Feb 27, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1059

 

અધ્યાય-૫૩-મૃત્યુની કથા 


II स्थाणुरुवाच II प्रजासर्गनिमित्तं हि कृतो यत्रस्त्वया विभो I त्वया स्रुष्टाश्च व्रुधाश्व भुत्ग्रामाः पृथग्विधाः II १ II

રુદ્રદેવ બોલ્યા-'હે વિભુ,તમે પ્રજાઓ ઉત્પન્ન કરવા માટે ભારે પ્રયત્ન કર્યો છે.તમે અનેક પ્રકારના ભૂતસમૂહોને 

સર્જ્યા છે અને તે વૃદ્ધિ પણ પામ્યા છે.તે બધી પ્રજા આ સમયે આપણા ક્રોધથી ચોતરફથી બળી રહી છે,

તે જોઈ મને કરુણા ઉપજી છે.માટે હે ભગવન,તમે મારા પર પ્રસન્ન થાઓ'

બ્રહ્મા બોલ્યા-આ સર્વ જગત આ પ્રમાણે બળી જાય તેવી મારી ઈચ્છા ન હતી.પૃથ્વીદેવીનું હિત કરવાની ઈચ્છાથી જ મને ક્રોધ ચડ્યો હતો.પૃથ્વીદેવી જયારે ઘણા ભારથી પીડાઈ ગઈ ત્યારે તેણે મને સંહાર કરવા પ્રેરણા કરી.મેં ઘણા વિચારો કર્યા પણ મને આ જગતનો સંહાર કરવાનો ઉપાય લાધ્યો નહિ,તેથી જ આખરે મને ક્રોધ ચડ્યો.


રુદ્રદેવ બોલ્યા-હે પૃથ્વીપતિ,તમે ક્રોધ કરી આ સ્થાવર જંગમ પ્રજાઓનો નાશ કરો નહિ.તમારી કૃપાથી ભૂત,ભવિષ્ય ને વર્તમાનકાળમાં આ જગત સર્વ કાલે જેવું છે તેવું ને તેવું રહે તે પ્રમાણે તમે કરો,પણ તમારે તેનો સમૂળગો નાશ કરવો ન જોઈએ.તમારા ક્રોધથી થયેલો અગ્નિ જગતનો સંહાર કરી રહ્યો છે,માટે તમે પ્રસન્ન થાઓ ને હવે પછી તમને આવો ક્રોધ થાય નહિ તેવો વર મને આપો.તમે આ કાર્યમાંથી નિવૃત્ત થાઓ ને તેજ(અગ્નિ) નો પાછો તમારામાં જ લય કરો.આપે મને આ લોકમાં સ્ત્રષ્ટા તરીકે નીમ્યો છે,માટે આ જગતનો નાશ ન થાય,હે હેતુથી આપણે પ્રસન્ન કરવા હું આ પ્રમાણે કહી રહ્યો છું'


નારદ બોલ્યા-રુદ્રદેવનું એ વચન સાંભળીને પ્રજાનું હિત કરવા,બ્રહ્મદેવે તે તેજનો પોતાનામાં લય કર્યો,ને રુદ્રદેવને સૃષ્ટિનું કારણ તથા કર્મો ને કામોથી મુક્ત થવાનું કારણ કહી સંભળાવ્યું.તે બ્રહ્મા જયારે તે અગ્નિનો ઉપસંહાર કરતા હતા ત્યારે તે મહાત્માની સમગ્ર ઇન્દ્રિયોના છિદ્રોમાંથી રંગે કાળી એવી એક સ્ત્રી પ્રગટ થઇ ને દક્ષિણ દિશામાં જઈને ઉભી રહી.બ્રહ્માએ તેને કહ્યું કે-

'હે મૃત્યુદેવી,તું આ પ્રજાનો નાશ કરજે.તું જો મારી આજ્ઞા પ્રમાણે વર્તીશ તો પરમ કલ્યાણને પામીશ'

ત્યારે તે મૃત્યુ નામની સ્ત્રી અત્યંત વિચારમાં પડી ગઈ અને રડવા લાગી.પિતામહે તેનાં આંસુઓ પોતાના 

બે હાથમાં ઝીલી લીધાં તથા પ્રજાઓનું હિત કરવા માટે તેને વીનવવા લાગ્યા (23)

અધ્યાય-53-સમાપ્ત