અધ્યાય-૪૫-રણમાંથી દુર્યોધન નાઠો
II संजय उवाच II आददानस्तु शुराणामायुंष्यभवदार्जुनिः I अंतकः सर्वभूतानां प्राणान काल इवागते II १ II
સંજય બોલ્યો-શૂરાઓનાં આયુષ્યને લઇ લેતો એ અર્જુનપુત્ર,પ્રાણોનું હરણ કરતા સાક્ષાત યમરાજ હોય તેમ,સર્વ ભૂતોનો કાળ જ થઇ પડ્યો હતો.પરશુરામ સરખા તે અભિમન્યુએ વ્યૂહમાં પ્રવેશ કરીને સત્યશ્રવાને ઝપટી લીધો.તેને પકડાયેલો જોઈને તેને છોડાવવા અનેક મહારથીઓ અભિમન્યુ પર ચડી ગયા.રુક્મરથ નામનો મદ્રરાજનો પુત્ર ભયભીત થયેલી સેનાને આશ્વાસન આપતો ત્યાં આવી પહોંચ્યો ને અભિમન્યુ સામે ધસ્યો.ત્યારે અભિમન્યુએ ત્રણ ત્રણ બાણો મારીને તેનું ધનુષ્ય,તેની ભુજાઓ ને છેવટે તેનું મસ્તક ધડથી જુદું કર્યું.તેને મરણ પામેલો જોઈને તેના મિત્ર રાજપુત્રો અભિમન્યુને ઘેરી વળ્યાં.ને અનેક બાણોથી તેમણે અભિમન્યુને ઢાંકી દીધો,તે જોઈને દુર્યોધન એકદમ હર્ષમાં આવી ગયો ને તેણે તો અભિમન્યુને મરેલો જ માની લીધો.
બાણોથી વીંધાયેલા,ક્રોધિત થયેલા તે અભિમન્યુએ ગાંધર્વાસ્ત્ર ને પોતાની રથશિક્ષા પ્રગટ કરી.પૂર્વે અર્જુને તપ તપીને તુમ્બરું આદિ ગંધર્વો પાસેથી જે અસ્ત્ર મેળવ્યું હતું તે અસ્ત્ર વડે અભિમન્યુએ શત્રુઓને મોહિત કર્યા.શત્રુઓને હવે અભિમન્યુ,હજારો સ્વરૂપે દેખાતો હતો.આમ,અભિમન્યુએ પોતાની રથશિક્ષાથી તથા અસ્ત્રોની માયાથી શત્રુઓને મોહ પમાડ્યો અને તેમના શરીરોના સેંકડો ટુકડાઓ કરી નાખ્યા.તેમનાં શરીરો રણભૂમિમાં રોળાતા હતાં.
જેમ,મહાન વાયુ,ફળ આપવાની તૈયારીમાં રહેલી પાંચ વર્ષની આંબાવાડીને ઉખેડી નાખે તેમ,અભિમન્યુએ એકલે હાથે સેંકડો રાજપુત્રોને રણમાં રોળી નાખ્યા.તે જોઈને દુર્યોધન ભયભીત ને ક્રોધિત થઇ ગયો ને તત્કાળ અભિમન્યુ પર ચડી આવ્યો.ત્યાં બંને વચ્ચે સંગ્રામ થવા લાગ્યો પણ તે અપૂર્ણ જ રહ્યો,કેમ કે અભિમન્યુના સેંકડો બાણોનો માર ખાઈને,દુર્યોધન ત્યાંથી નાઠો.(30)
