અધ્યાય-૪૭-અભિમન્યુનું પરાક્રમ-બૃહદબલનો વધ
II धृतराष्ट्र उवाच II तथा प्रविष्टं तरुणं सौभद्रमपराजितम् I कुलानुरूपं कुर्वाणं संग्रामेष्वपलायिनं II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,કદી પરાજિત ન થઇ શકે તેવો,ને યુદ્ધમાં પીઠ ન બતાવે તેવો સુભદ્રાકુમાર અભિમન્યુ,જયારે અમારી સેનામાં પ્રવેશ કરીને,જાણે આકાશમાં તરતો હોય તેમ આક્રમણ કરતો હતો ત્યારે તેને કયા શૂરવીરોએ રોક્યો હતો?
સંજય બોલ્યો-દ્રોણાચાર્ય,કૃપાચાર્ય,કર્ણ,અશ્વત્થામા,બૃહદ્બલ ને કૃતવર્મા-એ છ મહારથીઓએ તેને ચારે બાજુથી ઘેરી લીધો.(જયદ્રથ તે વખતે યુધિષ્ઠિર સામે યુદ્ધમાં હતો)વળી,બીજા મહાબલી યોદ્ધાઓએ પણ તેમની સાથે મળીને,તે સર્વેએ એકસાથે અભિમન્યુ પર બાણોની વર્ષા કરી.પણ સામે સંપૂર્ણ વિધાઓમાં પ્રવીણ અભિમન્યુએ,તે સમસ્ત મહાધનુર્ધરોને બાણો મૂકીને સ્તબ્ધ કરી દીધા.ને તે છ મહારથીઓને મહાવેગશાળી બાણો વડે ઘાયલ કરી દીધા.
તે અર્જુનપુત્રે કર્ણના કાનમાં ઉત્તમ બાણ દ્વારા ઊંડો જખ્મ કર્યો,કૃપાચાર્યના ચારે ઘોડા અને તેમના બે પાર્શ્વરક્ષકોને જમીન પર પાડી દીધા.વીર વૃંદારકને તમારા પુત્રોના દેખતાં જ મારી નાખ્યો.તેણે અશ્વત્થામાને પચીસ બાણો વડે વીંધી નાખ્યો ત્યારે સામે તેણે સાઠ બાણો વડે અભિમન્યુને વીંધ્યો પણ તેને તે કંપિત ન કરી શક્યો.પણ સામે તોતેર બાણો છોડીને અશ્વત્થામાને ઘાયલ કરી નાખ્યો.ત્યારે દ્રોણાચાર્યે અભિમન્યુને સો બાણો મારી પીડવા લાગ્યા.વળી,કર્ણ,કૃતવર્મા,બૃહદ્બલ,ને કૃપાચાર્યે આવી અભિમન્યુ પર બાણો છોડ્યા.સામે અભિમન્યુએ તે સર્વ સામે દશ દશ બાણો છોડી તેમને ઘાયલ કર્યા.
જયારે કોશલનરેશ બૃહદબલે એક બાણથી અભિમન્યુની છાતી પર ચોટ પહોંચાડી,ત્યારે સામે અભિમન્યુએ તેના ચારે ઘોડા,ધ્વજ,ધનુષ્ય અને સારથિને મારીને પૃથ્વી પર પાડી દીધા.આમ તે બૃહદ્બલ રથ વિનાનો થઇ ગયો ત્યારે તે,અભિમન્યુના મસ્તકને ધડથી જુદું કરવાની ઈચ્છાથી હાથમાં તલવાર લીધી,પણ ત્યાં તો સામે અભિમન્યુએ જ એક બાણનો પ્રહાર કરીને તેને હૃદયમાં વીંધી નાખ્યો કે જેથી તે રણમાં ઢળી પડ્યો.વળી,તે અભિમન્યુએ અમંગળ વાણી બોલી રહેલા દશ હજાર યોદ્ધાઓને યમ દ્વારે મોકલી દઈને રણમાં ઘુમવા લાગ્યોને તમારા યોદ્ધાઓને આગળ વધતા અટકાવી રહ્યો.(24)
અધ્યાય-47-સમાપ્ત