અધ્યાય-૧૨૪-તુમુલ યુદ્ધ
II धृतराष्ट्र उवाच II किं तस्या मम सेनायां नासन् केचिन्म्हरथाः I ये तथा सात्यकिं यांतं नैवाघ्नन्नाप्यवारयन II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-શું મારી સેનામાં તેવા કોઈ મહારથી ન હતા કે તેઓ આમ નિર્ભય થઈને ચાલ્યા જતા સાત્યકિને મારી શક્યા નહિ? હે સંજય,તું મને કહે છે તે પ્રમાણે યાદવવીર સાત્યકિએ રણમાં જે પરાક્રમ કર્યું હતું તે કરવાને ઇન્દ્ર પણ ઉત્સાહ કરી ન શકે.ખરેખર યાદવો ને અંધકોના વીર સાત્યકિનું પરાક્રમ અચિંત્ય ને માનવામાં ન આવે તેવું છે.તારા કહેવા પ્રમાણે હવે મને લાગે છે કે મારા પુત્રો આ જગતમાં નથી જ કારણકે તે એકલા સાત્યકિએ જ મારી ઘણી સેનાનો સંહાર કરી નાખ્યો છે.એટલા બધા યોદ્ધાઓ હતા તે છતાં,સાત્યકિ તેમની વચ્ચેથી કેવી રીતે પસાર થઇ ગયો હતો તે તું મને કહે.
સંજય બોલ્યો-હે રાજન,રથ,ઘોડા તથા પાળાવાળો તમારી સેનાનો સમુદાય તુમુલ હતો અને તેનો દેખાવ સાક્ષાત પ્રલયકાળ જેવો જ હતો.વળી,જયદ્રથના વધપ્રસંગે દ્રોણાચાર્યે જેવો વ્યૂહ રચ્યો હતો તેવો કોઈ વ્યૂહ આ જગતમાં હજી સુધી રચાયો નથી જ.તમારા ને પાંડવોના સૈન્યોમાં અનેક હજારો ને સેંકડો રાજાઓ એકઠા થયા હતા તેઓ કોપાયમાન થઈને યુદ્ધમાં દૃઢ કર્મો કરવાવાળા મહાવીરો હતા,તેમનો પણ ત્યાં તુમુલ શબ્દ થઇ રહ્યો હતો.
હે રાજા,તે સમયે,ભીમ,નકુલ,સહદેવ ને યુધિષ્ઠિર હાંક મારતા હતા કે-'હે યોદ્ધાઓ જલ્દી દોડી આવી શત્રુઓ પર પ્રહાર કરો,કે જેથી સાત્યકિ ને અર્જુન જયદ્રથનો વધ કરવા સુખપૂર્વક આગળ વધી શકે.તે બંનેનો જો નાશ થશે તો કૌરવો જીતશે ને આપણો પરાજય થશે,માટે બધા એકસામટા થઈને આ કૌરવ સૈન્યરૂપ સાગરને એકદમ ખળભળાવી દો' આ હાંક સાંભળીને પાંડવ સૈન્યના યોદ્ધાઓ પોતાના પ્રાણોની પરવા પડતી મૂકીને કૌરવો સામે યુદ્ધ કરવા તૂટી પડ્યા હતા.જયારે તે તુમુલ અને ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે સાત્યકિ તમારાં સર્વ સૈન્યોને જીતીને આગળ વધ્યે જતો હતો.તે વખતે દુર્યોધને આવી પાંડવ સૈન્યમાં ડૂબકી મારી ને પાંડવો ને દુર્યોધન વચ્ચે મહાતીવ્ર ઝપાઝપી ચાલી ને સર્વ ભૂતોનો મહાન નાશ મંડાયો.
ધૃતરાષ્ટ્ર બોલ્યો-હે સૂત,તે સૈન્યો આમ ધસી ગયાં ત્યારે દુર્યોધન ઘણો સંકટમાં આવી પડ્યો હશે.શું તેણે રણમાંથી પલાયન કર્યું નહોતું?કારણકે એકલા મનુષ્યને ઘણાઓની સાથે યુદ્ધ કરવું પડે તે મહાન સંકટ ભરેલું હોય છે તેમાં પણ રાજાને માટે તો ખાસ વિષમ થઇ પડે એમ મને લાગે છે.વળી,દુર્યોધન તો આજ સુધી સુખમાં જ ઉછરીને મોટો થયો છે તો તે એકલો ઘણા રાજાઓની સામે ભેટીને શું વિમુખ થયો તો નહોતો ને?
સંજય બોલ્યો-હે ભારત,તમારા પુત્રનો એકલાનો પાંડવપક્ષના અનેક યોદ્ધાઓની સાથે ઘણો આશ્ચર્યકારક સંગ્રામ થયો હતો.દુર્યોધને શત્રુસેનાને ડહોળી નાખીને તે સેનાનો નાશ કરવા લાગ્યો હતો ત્યારે ભીમ આદિ અને પાંચાલ યોદ્ધાઓ તેની સામે ધસી આવ્યા.તે વખતે દુર્યોધને ભીમ,નકુલ,સહદેવ,યુધિષ્ઠિર,વિરાટરાજ,દ્રુપદરાજ,શિખંડી,ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદીના પાંચે પુત્રોની સામે બાણોની વર્ષા વરસાવીને તેમને વીંધી નાખ્યા.વળી જાણે ક્રોધાયમાન બીજો કાળ હોય તેમ તે બીજા સેંકડો યોદ્ધાઓને,હાથીઓને તથા રથોને ઉગ્ર બાણો મૂકીને કાપવા જ મંડ્યો હતો.દુર્યોધન ક્યારે ધનુષ્યમા બાણ સાંધે છે ને ક્યારે છોડે છે તેની કોઈને ખબર જ પડતી નહોતી માત્ર તેનું ધનુષ્ય ગોળાકારે ફરતું જોવામાં આવતું હતું.
તેવામાં યુધિષ્ઠિરે બે ભલ્લ જાતિનાં બાણ છોડીને દુર્યોધનના ધનુષ્યને કાપી નાખ્યું ને દશ બાણો વડે તેને વીંધી નાખ્યો.તે સમયે પાંડવો એકદમ હર્ષમાં આવી ગયા.હવે દુર્યોધને બીજું ધનુષ્ય હાથમાં લઈને 'ઉભો રહે' એમ બોલતાં યુધિષ્ઠિર સામે તેણે ધસારો કર્યો,ત્યારે પાંચાલ યોદ્ધાઓ બરાબર સજ્જ થઇ ને તેની સામે ધસી આવ્યા.વળી તે જ વખતે દ્રોણાચાર્ય તે બધાને અટકાવવા ત્યાં ધસી આવ્યા ને બાણોની વૃષ્ટિ કરીને તેમને રોકવા લાગ્યા.ત્યારે રુંવાં ખડાં થઇ જાય તેવો સંગ્રામ થઇ રહ્યો હતો.વળી,ભારતી સેનાના મધ્યભાગમાં જે તરફ અર્જુન હતો ત્યાં પણ અર્જુન અને શત્રુ સૈન્યનું તુમુલ યુદ્ધ થઇ રહ્યું હતું.આમ તે વખતે પરસ્પર સૈન્યોનો મહા સંહાર ચાલી રહ્યો હતો,ને રણભૂમિ પર લોહીની નદીઓ વહેતી હતી.(47)
અધ્યાય-124-સમાપ્ત