Feb 26, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1058

 

અધ્યાય-૫૨-યુધિષ્ઠિર પાસે વ્યાસ અને રાજા અકંપનું દૃષ્ટાંત


II संजय उवाच II अथैन विलपते तं कुंतीपुत्रं युधिष्ठिरं I कृष्णद्वैपायनस्तत्र आजगाम महानृपि :II १ II

સંજય બોલ્યો-કુંતીપુત્ર યુધિષ્ઠિર એ પ્રમાણે વિલાપ કરતા હતા તેવામાં મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન ત્યાં આવી પહોંચ્યા.તેમના પૂજન પછી મહર્ષિ સુખાસને બેઠા ત્યારે શોકથી સંતાપ પામેલા યુધિષ્ઠિર તેમને કહેવા લાગ્યા કે-'આ રણમાં સુભદ્રાનંદન યુદ્ધ ખેલી રહ્યો હતો ત્યારે અધર્મથી ભરેલા અનેક મોટા ધનુર્ધારી મહારથીઓએ તેને ઘેરી લઈને મારી નાખ્યો છે.અભિમન્યુ,તો બાળક હતો પણ શત્રુઓનો સંહારક હતો ને યુદ્ધમાં વિશેષ ઉપાયો પર આધાર રાખ્યા વિના જ લડતો હતો.

મેં તેને કહ્યું હતું કે આ ચક્રવ્યૂહમાં તું અમને દ્વાર કરી આપ,ને એવું કહેતાંની સાથે જ તે અંદર પેઠો હતો,

અમને બધાને સિંધુરાજ જયદ્રથે અટકાવી રાખ્યા હતા.ખરેખર તો ક્ષત્રિયોએ સરખે સરખા જોડે જ યુદ્ધ 

કરવું જોઈએ પણ શત્રુઓએ આ જે યુદ્ધ કર્યું છે તે તો અસમાન છે.કારણકે એક બાળક સામે 

તેઓ એકઠા મળીને લડ્યા છે.આથી મને ઘણો સંતાપ થાય છે,ને શાંતિ મળતી નથી'


વ્યાસ બોલ્યા-હે મહાબુદ્ધિમાન,તારા જેવાઓ તો સંકટોમાં કદી મોહ પામે નહિ.એ શુરો અભિમન્યુ તો 

રણમાં અનેક શત્રુઓનો સંહાર કરીને સ્વર્ગમાં ગયો છે.એણે મહાન પુરુષને છાજે તેવું કર્મ કર્યું છે.

હે યુધિષ્ઠિર,ભાવિનું કોઈ ઉલ્લંઘન કરી શકતો નથી.મૃત્યુ તો દેવ,દાનવ અને ગંધર્વોનો પણ નાશ કરે જ છે'


યુધિષ્ઠિર બોલ્યા-'આ સેનાના મધ્યમાં,મહાબળવાન ને કોઈથી જીતી ના શકાય તેવા રાજાઓ,બીજા મહાબળવાન રાજાઓથી હણાઇને 'મૃત'એવી સંજ્ઞાને પામ્યા છે.શૂરા રાજપુત્રો,શત્રુઓના ઝપાટામાં આવી જઈને કાળના મુખમાં સપડાયા છે માટે આ બાબતમાં મને સંશય થયો છે કે-'મરણ પામ્યા' એ સંજ્ઞા ક્યાંથી આવી? કોનું મૃત્યુ થાય અને વળી તે મૃત્યુ ઉત્પન્ન થયું ક્યાંથી? તથા તે (મૃત્યુ)પ્રજાઓનો સંહાર કેમ કરે છે? હે પિતામહ,આપ આ મને કહો'


ત્યારે વ્યાસમુનિએ,યુધિષ્ઠિરને આશ્વાસનના વચનો કહેતાં બોલ્યા કે-'હે રાજા,આ સંબંધમાં એક પ્રાચીન ઇતિહાસ ઉદાહરણરૂપે કહેવામાં આવે છે.પૂર્વે નારદે તે અકંપરાજાને કહ્યો હતો,કે જે રાજા અતિ અસહ્ય એવા પુત્રદુઃખને પામ્યો હતો.હવે હું તને તે અકંપરાજાનું આખ્યાન કહીશ ને મૃત્યુની ઉત્પત્તિ કેવી રીતે થઇ તે કહી સંભળાવીશ.તે સાંભળવાથી તું સ્નેહબંધનરૂપ આશ્રયવાળા દુઃખથી મુક્ત થઈશ.શોકનો નાશ કરનાર ને પુષ્ટિદાયક એવા આખ્યાનને તું સાંભળ.


પૂર્વે,સત્યયુગમાં અકંપન નામનો એક રાજા હતો.તે એક વખત લડાઈના મોખરામાં શત્રુઓથી ઘેરાઈ ગયો હતો.તે રાજાને બળમાં નારાયણ સરખો હરિ નામનો પુત્ર હતો.તે પણ યુદ્ધમાં અનેક શત્રુઓથી ઘેરાઈ ગયો હતો.તે હરિકુમારે શત્રુ યોદ્ધાઓ પર હજારો બાણો છોડીને દુષ્કર પરાક્રમ કર્યું હતું,પણ છેવટે શત્રુઓએ તેને સેનાની મધ્યમાં મારી નાખ્યો હતો.પુત્રના મરણના શોકથી ઘેરાયેલા રાજા અકંપનને જરાયે સુખ મળતું નહોતું,ત્યારે દેવર્ષિ નારદ તેની પાસે આવ્યા.રાજાએ પોતાનો શોક જણાવ્યો ને તેમને પૂછ્યું કે-'હે શ્રેષ્ઠ બુદ્ધિમાન,આ મૃત્યુ કોણ છે? તેનું બળ કેવું છે?ને તેનો પુરુષાર્થ કેવા પ્રકારનો છે?'


નારદ બોલ્યા-હે રાજન,એ આખ્યાન મોટા વિસ્તારવાળું છે,ને મેં પણ એને પૂર્વે સાંભળ્યું છે તે તું સાંભળ.પિતામહ બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિના કાળે પ્રજાઓને સરજી.દિનપ્રતિદિન તે પ્રજાઓથી આ જગત ભરપૂર થઇ ગયું.પણ તેમાં કોઈનો સંહાર થતો નહોતો.વૃદ્ધિને જ પામતા આ જગતને જોઈને બ્રહ્માને તેના સંહાર સંબંધમાં ચિંતા થવા લાગી.તેમણે ખુબ વિચાર કર્યો પણ તેનો કોઈ ઉપાય શોધી શક્યા નહિ,તેથી તે ક્રોધાયમાન થયા ને તે ક્રોધને લીધે તેમનાં શ્રોત્ર આદિ છિદ્રોમાંથી અગ્નિ પ્રગટ થયો ને તે અગ્નિથી અંતરપ્રદેશ સહીત સર્વ દિશાઓ ભરાઈ ગઈ.


આમ,સ્વર્ગ અને પૃથ્વી કેવળ તે અગ્નિની જ્વાળાઓથી વ્યાપી ગયાં અને એ રીતે બ્રહ્માએ સર્વ ચરાચર જગતને બાળ્યું,.ત્યારે રુદ્રદેવ બ્રહ્માના શરણે ગયા.પ્રજાઓની હિતેચ્છાથી આવેલા રુદ્રદેવને જોઈને બ્રહ્માએ કહ્યું-'હે પુત્ર રુદ્ર,તું સ્વેચ્છાથી ઉત્પન્ન થયો છે અને વર મેળવવાને પાત્ર છે માટે તારી જે ઈચ્છા હોય તે મને કહે,હું તારું પ્રિય કરીશ.

અધ્યાય-52-સમાપ્ત