અધ્યાય-૧૨૭-ભીમસેનનો કૌરવસેનામાં પ્રવેશ
II भीमसेन उवाच II ब्रह्मेशानेन्द्रवरुणानवहद्यः पुरा रथः I तमास्थाय गतौ कृष्णौ न त्योर्निद्यते भयम् II १ II
ભીમસેન બોલ્યો-'પૂર્વે બ્રહ્મા,શંકર,ઇન્દ્ર અને વરુણ યુદ્ધ સમયે જે રથમાં બેસતા હતા તે રથમાં બેસીને અર્જુન તથા શ્રીકૃષ્ણ યુદ્ધ કરવા ગયા છે માટે તે બંનેને કોઈ જાતનો ભય હોય નહિ.છતાં આપની આજ્ઞાને મસ્તક પર ચડાવીને હું જાઉં છું.તમે શોક કરશો નહિ.તે પુરુષવ્યાઘ્રોને મળીને હું આપણે તેમનો કુશળ સંદેશ આપીશ' એમ કહીને ભીમે ધૃષ્ટદ્યુમ્નને યુધિષ્ઠિરનું રક્ષાકર્મ સોંપતા તેને કહું કે-'યુધિષ્ઠિરે મને અર્જુન અને સાત્યકિના પગલે જવાની આજ્ઞા આપી છે.અને તેને પાછી ઠેલવાની હું હામ કરી શકતો નથી.તમે બરાબર સાવધાન થઈને યુધિષ્ઠિરનું રક્ષણ કરજો,આ યુદ્ધમાં તમારું પરમ કર્તવ્ય આ જ છે'
ત્યારે ધૃષ્ટદ્યુમ્ને કહ્યું-'હે પૃથાપુત્ર,હું તમારું ઈચ્છીત પૂર્ણ કરીશ,તમે કોઈ જાતનો વિચાર કર્યા વગર સુખેથી અહીંથી જાઓ.આજના યુદ્ધમાં દ્રોણાચાર્ય મને માર્યા વિના ધર્મરાજને કેદ કરી શકશે જ નહિ' આમ ભીમસેને યુધિષ્ઠિરને ધૃષ્ટદ્યુમ્નના રક્ષણ તળે મૂકીને અર્જુન અને સાત્યકિના માર્ગે જવા તૈયાર થયો.ધર્મરાજાએ તેને ભેટીને તથા તેનું મસ્તક સૂંઘીને શુભ આશીર્વાદ આપ્યા.ભીમે બ્રાહ્મણોનું પૂજન કરીને તેમની પ્રદિક્ષણા કરી.બાહ્મણોએ પણ તેને આશીર્વાદ આપ્યા.પછી,આઠ મંગલ પદાર્થોનો (અગ્નિ,ગાય,સોનું,દૂર્વા,ગોરોચન,અમૃત,ચોખા અને દહીં)સ્પર્શ કરી અને કૈરાતક મધુનું પાન કરીને,તે ભીમસેન મદથી લાલચોળ કટાક્ષયુક્ત નેત્રવાળો દેખાવા લાગ્યો.ને એકાએક શત્રુ સામે ધસી ગયો.તેણે દુંદુભિ વગાડીને શંખનાદ કરી મુક્યો ને સિંહસમાન ગર્જના કરીને તે વારંવાર ધનુષ્યની પણછને ખેંચીને મહાન શબ્દ કર્યો.
તે શબ્દથી વીર પુરુષોનાં મનનું ધૈર્ય ખૂટી ગયું.ને આમ ભીમસેને ઘોર સ્વરૂપ ધારણ કરીને શત્રુઓની સામે એકદમ ધસારો કર્યો.તેના ઉત્તમ ઘોડાઓ વિશોક નામના તેના સારથિની પ્રેરણાથી આગળ ઘસતા હતા.ભીમસેને જોતજોતામાં સેના અગ્ર ભાગને તોડી નાખ્યો.તેની પાછળ શૂરા પાંચાલો અને સોમકો જતા હતા.તે સમયે તમારા પુત્રો,રથીશ્રેષ્ઠો અને અનુચરોને લઈને ધસી આવ્યા ને ભીમસેનને ચારે બાજુથી ઘેરી લીધો.તે વીરો પોતાનાં દિવ્ય અસ્ત્રો ત્યાં દેખાડવા લાગ્યા અને બાણો વડે ભીમસેનને છાઈ દેવા માંડયા.છતાં ભીમસેને તે બધાને વેગપૂર્વક હઠાવી દીધા અને તે દ્રોણાચાર્યના સૈન્ય તરફ ધસ્યો.
ત્યાં આગળ ઉભેલા હસ્તિસૈન્યને તેણે બાણો મૂકીને સર્વ દિશાઓમાં વિખેરી નાખ્યું.ત્યારે દ્રોણાચાર્યે આવી તેને અટકાવી રાખ્યો ને એક નારાચ બાણ મૂકીને તેમણે ભીમસેનના લલાટ પર પ્રહાર કર્યો.દ્રોણાચાર્ય માનતા હતા કે 'જેમ અર્જુને મારી પૂજા કરી હતી તેમ આ ભીમ પણ કરશે'તેથી તેમણે ભીમને કહ્યું કે-'હે ભીમ,આજે શત્રુ તરીકે સામે ઉભેલા મને યુદ્ધમાં જીત્યા વિના તારાથી શત્રુસેનામાં પ્રવેશ થઇ શકે તેમ નથી.અર્જુન મારી સંમતિથી જ આ સેનામાં દાખલ થઇ શક્યો છે' એ વાક્ય સાંભળી ભીમસેન એકદમ ક્રોધાયમાન થઇ ગયો ને કહેવા લાગ્યો કે-'ઓ બ્રાહ્મણ,અર્જુન કંઈ તારી સંમતિથી સૈન્યમાં પેઠો નથી,તે તો ઈંદ્રના સૈન્યમાં પણ પેસી શકે તેમ છે.તેણે તારી પૂજા કરીને તારું માન જાળવ્યું છે,પણ હું અર્જુન નથી.આજ દિવસ સુધી તું અમારો પિતા,ગુરુ અને બંધુ હતો.એટલે જ અમે તને નમતા રહેતા હતા.પણ આજે તું પોતાને અમારા શત્રુ તરીકે ઓળખાવે છે અને તારું મારા પ્રત્યેનું વિરુદ્ધ વર્તન સ્પષ્ટ દેખાય છે.તેથી આજે હું એક શત્રુને યોગ્ય કર્મ કરી દેખાડું છું તે તું જો'
આમ કહીને ભીમસેને પોતાની મહાન ગદાને ફેરવીને દ્રોણ સામે ફેંકી.તે સમયે દ્રોણાચાર્ય એકદમ રથ પરથી નીચે કૂદી પડ્યા.પણ તે ગદાએ જોતજોતામાં તે રથના,સારથી,ઘોડાઓ ને ધ્વજ સાથે ભુક્કા કરી નાખ્યા.તે સમયે તમારા પુત્રો ત્યાં ધસી આવ્યા.દુઃશાસને એક તીક્ષ્ણ શક્તિ તેના સામે ફેંકી જેના ભીમસેને બે ટુકડા કરી નાખ્યા.અને ક્રોધાયમાન થઈને તેણે તીક્ષ્ણ બાણો મૂકીને કુંડભેદી,સુષેણ,દીર્ઘનેત્ર ને વૃંદારકને મારી નાખ્યા.વળી,અભય,રૌદ્રકર્મા,અને દુર્વિચોન નામના તમારા બીજા ત્રણ પુત્રોને પણ ભીમે બાણો મૂકીને હણી નાખ્યા.આમ,જયારે તેણે તમારા પુત્રોને એક પછી એક મારવા માંડ્યા ત્યારે તમારા બીજા પુત્રોએ આવીને તેને ઘેરીને તેના પર બાણોની વૃષ્ટિ કરી.પણ ભીમસેન જરાયે ડગ્યો નહિ.
પછી,તેણે વિન્દ,અનુવિન્દ તથા સુવર્મા નામના તમારા પુત્રોને હસતાં હસતાં જ યમલોકમાં મોકલી દીધા.વળી,તેણે તમારા વીરપુત્ર સુદર્શનને વીંધી નાખીને રણમાં ઢાળી દીધો,ને તમારા સૈન્યને વીંખી નાખ્યું.તમારા પુત્રોના ટોળામાં પણ મોટું ભંગાણ પડ્યું અને તેઓ ભીમના ભયથી વિહવળ થઈને રણમાંથી નાસવા જ લાગ્યા.એ પ્રમાણે તેમને જીતીને ભીમસેન સિંહનાદ અને બાહુઓનો અવાજ કરવા લાગ્યો.આમ, તે મહાબળવાન ભીમસેને સારાસારા યોદ્ધાઓનો સંહાર કરીને કેટલાએક રથી યોદ્ધાઓને ઓળંગી જઈને દ્રોણના સૈન્ય તરફ ધસારો કર્યો.(74)
અધ્યાય-127-સમાપ્ત