યુદેવી,તું શા માટે આટલાં બધાં તપ કરે છે?' ત્યારે તે મૃત્યુદેવી કહેવા લાગી કે-

'હે સર્વેશ,હું આ શાંતિમાં રહેલી પ્રજાને રોકકળ કરતી કરી હણી નાખીશ નહિ.અધર્મથી ભયભીત થઈને હું આ 

વ્રત આદરી રહી છું,મને ભય પામેલીને આપ અભય આપો એવું હું યાચના કરું છું,આપ મારો આધાર થાઓ.'


ત્યારે ભૂત,ભવિષ્ય ને વર્તમાનને જાણનારા બ્રહ્માએ કહ્યું કે-'પ્રજાનો સંહાર કરતાં તને જરા પણ અધર્મ થશે નહિ,માટે તું આ ચારેય પ્રકારની સર્વ પ્રજાનો સંહાર કર.સનાતન ધર્મ તને સર્વથા પવિત્ર કરશે.લોકપાળ,યમ તથા વ્યાધિઓ તારા સહાયક થશે.તે ઉપરાંત હું અને બીજા દેવો તને વરદાન આપશું કે જેથી તું પાપમુક્ત થઈશ અને ખ્યાતિ પામીશ'


મૃત્યુદેવીએ હાથ જોડી પ્રણામ કરી કહ્યું કે-'હે પ્રભુ,જો એમ જ છે અને વળી જો આ કામ મારા વિના બીજા કોઈથી 

થઇ શકે તેમ નથી તો હું આપણી આજ્ઞાને મારા મસ્તકે ચડાવું છું,પણ હું જે કહું છું તે આપ સાંભળો.

લોભ,અસૂયા,ઈર્ષા,દ્રોહ,નિર્લજ્જપણું,મોહ અને પરસ્પરમાં તીક્ષ્ણ વાણીનો પ્રયોગ-આ 

બધી વસ્તુઓ પ્રાણીઓના દેહનો નાશ કરે-એવો હું વર માગું છું.'


બ્રહ્મા બોલ્યા-હે મૃત્યુદેવી,તારી ઈચ્છા પ્રમાણે બધું તેમ જ થશે,પણ હવે તું સારી રીતે પ્રજાઓનો સંહાર કરજે.એમ કરવાથી તને અધર્મ લાગશે નહિ અને હું પણ તારું અનિષ્ટ ચિંતવીશ નહિ.મારા હાથમાં તારાં નેત્રોનાં જે અશ્રુબિંદુઓ પડ્યાં છે તે પ્રાણીઓને પોતાનામાંથી જ જન્મેલા રોગો થશે અને તે રોગો જ મનુષ્યને નિર્જીવ કરીને મારી નાખશે તેથી તને અધર્મ થશે નહિ,પણ પ્રાણીઓને ધર્મરૂપ થઈશ અને ધર્મની ઈશ્વરી થઈશ,માટે તું બીશ નહિ અને સુખેથી પ્રાણીઓનો સંહાર કર.

તું કામ અને ક્રોધનો ત્યાગ કરી,સર્વ પ્રાણીઓના પ્રાણોનો નાશ કર એમ કરવાથી અનંત ધર્મ થશે અને આ ધર્મથી જ તું મિથ્યાચારી મનુષ્યોને મારી નાખશે.માટે તું તારા આત્માને પવિત્ર કર.પ્રાણીઓ અસત્યને લીધે પોતાના આત્માને પાપમાં ડુબાડશે માટે તારે તો સમીપમાં આવેલા કામ ને ક્રોધનો ત્યાગ કરીને જીવોનો સંહાર જ કર્યા કરવો.'


નારદ બોલ્યા-બ્રહ્માના એ ઉપદેશથી એ મૃત્યુ નામની સ્ત્રીએ 'બહુ સારું'એમ કહ્યું અને પછી તે કામ અને ક્રોધનો ત્યાગ કરીને હંમેશાં કોઈના પર પણ આસક્તિ રાખ્યા વિના તે અંતકાળે પ્રાણીઓના પ્રાણ હરણ હર્યા કરે છે.મૃત્યુદેવી આ સ્વરૂપની છે.સર્વ વ્યાધિઓ તેનાથી જ ઉત્પન્ન થયેલા છે.આયુષ્ય ને કર્મભોગ પૂરો થતા સર્વ પ્રાણીઓનું મૃત્યુ થાય જ છે માટે હે અકંપન રાજા,તું વ્યર્થ શોક ન કર,આયુષ્યના અંતે સર્વ પ્રાણીઓ (જીવો)પોતાની ઇન્દ્રિયો સાથે પરલોકમાં જઈને જેમ વૃત્તિમાન થાય છે ને પાછા ફળોનો ઉપભોગ કરીને ત્યાંથી પ્રત્યાગમન કરે છે.પ્રાણવાળા ઇન્દ્ર-આદિ દેવો પણ મનુષ્યોની જેમ જ પરલોકમાં ગમન કરે છે.


(હવે પછીના 47 મા શ્લોકમાં કહે છે કે)અતિ ભયાનક,ભયંકર શબ્દવાળો તથા મહાતેજસ્વી એવો પ્રાણવાયુ ચેતન (જીવ)ના દેહોનું જ ભેદન કરી શકે છે,પણતે ચેતનનું નહિ.કારણકે ચેતન સર્વવ્યાપક છે અને તેથી જ તે ગમનાગમનથી રહિત છે.અનંત તેજવાળા તથા ઉગ્ર એવા એ ચેતનને કદી જવું આવવું પડતું જ નથી.સર્વ દેવો પણ 'મર્ત્ય' (મરણધર્મ) એવી સંજ્ઞાથી યુક્ત છે,માટે તું પુત્રનો શોક કરીશ નહિ,તારો પુત્ર વિરલોકને પામી આનંદમાં જ છે.ને પુણ્યવાન પુરુષોની સંગતિવાળો થયો છે.

આમ,બ્રહ્મદેવે પોતે જ પ્રજાઓનો અંતકાળ પ્રાપ્ત થતાં સંહાર કરનારી આ મૃત્યુદેવીનું નિર્માણ કર્યું છે.સર્વ પ્રાણીઓ પોતે જ પોતાનો નાશ કરે છે,મૃત્યુ કંઈ હાથમાં લાકડી લઈને કોઈને મારતું નથી.આમ,બ્રહ્મદેવથી નિર્માણ થયેલા એ મૃત્યુનો નિશ્ચય જાણીને ધીર પુરુષો મરેલાઓનો શોક કરતા નથી.માટે તું શોકનો ત્યાગ કર.'

વ્યાસ બોલ્યા-'નારદે કહેલાં હે અર્થવાળાં વાક્યને સાંભળીને અકંપન રાજાનો શોક દૂર થયો.પછી,નારદ ત્યાંથી ચાલ્યા ગયા'


સંજય બોલ્યો-હે રાજન,વ્યાસ ભગવાને કહેલો એ ઇતિહાસ સાંભળીને યુધિષ્ઠિરને ક્ષાત્રધર્મનું બરાબર જ્ઞાન થયું ને તેમને શૂરવીરોની પરમ ગતિ પણ જાણવામાં આવી.વળી,વ્યાસે યુધિષ્ઠિરને કહ્યું કે-'મહારથી અભિમન્યુ,સર્વ ધનુર્ધરોની આગળ રહીને સ્વર્ગલોકમાં ગયો છે કારણકે તે રણમાં સામો રહીને લડતો હતો.અને છેવટે,તલવાર,ગદા,શક્તિ અને ધનુષ્યથી માર્યો ગયો છે.તે ચંદ્રવંશી રાજપુત્ર ચંદ્રમાં લિન થયો છે માટે તું પરમ ધૈર્ય ધારણ કરી પ્રમાદનો ત્યાગ કરી સત્વર યુદ્ધ માટે સજ્જ થા'(58)

અધ્યાય-54-સમાપ્ત