May 1, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1121

 

અધ્યાય-૧૨૫-બૃહત્ક્ષત્ર,ધૃષ્ટકેતુ,જરાસંઘનો પુત્ર ને ક્ષત્રધર્મા પડ્યા 


II संजय उवाच II अपराहणे महाराज संग्रामः सुमहानभूत I पर्जन्यसंनिर्घोषः पुनर्द्रोणस्य सोमकैः II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,તે દિવસે બરાબર દિવસના પાછળ ભાગમાં દ્રોણાચાર્ય અને સોમક યોદ્ધાઓ વચ્ચે મહાન સંગ્રામ થઇ રહ્યો હતો.હે રાજા,પોતાના પાંચે ભાઈઓમાં શ્રેષ્ઠ કેકયોનો મહારથી બૃહત્ક્ષેત્ર દ્રોણાચાર્ય સામે ચઢી આવ્યો ને દ્રોણ પર તીક્ષ્ણ બાણો વરસાવી દ્રોણને અત્યંત પીડાવા માંડ્યો હતો.દ્રોણાચાર્યે તેના પર સર્પના જેવા પંદર બાણો ફેંક્યા કે જે બાણોને બૃહત્ક્ષેત્રે વચમાં જ ટુકડા કરી નાખ્યા.બંને વચ્ચે ઘોર સંગ્રામ શરુ થયો હતો.

જયારે દ્રોણાચાર્યે દિવ્ય અને અતિ દુર્જેય એવું બ્રહ્માસ્ત્ર પ્રગટ કર્યું તે સામે કેકયરાજે પણ બ્રહ્માસ્ત્ર પ્રગટાવ્યું ને તેના ટુકડા કરી નાખ્યા.ક્રોધિત દ્રોણે તેના પર એક નારાચ બાણનો પ્રહાર કરીને તેના કવચને ભેદી નાખ્યું.સામે બૃહત્ક્ષેત્રે સિતોતેર બાણો છોડીને દ્રોણને ને તેમના સારથિને વીંધી નાખ્યા.તેના બાણોથી વીંધાયેલા દ્રોણે,બૃહત્ક્ષેત્રના સારથી ને ચારે ઘોડાઓને મારી નાખી એક નારાચ બાણથી તેના હૃદયને ચીરી નાખ્યું.તેને મરણ પામેલો જોઈને શિશુપાલપુત્ર ધૃષ્ટકેતુ દ્રોણની સામે ધસી ગયો ને સાઠ બાણો છોડીને દ્રોણાચાર્યને અત્યંત ખીજવી મુક્યા.


દ્રોણે તીક્ષ્ણ ક્ષુરપ્ર બાણ છોડીને તેના ધનુષ્યને કાપી નાખ્યું ત્યારે ધૃષ્ટકેતુએ નવું ધનુષ્ય લઈને અનેક બાણો છોડીને દ્રોણને વીંધ્યા.હવે,દ્રોણે તેના ચારેય ઘોડાઓને મારીને તેના સારથિના મસ્તકને ઉડાવી દીધું ને તેના ધનુષ્યને કાપી નાખ્યું.એટલે એ ચેદિરાજ હાથમાં ગદા લઈને રથમાંથી કૂદી પડ્યો ને તે ગદાને દ્રોણ તરફ ફેંકી.દ્રોણે,બાણો છોડી તેના વચમાં જ ટુકડા કરી દીધા.ગદાને નિષ્ફળ ગયેલી જોઈને ચેદિરાજે એક તોમર અને એક શક્તિ દ્રોણ સામે ફેંકી.આચાર્યે તેનો પણ બાણો વડે વચમાં જ નાશ કર્યો ને હવે તે ધૃષ્ટકેતુનો નાશ કરવા એક તીક્ષ્ણ બાણ છોડ્યું કે જે તેના કવચને તથા હૃદયને તોડી નાખી જમીનમાં પેસી ગયું.પોતાના પિતા ધૃષ્ટકેતુનો વધ થયેલો જોઈને તેનો પુત્ર તેમની સામે ધસ્યો,ત્યારે દ્રોણચાર્યે તેને કેટલાંક બાણો મારીને હસતાં હસતાં યમરાજને ઘેર વળાવી દીધો.


પાંડવપક્ષના યોદ્ધાઓનો સંહાર થતો જોઈને જરાસંઘનો વીરપુત્ર પોતે તેમની સામે ધસી આવ્યો ને બાણોની ધારાઓ વડે દ્રોણાચાર્યને તે રણમાં સત્વર અદૃશ્ય કરી દીધા.તેનો તે ઝપાટો જોઈને દ્રોણે સામે અનેક બાણો છોડીને તેને છાઈ દીધો અને સર્વ ધનુર્ધરોના દેખતાં જ તે જરાસંઘના પુત્રનો વધ કરી નાખ્યો.હવે,જેમ ઇન્દ્ર મહાસુરોનો વધ કરે તેમ દ્રોણાચાર્ય પાંચાલ યોદ્ધાઓનો વધ કરતા હતા ત્યારે પાંડવોના સૈન્યમાં દુઃખજનક ઘોર શબ્દો થવા માંડ્યા.દ્રોણાચાર્યના બાણોના સખ્ત પ્રહારથી પાંચાલોનાં મન ગભરાઈ ગયાં હતા.ત્યારે ચેદીઓ,સૃન્જયો,કાશી ને કૌશલ યોદ્ધાઓ દ્રોણાચાર્ય સામે 'દ્રોણને મારો' કહેતા ધસી આવ્યા ને તેમને મારી નાખવાની ઈચ્છાથી પોતાની સર્વ શક્તિનો ઉપયોગ કરીને પ્રયત્ન કરવા લાગ્યા હતા.


પરંતુ દ્રોણાચાર્યે બાણો મૂકી મૂકીને તેમને યમરાજને ઘેર વળાવવા માંડ્યા હતા.મુખ્ય મુખ્ય યોદ્ધાઓને મારીને તેમણે ફરીથી પાંચાલ યોદ્ધાઓને પીડાવા માંડ્યા.પાંચાલ યોદ્ધાઓ કંપવા લાગ્યા હતા ને તેઓ ભીમ ને ધૃષ્ટદ્યુમ્નને બોલાવી રહ્યા.એ વખતે ત્યાં હાજર રહેલો ધૃષ્ટદ્યુમ્નનો પુત્ર ક્ષત્રધર્મા દ્રોણાચાર્ય સામે ધસ્યો ને એક અર્ધચંદ્રાકાર બાણ મૂકીને તેણે દ્રોણના ધનુષ્યનાં ટુકડા કરી નાખ્યા.એટલે કોપિત થયેલા દ્રોણાચાર્યે નવું ધનુષ્ય હાથમાં લઈને તેને કાન સુધી ખેંચીને એક તીક્ષ્ણ બાણ અતિવેગથી ક્ષત્રધર્મા સામે છોડ્યું કે જે ક્ષત્રધર્માનો નાશ કરી પૃથ્વીમાં પેસી ગયું.


ધૃષ્ટદ્યુમ્નના તે પુત્ર ક્ષત્રધર્માને મરણ પામેલો જોઈને સૈન્યો કંપી ઉઠ્યાં.તે પછી ચેકિતાન દ્રોણાચાર્ય સામે ચઢી આવ્યો.ને અનેક બાણોથી તેણે આચાર્યને,તેના સારથિને ને ઘોડાઓને વીંધી નાખ્યા.એટલે ક્રોધિત દ્રોણાચાર્યે પણ સામે તેને બે બાહુઓ ને છાતીમાં પ્રહાર કરીને તેના સારથિને હણી નાખ્યો.સારથી વગરના ઘોડાઓ ત્યાંથી પલાયન થઈને જ્યાંત્યાં નાસભાગ કરવા લાગ્યા.તેને જોઈને ચેદી,પાંચાલ ને સૃન્જય યોદ્ધાઓ ત્યાં એકત્ર થયા.ત્યારે દ્રોણાચાર્યે તે સર્વને ત્યાંથી હાંકી કાઢ્યા.પંચાશી વર્ષના વૃદ્ધ દ્રોણાચાર્ય તે વખતે સોળ વર્ષના તરુણ પુરુષની જેમ રણમાં ચારે બાજુ ઘુમતા હતા.ત્યારે એક અક્ષૌહિણી સેનાનો નાયક દ્રુપદરાજ,પાંડવ યોદ્ધાઓને આગળ કરીને યુદ્ધ કરવા ધસી આવ્યો.(78)

અધ્યાય-125-સમાપ્ત