Sep 26, 2019

ભાગવત રહસ્ય-૭૫

માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દેતી નથી. માયા બે રીતે મારે છે. અનુકૂળ પરિસ્થિતિમાં વાસના વધે છે.પ્રતિકૂળ પરિસ્થિતિમાં મનુષ્ય હૈયું બાળે છે.
માટે ભજન માટે અનુકૂળ સમયની રાહ જુઓ નહિ. કોઈ પણ ક્ષણ ભજન માટે અનુકૂળ છે.'કોઈ અડચણ ન રહે પછી ભક્તિ કરીશ' એમ માનવું એ અજ્ઞાન છે.

એક ભાઈએ સાંભળ્યું કે અમાવાસ્યાના દિવસે-સમુદ્ર સ્નાન કરવાથી સર્વ નદીઓમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે. તેથી તે સમુદ્રમાં સ્નાન કરવા માટે ગયો. પણ સ્નાન કરવાને બદલે-તે ત્યાં જ બેસી રહ્યો.લોકોએ તેને પૂછ્યું-સ્નાન કરો ને,કેમ શાંત બેસી રહ્યાં છો. સ્નાન ક્યારે કરશો? તે પુરુષે કહ્યું-સમુદ્રમાં ઉપરા ઉપરી તરંગો આવે છે.આ તરંગો બંધ થાય,સમુદ્ર શાંત થાય,સ્થિર થાય પછી –હું સ્નાન કરીશ.

દરિયો કદી શાંત થયો નથી અને થવાનો નથી. રાહ જોઈ બેસો-તો કયારેય સ્નાન થાય જ નહિ.તરંગોનો ત્રાસ સહન કરવો જ પડે છે.તે પ્રમાણે સંસાર એ સમુદ્ર છે.તેમાં અડચણ રૂપી તરંગો તો આવવાના જ.
એટલે કોઈ કહે-કે બધી અનુકુળતા થશે-પછી હું પરમાત્માનું ધ્યાન કરીશ.તો એવી સર્વાંગી અનુકુળતા આવતી જ નથી.જેમ પેલો મનુષ્ય સ્નાન વગર રહી ગયો-તેમ તેવા વિચારનો મનુષ્ય –ઈશ્વરભજન વગર રહી જાય છે.જે આવા વિચાર કરે –તો માનવું કે-એનું મન એને છેતરે છે.

જીવન માં એક અડચણ દૂર થાય તો બીજી આવીને ઉભી થઇ જાય છે.
જીવ પાપ અને પુણ્ય બંને લઈને આવે છે.
પાપનું ફળ દુઃખ છે. અને પુણ્યનું ફળ સુખ છે. જેથી જીવનમાં અડચણ તો આવે જ છે.
માટે એવો દૃઢ નિશ્ચય કરો-કે-ગમે તે અડચણ આવે પણ કૃષ્ણનું નામ ન છૂટે.
અતિ દુઃખ આવે –અડચણ આવે –તો પણ જીવ ભોજન ક્યાં છોડે છે ? પ્રિયજન નું મૃત્યુ થયું હોય –ત્યારે-જમવું નથી-જમવું નથી-એમ બોલે છે.પણ બધાં લોકો જાય એટલે ચુપકીથી જમી લે છે. 
માનવ ભજન છોડે છે-પણ ભોજન છોડતો નથી.

લોભી જેમ પૈસાનું લક્ષ્ય રાખે છે-તેમ મહાપુરુષો પરમેશ્વરનું લક્ષ્ય રાખે છે. માટે પરમેશ્વરને મળવાનું –પરમાત્મા જોડે એક થવાનું લક્ષ્ય ભૂલશો નહિ. ભલે ગમે તેટલી અડચણો આવે.
મનુષ્ય જન્મનો એટલો જ લાભ છે કે-જીવનને એવું બનાવી દેવામાં આવે-
કે મૃત્યુના સમયે ભગવાનની સ્મૃતિ અવશ્ય બની રહે.
ગીતામાં પણ લખ્યું છે-કે-જે અંતકાળે મારું સ્મરણ કરતો-દેહનો ત્યાગ કરે છે-તે મને પામે છે.(ગીતા-૮-૫)

લોકો એમ માને છે-કે-આખી જિંદગી કામધંધો કરીશું-કાળાં ધોળાં કરીશું અને અંતકાળે ભગવાનનું નામ લઈશું –એટલે તરી જશું.પણ આ વિચાર ખોટો છે. 
એટલે સ્પષ્ટતા કરેલી છે-હંમેશાં જે ભાવનું ચિંતન કરશો-તે જ ભાવનું અંતકાળે સ્મરણ થશે. 
માટે જ-ભગવાને આજ્ઞા કરી છે-કે-સઘળા સમય માં નિરંતર-પ્રતિક્ષણ મારું સ્મરણ કર.

એક સોની માંદગીમાં પથારીવશ હતો. મહિનાથી બજાર માં ગયેલો નહિ. અંતકાળ આવ્યો છે.તાવ વધ્યો છે.ડોક્ટર તપાસવા આવ્યા –તાવ માપી કહ્યું કે-એકસો પાંચ છે (૧૦૫ ડીગ્રી તાવ છે).સોની બેભાન અવસ્થા માં સમજ્યો-કે કોઈએ સોનાનો ભાવ કહ્યો.તે તરત બુમો પાડવા માંડ્યો-વેચી નાખ-વેચી નાખ. -૮૦માં લીધેલું છે.૧૦૫ થયા છે-માટે વેચી નાખ.બસ આમ બોલતાં બોલતાં સોની એ દેહ છોડ્યો.
સોની એ આખી જિંદગી સોનાનો જ વિચાર કરેલો,એટલે અંત કાળે પણ તેણે સોનાના જ વિચારો આવ્યા.
પૈસા-પૈસા કરનાર ને-અંતકાળે પૈસાના જ વિચારો આવે છે. પૈસા કમાવા તે પાપ નથી-પૈસા મેળવતાં ભગવાનને ભૂલવા તે પાપ છે.

શુકદેવજી કહે છે-કે- ‘મનુષ્યોનું આયુષ્ય આમ ને આમ પૂરું થઇ જાય છે. રાત્રિ, નિદ્રા અને વિલાસમાં પૂરી થઇ જાય છે, ને દિવસ ધન કમાવામાં અને કુટુંબનું ભરણ પોષણ કરવામાં થઇ જાય છે.’
શંકરાચાર્યજીએ શંકરભાષ્યમાં લખ્યું છે-મનુષ્યનું મરણ પ્રતિક્ષણે થાય છે. (દરેક અંદર જતો શ્વાસ જીવન છે અને બહાર આવતો શ્વાસ મરણ છે) પ્રભુનું સ્મરણ ક્ષણ ક્ષણને અંતકાળે કરવાનું છે.(ક્ષણસ્ય અંતકાળે).
નહિ કે જીવન ને અંત કાળે.

શરીરના પરમાણુઓમાં પ્રત્યેક ક્ષણે ફેરફાર થાય છે. પ્રતિ ક્ષણ હર શ્વાસે-આ શરીર બદલાય છે. તેથી આ શરીર ક્ષણે ક્ષણે મરે છે.એટલે દરેક ક્ષણના અંતે જે મૃત્યુનો કાળ આવે છે-ત્યારે પ્રભુનું સ્મરણ કરવું.(ક્ષણે -ક્ષણે) અને આમ જો કરવામાં આવે તો જ જીવનના અંતકાળે-પ્રભુનું સ્મરણ યાદ રહે છે.


      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE