અધ્યાય-૪૬-રાજકુમાર લક્ષ્મણ અને ક્રાથરાજ પુત્ર માર્યા ગયા
II धृतराष्ट्र उवाच II यथा वदसि मे सूत एकस्य बहुभि: सह I संग्रामं तुमुलं घोरं जयं चैव महात्मनः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સૂત,તું મને કહે છે કે,એકલા અભિમન્યુનો અનેક યોદ્ધાઓની સાથે તુમુલ અને ઘોર સંગ્રામ થઇ રહ્યો અને તેમાં તે અભિમન્યુનો વિજય થયો હતો તેવું તેનું આ પરાક્રમ જોકે ન મનાય તેવું આશ્ચર્યજનક છે,તો પણ જેમને ધર્મનો આશ્રય છે તેમને માટે અતિ અદભુત તો નથી.હવે જયારે દુર્યોધન નાસી ગયો,ત્યારે કયા યોદ્ધાઓએ તેની સામે યુદ્ધ કર્યું?તે કહે.
સંજય બોલ્યો-ત્યારે દુર્યોધનના અનુયાયી યોદ્ધાઓનાં મુખ સુકાઈ ગયા,નેત્રો ચકરવકર થઇ ગયાં,શરીરે પરસેવાના રેલા ઉતરવા લાગ્યા અને તેઓ પણ પલાયન થવાને તત્પર થયા હતા.ને રણમાંથી ભાગવા લાગ્યા હતા.સૈન્યમાં ભંગાણ પડેલું જોઈને દ્રોણાચાર્ય,અશ્વસ્થામા,બૃહદબલ,કૃપાચાર્ય,શકુનિ આદિ યોદ્ધાઓ અત્યંત ક્રોધાતુર થઈને અભિમન્યુ સામે થયા,પણ અભિમન્યુએ તે સર્વને લગભગ પાછા હટાવી દીધા.ત્યારે માત્ર એક લક્ષ્મણકુમાર જ અભિમન્યુ સામે ધસી ગયો.તેની પાછળ તેનો પિતા દુર્યોધન પુત્રપ્રેમને લીધે યુદ્ધ કરવા પાછો ફર્યો હતો,ને તેથી દુર્યોધનની સાથે બીજા યોદ્ધાઓ પણ પાછા ફર્યા.
ફરીથી આ યોદ્ધાઓથી ઘેરાયેલા અભિમન્યુએ તેમને જેમ,વાયુ મેઘોને છિન્નભિન્ન કરી નાખે તેમ વિખેરી નાખ્યા.અને તે લક્ષ્મણ સામે,જેમ,એક મદોન્મત્ત હાથી બીજા મદોન્મત્ત હાથી સામે ધસે તેમ ધસ્યો અને તીક્ષ્ણ બાણો વડે તેના બે બાહુઓમાં અને છાતીમાં પ્રહાર કર્યો.ને કોપાયમાન થઈને તેણે લક્ષ્મણને કહ્યું કે-'તું આજે આ લોકને સારી રીતે નિહાળી લે,હવે તું પરલોક પ્રતિ પ્રયાણ કરવાનો છે' એમ કહી તેણે સર્પ સરીખું સુસવાટ કરતુ એક ભલ્લ બાણ ફેંક્યું.તે બાણ છૂટતાંની સાથે જ,તે બાણે તે સુંદર દેખાવવાળા લક્ષ્મણના મસ્તકને છેદી નાખ્યું.
આમ,કુમાર લક્ષ્મણ હણાઈ ગયો ત્યારે યોદ્ધાઓ હાહાકાર કરવા લાગ્યા,ને પોતાનો પ્રિય પુત્ર માર્યો જવાથી દુર્યોધન કોપી ઉઠ્યો અને મોટી બૂમો પાડીને કહેવા લાગ્યો કે-'આને હવે મારી નાખો,મારી નાખો' એટલે તુરત જ દ્રોણાચાર્ય,કૃપાચાર્ય,કર્ણ,
અશ્વત્થામા,બૃહદબલ,કૃતવર્મા અને હાર્દિક્ય એ છ મહારથીઓએ અભિમન્યુને ચારે બાજુથી ઘેરી લીધો,પણ અભિમન્યુએ પાણીદાર બાણો મૂકીને તેમને પાછા હટાવી દીધા અને અત્યંત ઝડપભેર તે સિંધુરાજના મહાન સૈન્ય સામે ધસ્યો.
તેવામાં કલિંગો,નિષાદો,અને પરાક્રમી ક્રાથરાજનો પુત્ર એ બધા મોટા હાથીસ્વારોના સૈન્ય સાથે આવ્યા અને અભિમન્યુના માર્ગને ચારે તરફથી ઘેરી લીધો.એટલે ત્યાં અત્યંત ઝપાઝપીવાળું યુદ્ધ થવા લાગ્યું.અભિમન્યુએ તે પ્રગલ્ભ હાથી સૈન્યને છિન્નભિન્ન કરી નાખ્યું,તે વેળા ક્રાથરાજે બાણોના ઢગ છોડીને અભિમન્યુને ઢાંકી દીધો.સામે અભિમન્યુએ પુષ્કળ બાણો મૂકીને ક્રાથપુત્રને પણ ગભરાવ્યો ને તેને મારી નાખવાની ઈચ્છાથી તેણે તેનાં ધનુષ્ય,બાણ,બે હાથ,મુકુટ સહીત મસ્તક,છત્ર,ધજા,સારથિ,રથ અને ઘોડાઓને પૃથ્વી પર પાડી દીધા.કુલ,શીલ,શાસ્ત્ર બળ અને અસ્ત્રોથી યુક્ત એવો ક્રાથપુત્ર,રણમાં પડ્યો ત્યારે બધા વીરો પણ રણમાંથી લગભગ ભાગવા લાગ્યા.(27)
અધ્યાય-46-સમાપ્ત