અધ્યાય-૪૮-છ જણાએ મળીને અભિમન્યુ ને રથ વિનાનો કર્યો
II संजय उवाच II स कर्ण कर्णिना कर्णे पुनर्विव्याध फ़ाल्गुनि:I शरै: पंचाशता चैनमविध्यत कोपयन भ्रुशम् II १ II
સંજય બોલ્યો-ફરીથી,અર્જુનના પુત્રે કર્ણી નામના એક બાણથી કર્ણના કાનને વીંધી નાખ્યો,ને તેને કોપાયમાન કરવા બીજાં પચાસ બાણોથી તેના પર પ્રહાર કર્યો.ત્યારે કર્ણે સામે તેને પચાસ બાણો માર્યા.પરસ્પર બાણોથી ભરાઈ ગયેલા તે બંને શરીરે લોહીથી ખરડાયેલા હતા.પછી,અભિમન્યુએ કર્ણના છ શૂરા પ્રધાનોને,સારથિ સહીત હણી નાખ્યા ને લગારે ગભરાયા વિના બીજા મોટા મોટા ધનુર્ધરોને દશ દશ બાણોથી વીંધી નાખ્યા તે ઘણું જ આશ્ચર્યજનક દેખાતું હતું.
ત્યાં તેણે મગધરાજના પુત્ર અશ્વકેતુને મારી નાખ્યો અને માર્તિકાવત દેશના રાજા ભોજને વીંધી નાખ્યો..એવામાં દુઃશાસનના પુત્રે આગળ આવી અભિમન્યુના ચાર ઘોડાઓ,સારથી અને અભિમન્યુને વીંધ્યો ત્યારે અભિમન્યુએ સામે સાત બાણોથી તે દુઃશાસનના પુત્રને વીંધ્યો ને લાલચોળ નેત્ર કરી તેને કહેવા લાગ્યો કે-'તારો પિતા તો કાયરની જેમ,રણસંગ્રામ છોડી નાસી ગયો છે પણ આજે તું જીવતો છૂટવાનો નથી' એમ કહી તેણે એક નારાચ બાણ ફેંક્યું,પણ અશ્વત્થામાએ તેને વચમાંથી જ કાપી નાખ્યું.ત્યારે અભિમન્યુએ તેના ધ્વજને કાપી નાખ્યો અને આગળ આવેલા શલ્ય પર ત્રણ બાણોનો પ્રહાર કર્યો.
સામે શલ્યે,નવ બાણોથી તેના પર પ્રહાર કરીને અભિમન્યુને વીંધ્યો.તો અભિમન્યુએ તેની ધજાને,બંને પૃષ્ઠરક્ષકોને તથા તેના સારથિને મારી નાખ્યા ને શલ્યને વીંધી નાખ્યો ત્યારે તે શલ્ય એકદમ બીજા રથ પર ચઢી ગયો.પછી,અભિમન્યુએ શત્રજય,ચંદ્રકેતુ,મેઘવેગ,સુવર્ચસ,અને સુર્યભાસ નામના પાંચ રાજાઓને મારીને શકુનિને પણ વીંધી નાખ્યો.ત્યારે શકુનિએ દુર્યોધનને કહ્યું કે-'આપણે બધા સાથે મળીને હવે આને મારી નાખીએ કારણકે આ તો આપણામાંના એકેકને વીણીવીણીને મારી નાખે છે' તેવામાં કર્ણે દ્રોણને પૂછ્યું કે-'આ અભિમન્યુ પહેલે સપાટે જ સારાસારા સઘળા યોદ્ધાઓને મારી નાખે છે તો તેના વધનો ઉપાય કહો'
દ્રોણાચાર્યે કહ્યું કે-'આ કુમાર સર્વ દિશામાં ઘૂમી રહ્યો છે,તો પણ તેને મારવાનો લગીરે અવકાશ તમારા જોવામાં આવે છે?તેની ઝડપ તો તમે જુઓ,એના રથના માર્ગમાં કેવળ ધનુષ્યનું મંડળ જ દેખાય છે,તે ઝટપટ બાણો છોડે છે ને મારા પ્રાણોને પણ પીડે છે ને મને પોતાને પણ મૂંઝવે છે,તો પણ તેની ઝડપ મને અત્યંત પ્રસન્ન કરે છે.કોપાયમાન થયેલા સર્વ મહારથીઓ એને મારવાનો લાગ જોઈ શકતા નથી.તેનું ધનુષ્ય અર્જુનના ગાંડીવથી ઓછું નથી ને તે પોતે પણ પિતા અર્જુનથી ઉતરતો નથી'
અભિમન્યુના બાણોના પ્રહારથી ખખડી ગયેલા કર્ણે દ્રોણને ફરીથી કહ્યું કે-'તેના બાણો પરમ દારુણ છે,તે મારા હૃદયને વીંધે છે'
ત્યારે દ્રોણે મંદ હાસ્ય કરીને કહ્યું કે-'આનું કવચ તોડ્યું તૂટે તેમ નથી.અર્જુનને મેં જે કવચ ધારણ કરવાનો ઉપદેશ કર્યો હતો તેને આ અભિમન્યુ અવશ્ય ને સંપૂર્ણ જાણે છે,પણ જો બાણો બરાબર સાંધીને મુકવામાં આવે તો તે વડે તેનું ધનુષ,દોરી,રથની રાશ,ઘોડા,બંને પૃષ્ઠરક્ષક અને સારથિ એ બધું કાપી શકાય તેમ છે,માટે હે કર્ણ તારામાં એ શક્તિ હોય તો તું એ કામ કર.એ કામ કર્યા પછી તું તેને રણમાંથી વિમુખ કર અને એને પાછળથી પ્રહાર કર.બાકી તેને કોઈ જીતી શકે તેમ નથી.'
આચાર્યનું એ વચન સાંભળીને કર્ણે,ઝટપટ બાણો છોડીને અભિમન્યુના ધનુષ્યને કાપી નાખ્યું.તે વખતે રાજા ભોજે તેના ઘોડાઓને મારી નાખ્યા,કૃપાચાર્યે તેના બંને પૃષ્ઠરક્ષકોને ને સારથિને મારી નાખ્યા.ને બાકીના ચાર મહારથીઓ સાથે મળીને અભિમન્યુ પર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા.એ રીતે નિર્દય હૃદયના છ મહારથીઓએ એકઠા મળીને એકલ બાળક અભિમન્યુને રથ વિનાનો કરી નાખ્યો ને સાથે મળીને તેના પર બાણોનો વરસાદ વરસાવવા લાગ્યા.છતાં,વીર અભિમન્યુ,વીરધર્મનું પાલન કરીને હાથમાં ઢાલ તલવાર લઈને આકાશમાં કૂદ્યો ને ત્યાં તે સર્વતોભદ્ર આદિ મંડળથી ગરુડની જેમ અદ્ધરનો અદ્ધર જ ઘુમવા લાગ્યો.યુદ્ધમાં લાગ મળેલો જોઈ સર્વ યોદ્ધાઓ તેને બાણોથી વીંધવા લાગ્યા.
એવામાં દ્રોણાચાર્યે ઘણી ઝડપથી અભિમન્યુના હાથમાં રહેલી તલવારને કાપી નાખી અને કર્ણે તેને ઢાલ વગરનો કર્યો.એ રીતે તલવાર અને ઢાલ વગરનો ને બાણોથી વ્યાપ્ત થયેલો તે અભિમન્યુ આકાશમાંથી પૃથ્વી પર આવી ઉભો રહ્યો ને હાથમાં ચક્ર ઊંચું કરીને દ્રોણાચાર્ય સામે દોડ્યો.જાણે તેણે એક ક્ષણવાર શ્રીકૃષ્ણનું અનુકરણ કર્યું હતું.મોટામોટા ધનુર્ધરોની મધ્યમાં તે લોહીથી રંગાઈ ગયેલો,ને સિંહનાદ કરતો એકલો અત્યંત દીપાયમાન થઇ શોભતો હતો (41)
અધ્યાય-48-સમાપ્ત