Sep 28, 2019

ભાગવત રહસ્ય-૭૭

એકાંતમાં ઈશ્વરભજન કરો. એકાંત જલ્દી મનને એકાગ્ર બનાવે છે.
'એક' શબ્દ નો અર્થ થાય છે-ઈશ્વર. એક ઈશ્વરમાં સર્વનો લય કરીને(સર્વનો અંત કરીને) બેસે તે એકાંત.ગૃહસ્થ ઘરમાં સમભાવ (સમતા) રાખી શકતો નથી, ભલે ને- એ રોજ ગીતાનો પાઠ કરે –કે-સમતા એ જ યોગ છે.ગૃહસ્થાશ્રમના વ્યવહારો વિષમતાથી(અસમતાથી) ભરેલા છે. ત્યાં સમતા રાખવી ખુબ જ અઘરી છે.

વિષમતા (અસમતા) થી –વિરોધ- પેદા થાય છે.ગૃહસ્થના ઘરમાં –ભોગના –પરમાણુઓ રહેલા છે. જેથી ઘરમાં રહી –સર્વ વ્યવહારો પરમાત્મામાં લય કરવાનું-અંત કરવાનું-અઘરું છે. ઘરમાં 'સતત' પરમાત્માનું ધ્યાન કરવું બહુ કઠણ છે.આથી શુકદેવજીએ ભાગવત માં બહુ સ્પષ્ટ કહેલું છે-કે-જેનું મરણ સમીપ આવ્યું હોય તે ઘર છોડી ડે.(ગૃહાત પ્રવ્રજિતા ધીરઃ)

ઘરની એક એક વસ્તુમાં મમતા હોય છે. આંખને દેખાય એટલે મોહ થાય છે.આંખને દેખાય ત્યાં સુધી આશક્તિ છૂટતી નથી.કોઈ કહેશે-કે અમે બંગલો અહીં બંધાવ્યો છે અને ગંગાકિનારે કેમ કરી ને જવું?ઘર છોડી ના જ શકતા હો-તો ઘરમાં રહેજો –પણ સાવધાનીથી-વિવેકથી- રહેજો. 'મારું અસલી ઘર તો –પરમાત્મા ના ચરણોમાં છે' - તે યાદ રાખજો. બાકી વ્યાસજીના કહેવા મુજબ ઘર છોડવું વધુ સારું છે.
જ્યાં સુધી સંસારનો સંબંધ છે ત્યાં સુધી-બ્રહ્મ સંબંધ-ભગવત સંબંધ –થતો નથી.

શુકદેવજી કહે છે-ધૈર્યની સાથે ઘર છોડવું,કોઈ પવિત્ર નદીના કિનારે કે પવિત્ર તીર્થમાં જવું. કોઈ મહાપુરુષે તપશ્ચર્યા કરી હોય તેવી ભૂમિમાં રહેવું. તીર્થના જળમાં સ્નાન કરવું અને પવિત્ર –એકાંત સ્થાનમાં આસન લગાવી બેસવું. અને પ્રણવ-ઓમનો જપ કરવો..પ્રાણાયામથી (પ્રાણ) પ્રાણવાયુને વશ કરવો. મનનો –પ્રાણ સાથે સંબંધ છે.પ્રાણાયામ- એ બહિરંગ (External) યોગની એક પ્રક્રિયા છે. શરીર- જીવનના છેલ્લા દિવસ સુધી નિરોગી રહે-તે બહિરંગ યોગનું લક્ષ્ય છે.

મહાપ્રભુજીએ સુબોધિનીમાં કહ્યું છે કે-યોગને પણ ભક્તિનો સહકાર જોઈએ.
યોગને જો ભક્તિનો સાથ ના હોય તો –યોગીનું પતન થાય છે-યોગી- રોગી બને છે. યોગ- સાધકને બદલે બાધક થાય છે.ભક્તિ સાથે યોગ કરે તો-પ્રભુ સાથે સંયોગ થાય છે.

પ્રાણાયામના ત્રણ પ્રકાર બતાવ્યા છે. પૂરક-કુંભક અને રેચક.
જમણા નસકોરા માંથી બહારની હવા(પ્રાણ) ને -અંદર –ખેંચવી તે પૂરક.
પ્રાણ ને શરીર માં અંદર રોકી રાખવો તે કુંભક. 
અને ડાબા નસકોરા માંથી પ્રાણ ને બહાર કાઢવો-તેને રેચક કહે છે.

આ થઇ –યોગની –તનની (શરીરની) પ્રક્રિયા. 
ભક્તિનો સહકાર –આમાં કેમ આપવો ? તે વિષે ભાગવત કહે છે-કે-
પૂરક પ્રાણાયામમાં એવી ભાવના કરવાની કે –પ્રભુનું વ્યાપક-તેજોમય સ્વરૂપ મારા હૃદયમાં આવે છે.
કુંભક પ્રાણાયામમાં એવી ભાવના કરવાની કે-પ્રભુ સાથે જીવનું મિલન થઇ –બ્રહ્મસંબંધ થયો છે. પ્રભુનું આલિંગન મળ્યું છે.
રેચક પ્રાણાયામમાં એવી ભાવના કરવાની છે કે-હું પ્રભુ સાથે એક થયો-એટલે મારું પાપ-વાસના-વિકારો બહાર નીકળે છે.

રોજ નિયમિત પ્રાણાયામ (ઓછામાં ઓછા-ત્રણ)- કરવાથી ધીરે ધીરે મનના સંકલ્પ-વિકલ્પો ઓછા થાય છે. મન સ્થિર થાય છે.મનના બે પ્રકાર છે. સ્થૂળ મન અને સૂક્ષ્મ મન.
પ્રાણાયામથી સ્થૂળ મનની શુદ્ધિ થાય છે,સ્થિર થાય છે. પણ સૂક્ષ્મ મનને શુદ્ધ કરવા વિરાટ પુરુષનું ધ્યાન (અંતઃરંગ(Internal) યોગ) કરવાની જરૂર પડે છે.
જગત જેને આધારે ટક્યું છે-તે-વિરાટ પુરુષ.
માટે પ્રાણાયામ પછી મનને વધારે શુદ્ધ કરવા વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું કહે છે.

શુકદેવજી કહે છે-અમારી નિષ્ઠા –નિર્ગુણમાં છે.તેમ છતાં શ્રીકૃષ્ણની મધુર લીલાઓ બળપૂર્વક મારા હૃદયને-મનને-પોતાની તરફ ખેંચી લે છે. અને એ જ કારણથી મેં ભાગવતનું અધ્યયન કર્યું અને હું તને સંભળાવું છું. સર્વ શાસ્ત્રો નો સાર એટલો જ છે કે-ભગવાનના નામો નું પ્રેમથી સંકીર્તન કરવું. મેં સર્વ શસ્ત્રો ઉથલાવી જોયાં, વારંવાર વિચાર કરી જોયો, પછી તેમાંથી એક જ સાર નીકળ્યો કે સર્વનું ધ્યેય –એક નારાયણ હરિ જ છે. એટલે –નિશ્ચય કર્યો કે-'એક' ભગવાનનું જ ધ્યાન કરવું.નિર્ગુણ અને સગુણ બંને એકબીજાના પૂરક છે.
       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE