Apr 29, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1119

 

અધ્યાય-૧૨૩-દુઃશાસનનો પરાજય 


II संजय उवाच II ततो दुःशासनो राजन शैनेयं समुपाद्रवत I किरन शरसहस्त्राणि पर्जन्य इव वृष्टिमान II १ II

સંજય બોલ્યો-હે રાજન,તે પછી,વૃષ્ટિવાળા મેઘની જેમ હજારો બાણોને છોડતા દુઃશાસને સાત્યકિ સામે ધસારો કર્યો ને અનેક દેશોના રથસમુદાય વડે તેને ચારે બાજુથી ઘેરી લઈને અનેક બાણોથી તેને વીંધી નાખ્યો.સામે સાત્યકિએ જરા પણ ગભરાયા વિના,ગર્જના કરીને ભયકંર બાણવર્ષા કરીને તે સર્વ સૈન્યને છાઈ દીધું.બાણોથી ઢંકાઈ ગયેલ તે સૈન્યના યોદ્ધાઓ નાસભાગ કરવા લાગ્યા ત્યારે એકલો દુઃશાસન નિર્ભય થઈને સાત્યકિ સામે ઉભો રહ્યો ને બાણો મૂકીને તેને પીડવા લાગ્યો.

ત્યારે ક્રોધિત સાત્યકિએ સીધી ગતિથી જનારાં બાણો છોડીને તેના રથ,સારથિ ને ધ્વજને અદૃશ્ય કરી દીધા.ને બીજાં અનેક બાણો છોડીને દુઃશાસનને પુરેપુરો ઢાંકી દીધો.તે જોઈને દુર્યોધને ત્રિગર્ત યોદ્ધાઓને સાત્યકિ સામે જવાની આજ્ઞા આપી એટલે તેઓ તરત જ સાત્યકિના રથ સામે ધસ્યા.તે ત્રણ હજાર રથી યોદ્ધાઓએ સાત્યકિને ઘેરી લીધો.વળી,સંશપ્તક યોદ્ધાઓ પણ માંહેમાંહે સ્થિર નિશ્ચય કરીને બાણવૃષ્ટિ કરતા ત્યાં ધસી આવ્યા.સાત્યકિએ તે બધાના સૈન્યના મોખરાના લગભગ પાંચસો યોદ્ધાઓને રણમાં રોળી નાખ્યા.સાત્યકિના કોપથી ડરીને બીજા યોદ્ધાઓ દ્રોણાચાર્યના રથ તરફ નાસભાગ કરવા લાગ્યા.


પછી,પાંચ તીક્ષ્ણ બાણોથી દુઃશાસન પર પ્રહાર કર્યો ત્યારે સામે દુઃશાસને બાણો મુક્યાં,જેને સાત્યકિએ વચમાંથી જ કાપી નાખ્યા ને દુઃશાસનના ધનુષ્યના ટુકડા કરી નાખ્યા.હવે દુઃશાસને તેની સામે એક શક્તિ ફેંકી જેને સાત્યકિએ તોડી પાડી.

ત્યારે દુઃશાસને બીજું ધનુષ્ય ઉઠાવી સાત્યકિને વીંધી નાખી સિંહનાદ કર્યો.બંને વચ્ચે અરસપરસ યુદ્ધ ચાલુ રહ્યું,છેવટે સાત્યકિએ ક્રોધે ભરાઈને દુઃશાસનના ધનુષ્યને કાપી,સારથિને,ઘોડાઓને ને પૃષ્ઠ રક્ષકોને મારી નાખ્યા.રથ વગરનો દુઃશાસન ત્રિગર્ત સેનાના નાયકના રથમાં ચડી ગયો કે જેણે દુઃશાસનને રણમાંથી દૂર કર્યો.તે સમયે રથ વગરના દુઃશાસનને મારી નાખવાનું સાત્યકિએ વિચાર્યું હતું ને તે તેમ કરી પણ શક્યો હોત,પણ તેને ભીમસેનની પ્રતિજ્ઞાનું સ્મરણ થયું ને દુઃશાસનને માર્યા વગર ઉતાવળે જે તરફ અર્જુન હતો તે તરફ ચાલ્યો ગયો (37)

અધ્યાય-123-સમાપ્ત