અધ્યાય-૧૨૨-દ્રોણાચાર્યનું પરાક્રમ
II संजय उवाच II दुःशासनरथं द्रष्ट्वा समीपे पर्यवस्थितम् I भारद्वाजस्ततो वाक्यं दुःशासनमथाब्रवीत् II १ II
સંજય બોલ્યો-તે પછી,દ્રોણાચાર્ય દુઃશાસનના રથને પોતાની પાસે ઉભેલો જોઈને તેને કહેવા લાગ્યા કે-'અરે ઓ દુઃશાસન,આ બધા રથો આમ નાસભાગ કેમ કરે છે?દુર્યોધન તો ક્ષેમકુશળ છે ને?સિંધુરાજ હજી જીવે છે ને?વળી,તું રાજપુત્ર,રાજભ્રાતા ને મહારથી છે છતાં આ યુદ્ધમાં કેમ નાસભાગ કરે છે? પૂર્વે તેં પાંચાલીને કહ્યું હતું કે-'તને અમે જુગારમાં જીતી લીધી છે માટે તું અમારી દાસી થઇ છે.તું દુર્યોધનના વસ્ત્રો પહેરનારી થા કારણકે હવે તારા પતિઓ બધા નપુંસક સરખા જ છે' આવ્યા કહ્યા પછી,તું અત્યારે કેમ પલાયન કરે છે? તેં પોતે જ પ્રથમ પાંડવો ને પાંચાલો સામે મહાન વેર બાંધ્યું છે તો હવે સાત્યકિ સામે આવ્યો છે તો કેમ ભયભીત થઈ ગયો છે?
પાંડવોને કહેવામાં આવેલા અપ્રિય વચનોનું મૂળ કારણ તું જ વિશેષે કરીને થયો છે.વળી,દ્રૌપદીને જે ક્લેશ આપવામાં આવ્યો છે તેનું મૂળ તું જ થયો હતો.તો આજે તારું અભિમાન,પરાક્રમ ને તે ગર્જનાઓ ક્યાં સુકાઈ ગયાં છે?પાંડવોને કોપાવીને તું હવે ક્યાં જઈશ? ખરેખર,આ કૌરવસેના,રાજ્ય અને દુર્યોધન શોચનીય સ્થિતિમાં આવી પડ્યાં છે કારણકે તેનો કઠોર ભાઈ આ સમયે પલાયન થવા તત્પર થયો છે.ઉલટું તારે ભયભીત થઈને નાસભાગ કરતી આ સેનાનું,પોતાના બાહુબળનો આશ્રય કરીને રક્ષણ કરવું જોઈએ.ત્યારે તું પોતે જ નાસભાગ કરીને શત્રુઓને હર્ષ ઉપજાવે છે.
તારા જેવો નાયક જો નાસભાગ કરશે તો બીજો કયો ભયભીત થયેલો યોદ્ધો આ રણમાં ઉભો રહેશે? હજી તો આજે એકલા સાત્યકિને સામે જોતાં તને નાસી છૂટવાની વૃત્તિ સૂઝે છે તો અર્જુન,ભીમ આદિ પાંડવોને યુદ્ધમાં જોઇશ ત્યારે તું શું કરીશ? અત્યારે આ યુદ્ધમાં સાત્યકિનાં બાણો કંઈ અર્જુનના બાણો તો નથી જ છતાં તે બાણોથી ડરીને તું આ સમયે પલાયન કરે છે,માટે તું અહીંથી ઝટપટ ચાલ્યો જા અને ગાંધારીના ઉદરમાં ભરાઈ જા.બાકી તો તું આખી પૃથ્વી પર દોડી જઈશ તો પણ તું જીવતો રહીશ એમ હું જોતો નથી.ભીષ્મે દુર્યોધનને સલાહ કરવાનું કહ્યું હતું પણ મંદબુદ્ધિ દુર્યોધને તેમ કર્યું નહિ.મેં સાંભળ્યું છે કે ભીમ તારા રુધિરનું પણ પાન કરશે.ને એના ધાર્યા પ્રમાણે જ થશે.રણમાં પલાયન કરનારા તેં તેની સામે વેર આરંભ્યું છે તો અહીંથી જા ને સાત્યકિ સામે યુદ્ધ કર.કેમ કે તારા વિના આ સર્વ સૈન્ય અહીંથી નાસી જશે'
દ્રોણાચાર્યે આ પ્રમાણે કહ્યું તો પણ દુઃશાસન કંઈ બોલ્યો નહિ ને સાંભળ્યું ન સાંભળ્યું કરીને મ્લેચ્છોના સૈન્યને લઈને તે સાત્યકિ સામે યુદ્ધ કરવા ધસ્યો.દ્રોણાચાર્ય પાંડવો ને પાંચાલો સામે ધસ્યા ને તેમના સૈન્યનો સંહાર કરવા લાગ્યા.ત્યારે પાંચાલોનો તેજસ્વી પુત્ર વીરકેતુ તેમની સામે ધસી આવ્યો ને પાંચ બાણોથી તેણે દ્રોણને વીંધી નાખીને તેમના સારથિને પણ વીંધ્યો.વેગપૂર્વક ધસી આવેલા તે વીરકેતુની સામે દ્રોણાચાર્ય આગળ વધી શક્યા નહિ ત્યારે સર્વ પાંચાલોએ તેમને ચારે બાજુથી ઘેરીને તેમની પર બાણવર્ષા કરી.સામે દ્રોણાચાર્યે સંખ્યાબંધ બાણો છોડીને તેમના સર્વ અસ્ત્રોનો નાશ કરી નાખ્યો ને એક મહાઘોર બાણ મૂકીને પાંચાલ રાજપુત્ર વીરકેતુને મરણ શરણ કર્યો.
મહાધનુર્ધર અને મહાબળવાન વીરકેતુ આમ માર્યો ગયો ત્યારે ચિત્રકેતુ,સુધન્વા,ચિત્રવર્મા ને ચિત્રરથ-એ ચાર ભાઈઓ પોતાના મરણ પામેલા ભાઈના દુઃખથી ક્રોધિત થઈને એકસાથે દ્રોણાચાર્ય સામે ધસી આવીને તેમના પર બાણવૃષ્ટિ કરવા લાગ્યા.ત્યારે દ્રોણાચાર્યે એકદમ બાણમય જળ રચી ને હસતાં હસતાં તે સર્વને ઘોડા,સારથી ને રથ વગરના કરી મુક્યા ને છેવટે તેમના મસ્તકોને ઉડાવી દીધા.દેવ સરખા મહારથી તે પાંચાલ કુમારોને યુદ્ધમાં મરણ પામેલા જોઈને ધૃષ્ટદ્યુમ્ન ઉદ્વેગ પામ્યો ને કૃદ્ધ થઈને દ્રોણાચાર્યના રથ સામે ધસ્યો.તે સમયે દ્રોણાચાર્યને ધૃષ્ટદ્યુમ્નનાં બાણોથી રથમાં ઢંકાઈ ગયેલા જોઈને સર્વ સૈન્યમાં હાહાકારનો શબ્દ થઇ રહ્યો.ત્યારે દ્રોણાચાર્ય વ્યથિત થયા વિના તેની સામે યુદ્ધ કરી રહ્યા હતા.
તે પછી,ધૃષ્ટદ્યુમ્ને દ્રોણ પર નેવું બાણનો પ્રહાર કર્યો કે જેનાથી તે અત્યંત વીંધાઈ ગયા ને રથની બેઠક પાર મૂર્છાવશ થઈને બેસી ગયા.દ્રોણને આવી અવસ્થામાં જોઈને ધૃષ્ટદ્યુમ્ને ધનુષ્યનો ત્યાગ કરીને હાથમાં તલવાર લઈને રથમાંથી કૂદીને એકદમ દ્રોણાચાર્યના રથ પર ચડીને તેમનું મસ્તકને કાપવા તત્પર થયો.હોશમાં આવેલા દ્રોણે તેને જોઈને ધનુષ્ય ઉઠાવીને નજીકમાં રહેલાને વીંધી નાખનારાં વેંતવેંતનાં વૈતસ્તીક બાણો મૂકીને ધૃષ્ટદ્યુમ્નને વીંધીને ઘાયલ કરી નાખ્યો.આમ તે જયારે વીંધાઈ ગયો કે તરત તે તરત દ્રોણાચાર્યના રથમાંથી કૂદી પડીને પોતાના રથ ચડીને પોતાનું મહાન ધનુષ્ય ગ્રહણ કર્યું.
હવે દ્રોણ અને ધૃષ્ટદ્યુમ્ન વચ્ચે પરસ્પર તુમુલ યુદ્ધ શરુ થયું.બંને એકબીજા પર બાણવર્ષા કરવા લાગ્યા.તે બંનેના બાણો,
આકાશને ને પૃથ્વીને છાઈ દેતા હતા.છેવટે દ્રોણાચાર્યે ધૃષ્ટદ્યુમ્નના સારથિનું મસ્તક ઉડાવી દીધું એટલે સારથિ વિનાના ઘોડાઓ ત્યાંથી નાસવા લાગ્યા.પછી,દ્રોણાચાર્ય,પાંચાલો ને સૃન્જયો સામે લડવા લાગ્યા.જોતજોતામાં તો પાંડવો ને પાંચાલોને હરાવ્યા પછી તે પુનઃ પોતાના વ્યૂહ પાસે આવીને ઉભા રહ્યા ત્યારે કોઈ તેમની સામે લડવાનો ઉત્સાહ કરી શક્યા નહિ.(73)
અધ્યાય-122-સમાપ્ત
