અધ્યાય-૧૨૬-યુધિષ્ઠિરની ચિંતા
II संजय उवाच II व्युहेष्वालोयमानेषु पांडवानां ततस्ततः I सुदरमन्वयु: पार्थाः पांचालाः सोमकैः सह II १ II
સંજય બોલ્યો-આમ જયારે દ્રોણાચાર્ય પાંડવોના વ્યુહોને ચારે બાજુથી મથવા માંડ્યા ત્યારે પાંડવો,પાંચાલો અને સોમકો રણમાંથી અત્યંત દૂર નીકળી ગયા.તે સમયે ભયંકર ને રોમાંચકારી સંગ્રામ ચાલી રહ્યો હતો.ત્યાં જાણે પ્રલયકાળના જેવો જગતનો ઘોર સંહાર મંડાઈ રહ્યો હોય તેમ જણાતું હતું.ત્યારે યુધિષ્ઠિરને કશો આરો દેખાયો નહિ ને તેમને ચિંતા થવા લાગી.તેમને અર્જુનના ગાંડીવનો ટંકાર સંભળાતો નહોતો ને સાત્યકિના કોઈ સમાચાર નહોતા.
તે સાત્યકીના સંબંધમાં વિચારવા લાગ્યા કે-'મેં સાત્યકિને પોતે જ આ મહારણમાં અર્જુન પાસે મોકલ્યો છે.પહેલાં તો માત્ર અર્જુનની જ ચિંતા હતી પણ તે હવે બે પ્રકારની થઇ પડી છે.અર્જુનને પગલે સાત્યકિને મોકલ્યો તો હવે સાત્યકીના પગલે બીજા કોને મોકલું?સાત્યકિની શોધ નહિ કરવું તો લોકો મારી નિંદા કરશે કે મેં અર્જુનની શોધ કરાવી પણ સાત્યકિનો પરિત્યાગ કર્યો.
આ રીતના લોકોપવાદના ભયથી ડરીને હું ભીમસેનને જ સાત્યકીના પગલે મોકલું તો સારું.ભીમસેનને આખી પૃથ્વીમાં કશું અસહ્ય હોય તેવું છે જ નહિ.પૃથ્વીના સર્વ ધનુર્ધરોની સામે તે સાવધાન થઈને યુદ્ધ કરવામાં સમર્થ છે.તેના બાહુબળનો આશ્રય કરીને જ અમે વનવાસથી સુખરૂપ પાછા આવ્યા છીએ,ને કેટલાએક યુદ્ધોમાં પરાજય પામ્યા નથી.
આમ,જો ભીમસેનને અહીંથી મોકલવામાં આવે તો અર્જુન અને સાત્યકિ સનાથ થશે.આમ તો તે બંનેના સંબંધમાં શોક કરવાનું જરા પણ કારણ હોય નહિ કેમ કે શ્રીકૃષ્ણ તે બંનેની રક્ષા કરે છે,તો પણ મારે મારા શોકનો વિનાશ અવશ્ય કરવો જ જોઈએ અને તે માટે જ હું ભીમસેનને સાત્યકિના પગલે મોકલીશ.કિમ કે તેમ કરવાથી સાત્યકિ માટે યોગ્ય ઉપાય થયેલો હું માનીશ.'
આમ,યુધિષ્ઠિરે મનમાં આવો નિશ્ચય કરીને સારથિને ભીમસેન પ્રતિ રથ લઇ જવાનું કહ્યું.ભીમસેનના રથ પાસે પહોંચીને તે દુઃખના આવેશવાળા યુધિષ્ઠિરે ભીમસેનને હાંક મારીને બોલાવ્યો ને તેને કહેવા લાગ્યા કે-'હે ભીમસેન,અર્જુન કે જેણે એક રથની સહાયતાથી જ દેવો,ગંધર્વો ને દૈત્યોને જીત્યા છે તેનું જ નામનિશાન મારા જોવામાં આવતું નથી'
યુધિષ્ઠિરને દુઃખી સ્થિતિમાં આવેલા જોઈને ભીમસેન બોલી ઉઠ્યો કે-'હે રાજેન્દ્ર,તમને આવું દુઃખ પૂર્વે કદી થયું હોય એવું મારા જોવામાં આવ્યું નથી.અરે,પૂર્વે અમે બધા દુઃખથી ગભરાઈ ગયા હતા ત્યારે તમે એક જ અમારા આધાર તરીકે રહ્યા હતા.માટે તમે ધીર થાઓ અને મને આજ્ઞા કરો કે હું તમારું કયું કામ કરું?આ જગતમાં મને કંઈ અસાધ્ય નથી.શોક ન કરો'
ત્યારે યુધિષ્ઠિર આંસુભર્યા કંઠે ભીમસેનને કહેવા લાગ્યા કે-'હે ભીમસેન,કોપાયમાન થયેલા વાસુદેવનો પાંચજન્ય શંખનો જેવો શબ્દ સંભળાય છે તેવો અર્જુનના શંખનો શબ્દ સંભળાતો નથી,માટે મને નિઃશંક લાગે છે કે અર્જુન હણાયો છે ને તેથી જ જનાર્દન યુદ્ધ કરી રહ્યા છે.તે શત્રુ સેનામાં જયદ્રથ વધ માટે ગયો છે એટલું જ આપણે જાણીએ છીએ પણ તેના બીજા કોઈ ખબર નથી,તે જ મારા શોકનું કારણ છે.વળી,મેં સાત્યકિને તેના પગલે મોકલ્યો તેના પણ કોઈ ખબર નથી તેથી મારો શોક અધિક વધે છે.તે બંનેના સંબંધમાં મારુ અંતઃકરણ શુદ્ધ રહેતું નથી ને અમંગળ વિચારે છે,ને અતિ શોક કરે છે.માટે હે ભીમ,જે સ્થળે સાત્યકિ ગયો છે ત્યાં તું પણ મારા વચનને તારું કર્તવ્ય માનતો હોય તો જા.કારણકે સાત્યકિ મારુ પ્રિય કરવા મારી આજ્ઞાને માન આપીને,અર્જુનની સહાય માટે આ ઘોર ભારતી સેનામાં દાખલ થયો છે.હે ભીમ,તું પણ ત્યાં જા અને શ્રીકૃષ્ણ,અર્જુન અને સાત્યકિને કુશળ જોઈને તું મને સિંહનાદ કરીને તે સર્વની ભાળ મને આપ' (49)
અધ્યાય-126-સમાપ્ત