Sep 27, 2019

ભાગવત રહસ્ય-૭૬

જેનું આખું જીવન –નિંદ્રા-ધન માટે ઉદ્યમ-અને કુટુંબનું ભરણપોષણ –કરવામાં જાય-તેને- તે- જ અંતકાળે યાદ આવે છે.
એક ડોસો માંડો પડ્યો. તેનુ સમગ્ર જીવન દ્રવ્ય (કમાવવામાં-બચાવવામાં) પાછળ ગયેલું. અંતકાળ નજીક આવ્યો.છોકરાઓ બાપાને ‘શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે’ બોલવાનું કહે છે. પણ બાપાના મુખમાંથી હરિનું નામ નીકળતું નથી. જિંદગીમાં કદી 
હરિનામ લીધું હોય તો હરિનામ યાદ આવે ને ? 

ડોસાને પ્રતિ સમય દ્રવ્ય દેખાય છે. દ્રવ્યનું ચિંતન કરે છે.ડોસાની નજર તેવામાં આંગણામાં પડી. ત્યાં જોયું તો વાછરડો સાવરણી ખાતો હતો. ડોસાથી આ નજીવું નુકસાન જોવાતું નથી.અને ડોસો હૈયું બાળે છે કે-મેં કેવી રીતે મેળવ્યું છે-તે આ લોકો શું જાણે ?ઘરનાં લોકોને પૈસાની કે કોઈ ચીજ વસ્તુની દરકાર નથી.આ લોકો મારા ગયા બાદ ઘરને કેવી રીતે સાચવશે ? 
ડોસાથી વધારે બોલી શકાતું ના હતું-તૂટક તૂટક શબ્દે-તે-વા...સા....,વા...સા... બોલવા લાગ્યો.

એક છોકરાને લાગ્યું-બાપા વાસુદેવ બોલવા જાય છે ,પણ બોલાતું નથી.
બીજા છોકરાને સ્વાર્થને લીધે લાગ્યું-કે-બાપા કોઈ દિવસ ભગવાનનું નામ લે તેવા નથી. બાપા કંઇ વારસામાં આપવાની ઈચ્છાથી બોલે છે. કદાચ કોઈ ખાનગી મિલકત છુપાવી રાખી હોય –તે બાબતમાં કંઇક કહેવા માગે છે. છોકરાઓએ ડોક્ટરને બોલાવ્યા.ડોક્ટરને કહે છે-કે-બાપા થોડું બોલી શકે તેવું કરો. ડોક્ટર કહે-છે-ઈન્જેક્સન આપીએ તો ડોસા થોડી વખત બોલી શકે. પણ તે માટે હજાર રૂપિયા ખર્ચ લાગશે. 

છોકરાઓને આશા હતી કે –ડોસાએ કંઇક દાટ્યું હોય તો બતાવશે. છોકરાઓએ ખર્ચ કર્યો.બાપા શું બોલે છે સાંભળવા બધાં આતુર થયા.દવાની અસરથી બાપા બોલ્યા-અહીં મારા તરફ શું જુઓ છો ?ત્યાં પેલો વાછરડો સાવરણી ખાય છે. વાછરડો...સાવરણી....બોલતાં બોલતાં ડોસાએ દેહ છોડ્યો. 
આવી દશા તમારી ન થાય તે જોજો.

લોકો વિચારે છે-કે કાળ આવવાનો છે-તેની કેમ ખબર પડે ?કાળ તો દરેકને સાવધાન કરે છે.પણ મનુષ્યો ગાફેલ રહે છે. કાળ આવતાં પહેલાં –કાગળ લખે છે,પણ કાળનો કાગળ –કોઈને વાંચતા આવડતો નથી.
ઉપર નું છાપરું ધોળું થવા માંડે ત્યારે સમજજો-કે કાળની નોટીસ આવી છે.
મનુષ્યને બધું ધોળું ગમે છે-પણ વાળ ધોળા ગમતા નથી, એથી બુદ્ધિ અને સમયનો દુરુપયોગ કરીને કાળા વાળને ધોળા કરવાનું શોધી કાઢ્યું છે.

દાંત પડવા માંડે –એટલે સમજજો કે કાળની નોટીસ આવી છે. ત્યારે માનજો કે દૂધ-ભાત ખાઈને –પ્રભુ ભજન કરવાનો સમય થયો છે.પણ દાંત પડી જાય તો લોકોએ ચોકઠું શોધી નાખ્યું છે.સમજે છે –કે ચોકઠું હોય તો –મોઢું ઠીક દેખાય છે.પાપડ ખાવાની મજા આવે છે.
શરીર પાપડ જેવું થયું-તેમ છતાં પાપડનો મોહ જતો નથી. કેટલાક તો કેવળ ખાવા માટે જ જીવે છે.આજે આ બનાવો-કાલે તે બનાવો. અરે! ક્યાં સુધી ખાશો ?ખાવાથી શાંતિ મળતી નથી.ખાવાથી વાસના વધે છે.લૂલી (જીભ) માગે અને ખાય તે પાપ છે-પેટ માગે ને ખાય તે પુણ્ય છે.

કાળનો નિયમ છે કે-તે ગાફેલને મારે છે.અંતકાળે જે સાવધ છે-તેને કાળ મારી શકતો નથી.
ભાગવતમાં -મૃત્યુના આવતાં પહેલાં –આવી બીજી કઈ કઈ જાતનાં લક્ષણો (નોટીસો) દેખાય છે-તેનું વર્ણન કરેલું છે.પણ અત્યારના જમાના માં તો ડોક્ટર પાસે જઈ ને આ બધી નોટીસો –દૂર કરવામાં –અને વધુ જીવવામાં –માનવ મશગુલ છે.

ડોક્ટરને તો ખબર પડી જાય છે-કે આ છેવટની ઉઠાંતરી છે-પણ તે સાચું કહેતા નથી. આનું જે થવાનું હોય તે થાય-પણ મારા ઈન્જેક્સનના પૈસા તો મને મળવાના છે.ડોક્ટરના વચન પર બહુ વિશ્વાસ ના રાખો-વ્યાસજી ના વચન પર વિશ્વાસ રાખો. સાવધાન થવાનાં લક્ષણો પર –જો સાવધ થવું જ હોય તો- તે વિષે વિચારજો.

શુકદેવજી કહે છે-મરણને સુધારવું હોય તો પ્રત્યેક ક્ષણને સુધારજે. રોજ વિચાર કરવો અને મનને વારંવાર સમજાવવું-કે-ઈશ્વર સિવાય મારું કોઈ નથી.આ શરીર પણ એક દિવસ છોડવું પડશે-એટલે તે પણ મારું નથી.
જો શરીર જ મારું નથી તો પછી મારું કોણ ? બાકીના સર્વ સંબંધો –જે શરીરથી ઉત્પન્ન થયેલાં છે-તે મારા કેવી રીતે ? સમતા સિદ્ધ કરવા –સર્વ સાથે મમતા રાખો. પણ વ્યક્તિગત મમતા દૂર કરો.
સંગ્રહથી પણ મમતા વધે છે-માટે અપરિગ્રહી (સંગ્રહ વગરના) રહો. તૃપ્તિ ભોગમાં નહિ-ત્યાગમાં છે.

રાજન,આથી મનુષ્યોએ સર્વ સમય અને સર્વ સ્થિતિમાં પોતાની સર્વ શક્તિથી ભગવાન શ્રી હરિનું જ શ્રવણ –કિર્તન-સ્મરણ કરવું જોઈએ. આમ કરવાથી તેઓનું અંતઃકારણ શુદ્ધ થઇ જાય છે. અને હરિ પાસે જલ્દી પહોંચી જાય છે.(ભાગવત-૨-૨-૨૬)

દેહ એ જ દુઃખનું કારણ છે. દુઃખ ભોગવવા જ દેહ મળ્યો છે. પાપ ન કર્યું હોય તો આ જન્મ જ શા માટે મળે ?
રામદાસ સ્વામી એ-દાસ બોધમાં લખ્યું છે –કે-દેહ ધારણ કરવો એ જ પાપ છે.
શુકદેવજી કહે છે-રાજન, માનવ શરીર ભોગ માટે નથી મળ્યું, પણ ભગવાનને પ્રાપ્ત કરવા મળ્યું છે. જીવનને એવું બનાવી લો-કે-મૃત્યુ ના સમયે –ભગવાનની યાદ રહે.

જીવ ઈશ્વર થવાનો પ્રયત્ન કરતો નથી-બાકી જીવ તો શિવ થવા જ સર્જાયો છે.
જીવ જયારે ઈશ્વરને કહે કે હું તમારો છું.-તો એ સંબંધ અપૂર્ણ છે.પરંતુ ઈશ્વર જયારે જીવ ને કહે કે-તું મારો છે-તો તે સંબંધ પૂર્ણ છે.ઈશ્વર આપણને પાપની પ્રવૃત્તિમાં જોડતા નથી,પરંતુ જન્મોજન્મના સંચિત સંસ્કારોથી પાપની પ્રેરણા થાય છે.પાપને ટાળો-પુણ્ય કાર્ય તરત કરો.
      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE