Feb 23, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1055

 

અધ્યાય-૪૯-અભિમન્યુનો નાશ 


II संजय उवाच II विष्णोः स्वसुनंदकरः स विष्णवायुधभूषणः I रराजातिरथः संख्ये जनार्दन इवापरः II १ II

સંજય બોલ્યો-શ્રીકૃષ્ણની બહેનનો પુત્ર અને શ્રીકૃષ્ણના ચક્રાયુધથી શોભતો એ અતિરથી અભિમન્યુ રણમાં જાણે બીજો શ્રીકૃષ્ણ હોય તેવો શોભતો હતો.સર્વે મહારથીઓએ,જયારે અભિમન્યુના ચક્રના ટુકડા કરી નાખ્યા,ત્યારે અભિમન્યુએ હાથમાં ગદા ઉઠાવી ને તેણે તેનો અશ્વત્થામા પર ઘા કર્યો.તે ગદાને આવતી જોઈને અશ્વત્થામા રથની બેઠક પરથી ત્રણ ડગલાં દૂર ખસી ગયો,પણ તે ગદાએ તેના ઘોડાઓ,સારથી ને પૃષ્ઠરક્ષકોનો નાશ કરી નાખ્યો.તે સમયે બાણોથી ભરાઈ ગયેલો  તે અભિમન્યુ શાહુડી જેવો દેખાતો હતો.તે પછી,તેણે સુબલના પુત્ર કાલિકેય ને તેના અનુનાયી એવા સિત્તોતેર યોદ્ધાઓને મારી નાખ્યા.

વળી,વસાતીય યોદ્ધાઓનો સંહાર કરી નાખ્યો ને કેકયોના સાત રથીઓ અને દશ હાથીઓનો ઘાણ કાઢી નાખી દુઃશાસનના પુત્રના રથના ને તેના ઘોડાઓ સાથે ભુક્કા કરી નાખ્યા.દુઃશાસનનો પુત્ર ક્રોધાયમાન થઈને ગદા લઈને અભિમન્યુ સામે ધસ્યો ને તે બંને વચ્ચે પરસ્પર ભયંકર ગદાયુદ્ધ શરુ થયું.ગદાના અગ્ર ભાગથી એકબીજાને પ્રહાર કરીને તે બંને જણા રણની મધ્યમાં પડી ગયા.દુઃશાસનનો પુત્ર પ્રથમ તરત જ ઉઠ્યો ને તેણે અભિમન્યુના મસ્તક પર પ્રહાર કર્યો.કે જેથી અભિમન્યુ મૂર્છિત થઈને ઢળી પડ્યો.એ પ્રમાણે ઘણાએ ભેગા મળીને અભિમન્યુને યુદ્ધમાં મારી નાખ્યો હતો.


હે રાજન,રણમાં પડેલા તે અભિમન્યુની ચારે બાજુ તમારા પક્ષના યોદ્ધાઓ વીંટાઈ વળ્યાં.ને તેને મોતને શરણ કરીને તમારા પક્ષના મહારથીઓ પરમ હર્ષયુક્ત થયા ને વારંવાર સિંહનાદો કરવા લાગ્યા.વીર અભિમન્યુને રણમાં પડેલો જોઈને અંતરિક્ષમાં રહેલાં દૈવી પ્રાણીઓ ઊંચેથી નિંદાસૂચક શબ્દો કહેવા લાગ્યા 'દ્રોણ,કર્ણ આદિ છ મહારથીઓને હાથે આ એકલવીર અભિમન્યુ રણમાં સૂતો છે તેને અમે ધર્મ તરીકે માનતા નથી' અભિમન્યુને મરાયેલો જોઈને તમારા પક્ષના યોદ્ધોને પ્રેમ પ્રીતિ થતી હતી ને પાંડવયોદ્ધાઓને પરમ વ્યથા થતી હતી.યુવાવસ્થાને નહિ પામેલો એ બાળક અભિમન્યુ જયારે મરાયો ત્યારે સર્વ સેના યુધિષ્ઠિરના દેખતાં જ નાસભાગ કરવા લાગી.ત્યારે યુધિષ્ઠિર તેમને કહેવા લાગ્યા કે-


'હે વીરો,અભિમન્યુએ પ્રાણ ખોયા છે છતાં રણમાંથી હટ્યો નથી.તમે નાસો નહિ.ડરો નહિ,આપણે શત્રુઓને જીતીશું.

અર્જુનના પુત્રે પોતાના શત્રુ રાજપુત્રોનો પ્રથમ સંહાર કર્યો હતો ને તેણે કુલ દશ હજાર સૈનિકો ને મહારથી કોશલરાજનો નાશ કરીને સ્વર્ગલોકમાં પ્રયાણ કર્યું હતું.અરે,હજારો રથો,ઘોડાઓ,પાળાઓ અને હાથીઓનો સંહાર કરીને તે સંગ્રામથી તૃપ્ત થયો નહોતો.પુણ્યકર્મને કરનારો તે અભિમન્યુ શોક કરવાને યોગ્ય નથી કારણકે તે પોતાના પુણ્યથી જીતાયેલા પુણ્યશાળીઓના અવિનાશી એવા દિવ્ય લોકમાં સિધાવ્યો છે (39)

અધ્યાય-49-સમાપ્ત