Feb 25, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1057

 

અધ્યાય-૫૧-યુધિષ્ઠિરનો વિલાપ 


II संजय उवाच II हते तस्मिन्न महावीर्ये सौभद्रे रथयुथपे I विमुक्तरथसन्नाहा: सर्वे निक्षिप्तकार्मुकाः II १ II

સંજય બોલ્યો-મહાન વીર્યવાળો અને રથી યોદ્ધાઓની ટુકડીનો નાયક તે અભિમન્યુ જયારે રણમાં રોળાઈ ગયો,ત્યારે સર્વ યોદ્ધાઓ પોતપોતાના રથમાંથી ઉતરીને રાજા યુધિષ્ઠિરની આસપાસ વીંટળાઈને બેઠા.પોતાનો વીર ભત્રીજો મહારથી અભિમન્યુ મરણ પામ્યો તેથી યુધિષ્ઠિર અત્યંત દુઃખી થઇ ગયા અને વિલાપ કરવા લાગ્યા.'અરે,હાય,મારુ પ્રિય કરવાની ઈચ્છાથી એ અભિમન્યુ દ્રોણાચાર્યના દુર્ભેદ્ય વ્યુહને તોડી નાખીને શત્રુઓના સૈન્યમાં પેઠો હતો.તેની સામે યુદ્ધ કરવા આવેલા મોટામોટા યુદ્ધદુર્મદ ધનુર્ધરો પણ પરાજય પામીને પાછા હટ્યા હતા.દુઃશાસનને પણ તેણે બાણો વડે મૂર્છિત કરીને નસાડી મુક્યો હતો.

તે જ વીર,દ્રોણના ચક્રવ્યૂહને તરી જઈને આખરે દુશાસનના પુત્ર આગળ આવી યમરાજને ઘેર પહોંચી ગયો.હાય,હવે હું અર્જુનને કેમ કરીને જોઈ શકીશ?સુભદ્રાને હું કેવી રીતે મળી શકીશ?હાય,શ્રીકૃષ્ણ અને અર્જુનને,અભિમન્યુનું આવું અર્થ વિનાનું ક્લેશકારક ને અયુક્ત સ્વરૂપવાળું,મરણ કેમ કરી કહી શકીશું?ખરે,સુભદ્રા,અર્જુન અને કેશવનું મેં જ અપ્રિય કર્યું છે.રાજ્ય મેળવવાની લાલસાથી મારા આ પતનને મેં જોયું જ નહિ.અરેરે,જેને સારાં સારાં ભોજનમાં,શયનોમાં તથા ભૂષણોમાં આગળ કરવો જોઈએ તે જ બાળક અભિમન્યુને મેં યુદ્ધમાં આગળ કર્યો.


હવે જો આપણે બધા આ રણભૂમિ પર શયન નહિ કરીએ તો આપણે અવશ્ય કોપથી પ્રદીપ્ત થયેલા અર્જુનની ક્રૂર દ્રષ્ટિથી બળી મળીશું.સમર્થ એવા અર્જુનના આ પુત્રનું આપણે રક્ષણ કરી શક્યા નથી.પુત્રના વધથી કોપાયમાન થયેલો અર્જુન જરૂર કૌરવોને ભસ્મ કરી નાખશે.પોતાના પક્ષનો ક્ષય કરનારો ક્ષુદ્ર દુર્યોધન અવશ્ય એ કૌરવવોનો નાશ જોઈને જીવિતનો ત્યાગ કરશે.હાય,અર્જુનના પુત્રને રણમાં મરણ માર્યો ગયેલો જોઈને મને વિજય મેળવવો પ્રીતિકર નથી,રાજ્યની રુચિ નથી,અમરતા પર પણ પ્રીતિ નથી.(21)

અધ્યાય-51-સમાપ્ત