Feb 24, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1056

 

અધ્યાય-૫૦-રણભૂમિનો દેખાવ 


II संजय उवाच II वयं तु प्रवरं हत्वा तेषां तैः शरपीडिताः I निवेशायाभ्युपायामः सायाह्ने रुधिरोक्षिताः II १ II

સંજય બોલ્યો-હે રાજા,શત્રુઓના ઉત્તમ પુરુષ એ અભિમન્યુનો નાશ કરીને,બાણોથી પીડાયેલા ને લોહીથી રેબઝેબ થયેલું કૌરવ સૈન્ય,ને ઉદાસ થયેલું પાંડવ સૈન્ય,સૂર્યાસ્ત થતાં,છાવણી તરફ વળ્યું.શિયાળના શબ્દથી અશુભ જણાતો સાયંકાળ થઇ ગયો હતો.ત્યારે રણ પર અનેક હાથીઓ,ધજા,અંકુશ અને મહાવતોનો જાણે ઢેર થયો હતો.મરણ પામેલા પાદરક્ષકો,સારથિઓ,નાશ પામેલા ઘોડાવાળા રથો,અનેક યોદ્ધાઓના મૃત શરીરોથી પૃથ્વીનું સ્વરૂપ વિપરીત ને ઘોર દેખાતું હતું.

એ વખતે કૂતરાં,શિયાળવાં,કાગડા,ગરુડ,વરુઓ,વાઘો,પક્ષીઓ,રાક્ષસો ને દારુણ પિશાચોનાં ટોળેટોળાં રણમાં ધસી આવતાં હતા.ને આવતાં વેંત જ શબોને ખેંચી ખેંચીને તેમનું ભક્ષણ કરતા હતાં.રણભૂમિ પર જાણે લોહીની નદીઓ વહેતી હતી.

માંસનો કાદવ થયો હતો,જોતાં જુગુપ્સા ઉપજાવે તેવી તે રણભૂમિ અતિ ભયંકર દેખાતી હતી.દુષ્ટ દ્રષ્ટિવાળાં પિશાચોનાં ટોળાં અતિશય આનંદમાં લોહીનું પાન કરતાં હતાં ને હર્ષમાં આવી જઈને ભયકંર કિકિયારીઓ કરતાં હતાં.ઉગ્ર દેખાવવાળા તે સમરાંગણને જોતાં જોતાં,થાકી ગયેલાં સૈન્યો છાવણી તરફ વળ્યાં હતાં તે સમયે ઇન્દ્ર સરખો મહાબળવાન અભિમન્યુ તે રણમાં સૂતો હતો,તેના મહામૂલ્યવાન અલંકારો છિન્નભિન્ન થઇ ગયા હતા.યોદ્ધાઓ તેને વીંટળાઈ વળ્યા હતા.(15)

અધ્યાય-51-સમાપ્ત