અધ્યાય-૧૨૧-સૈન્યની મધ્યમાં સાત્યકિ
II धृतराष्ट्र उवाच II संप्रमृद्य महत्सैन्यं यातं शैनेयमर्जुनम् I निर्हिका मम ते पुत्राः किमकुर्वत संजय II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યો-'હે સંજય,મહાસૈન્યનો સંહાર કરીને અર્જુન પાસે જતા એ શિનિકુમાર સાત્યકિ સામે મારા બેશરમ પુત્રોએ પછી શું કર્યું હતું?એમનું કઈ રીતે ધૈર્ય રહ્યું હતું?તે સૈન્યમાં પરાજય પામીને ઉભેલા ક્ષત્રિયોએ શું કર્યું હતું?મારા પુત્રો જીવતા હતા,તે છતાં સાત્યકિ કેવી રીતે યુદ્ધમાં આગળ ચાલી ગયો? તે એકલો સાત્યકિ,અનેક મહારથીઓ સામે લડ્યો તે અતિ આશ્ચર્યકારક વાત હું તારી પાસેથી સાંભળું છું.મારા મંદભાગી પુત્રનું તો હવે અવળું જ થવા બેઠું છે,એમ હું માનું છું.
જે સૈન્ય એકલા સાત્યકિને પહોંચી વળ્યું નહિ તે સૈન્ય સર્વ પાંડવોને તો ક્યાંથી પહોંચી વળવાનું છે?દ્રોણાચાર્ય ને કૃતવર્મા જેવા યોદ્ધાઓ સાત્યકિને મારી શક્યા નહિ,તેમાં દુદ્વૈવ સિવાય બીજું શું સમજવું? ખરેખર આ રણભૂમિ પર સાત્યકિએ જેવું યુદ્ધ કર્યું છે તેવું યુદ્ધ તો અર્જુને પણ કર્યું નથી.'
સંજય બોલ્યો-હે રાજન,તમારા દુષ્ટ વિચારોના પરિણામે તથા દુર્યોધને કરેલાં કર્મોના ફળ તરીકે આ જે યુદ્ધ ઉભું થયું છે તે તમે સાવધાન થઈને સાંભળો.હું તમને બધું કહીશ.તે બધા સંશપ્તક યોદ્ધાઓ પણ દુર્યોધનની આજ્ઞા થતાં યુદ્ધ કરવા માટે પુનઃ પાછા ફર્યા હતા.વળી,દુર્યોધનની આગેવાની હેઠળ,ત્રણ હજાર ઘોડેસ્વારો,શક,કામ્બોજ,બાહલીક,યવન,પારદ,કુલિંદ,તંગણ,અમ્બષ્ઠ,
પૈશાચ તથા પર્વતપ્રદેશમાં રહેનારા ભીલ જાતિના યોદ્ધાઓ પથ્થરો હાથમાં લઈને સાત્યકિ સામે ધસી ગયા હતા.તે ઉપરાંત,એક હજાર રથો,સો મહારથીઓ,એક હજાર હાથીઓ અને બે હજાર ઘોડાઓ ને અસંખ્ય પાળાઓ સાત્યકિ સામે ધસ્યા હતા.
ત્યાં,તમારો પુત્ર દુઃશાસન 'આ સાત્યકિને મારી નાખો' એમ બૂમો મારીને તેમને પ્રેરણા કરતો હતો ને સાત્યકિને ઘેરી વાળ્યો હતો.તે સમયે સાત્યકિનું અદભુત પરાક્રમ અમે ત્યાં જોયું હતું.તે એકલો જ શત્રુપક્ષના સર્વ યોદ્ધાઓ સામે યુદ્ધ કરતો હતો.તેણે રથીઓ,હાથીઓ,ઘોડેસ્વારો,ને સર્વ લૂંટારુ સૈન્યોને ચારે બાજુથી મારવા માંડ્યાં હતાં.જોતજોતામાં તો તે રણભૂમિ ત્યાં તૂટેલા રથો,મરેલા હાથીઓ,ઘોડાઓ ને પાળાઓથી ભરાઈ ગઈ.ઠેર ઠેર અંજન,સુપ્રતીક,મહાપદ્મ તથા ઐરાવત કુળમાં જન્મેલા મોટામોટા હાથીઓ ત્યાં મરાઇને પડ્યા હતા.સૈન્યોમાં ભંગાણ પડ્યું હતું ને સૈનિકો નાસભાગ કરતા હતા.
ત્યારે દુઃશાસન તેમને કહેવા લાગ્યો કે-'હે અધર્મને જ સમજનારા યોદ્ધાઓ પાછા ફરો ને યુદ્ધ કરો.'આમ છતાં તેમને અતિશય નાસી જતા જોઈને તેણે પથ્થરોથી યુદ્ધ કરતા પર્વતવાસી શૂરવીરોને આજ્ઞા કરી કે-'તમે બધા પાષાણ યુદ્ધમાં કુશળ છો અને સાત્યકિ તે યુદ્ધને જાણતો નથી,તો તમે આગળ ધસો અને સાત્યકિને મારી નાખો,સાત્યકિ તમને પહોંચી શકશે નહિ'
ત્યારે તે સર્વ પર્વતવાસીઓ મોટામોટા પથ્થરો હાથમાં લઈને સાત્યકિ સામે યુદ્ધ કરવા ધસ્યા.કેટલાક ભીલો હાથમાં ગોફણો લઈને સર્વ દિશાઓને રૂંધી વળ્યા.પોતાની સામે ધસી આવતા તેમને જોઈને સાત્યકિએ નારાચ બાણો મૂકીને તે તુમુલ શિલાવૃષ્ટિને કાપવા લાગ્યો.પથ્થરોના થતા ટુકડાઓથી ત્યાં સૈન્યમાં હાહાકાર વર્તાઈ રહ્યો.
પછી,સાત્યકિએ ઊંચી કરેલી મોટી શિલાઓ વાળા પાંચસો શૂરાઓના બાહુઓને જ કાપી નાખ્યા,તેથી તેઓ પૃથ્વી પર ઢળી પડ્યા.વળી,બીજા એકલાખ-એક હજાર પર્વતવાસી યોદ્ધાઓ તો સાત્યકિ પાસે પહોંચ્યા પહેલાં જ પથ્થર સહિત કપાયેલા હાથ સાથે રણમાં ઢળી પડ્યા.એ ઉપરાંત જે અનેક હજાર પાષાણયુદ્ધ કરનારા શૂરાઓ ઘણો પ્રયત્ન કરીને રણને મોખરે ઉભા હતા તે બધાને પણ સાત્યકિએ યમદ્વાર પહોંચાડી દીધા.એ સમયે સાત્યકિના તીક્ષ્ણ બાણોથી આકાશમાં ફાટી પડતા મોટામોટા પથ્થરોના શબ્દોથી રથ,ઘોડાઓ,હાથીઓ ને પાળાઓ તીવ્ર ચીસો પાડીને સાત્યકિનો ત્યાગ કરીને નાસાનાસ કરવા લાગ્યા હતા.
તેમનો તુમુલ શબ્દ સાંભળીને દ્રોણાચાર્યે પોતાના સારથિને સાત્યકિ સામે પોતાના રથને લઇ જવાની આજ્ઞા કરી.ત્યારે સારથિએ તેમને કહ્યું કે-'હે આયુષ્યમાન,એ તરફ કૌરવોનું સૈન્ય ચારે બાજુ નાસભાગ કરી રહ્યું છે ને આ તરફ સર્વ પાંચાલ યોદ્ધાઓ પાંડવોને સાથે લઈને તમને જ મારી નાખવાની ઈચ્છાથી ચડી આવી રહ્યા છે,આ સમયને ઉચિત આપ જેમ કહો તેમ હું કરું,બાકી સાત્યકિ તો અહીંથી ઘણે દૂર ચાલ્યો ગયો હોય તેમ લાગે છે' તે સારથિ આમ કહી રહ્યો હતો એટલામાં તો રથી યોદ્ધાઓનો સંહાર કરતો સાત્યકિ ત્યાં જોવામાં આવ્યો.એ યુદ્ધમાં તે સાત્યકિ તમારા પક્ષના યોદ્ધાઓને એવો મારી રહ્યો હતો કે તેઓ સાત્યકિના રથને છોડીને દ્રોણાચાર્યના સૈન્ય તરફ નાસી ગયા હતા.અરે,દુઃશાસન જેમને સાથે લઈને યુદ્ધ કરવા ચડી આવ્યો હતો તે પણ બધા ભયભીત થઈને દ્રોણાચાર્યના રથ તરફ દોડી ગયા હતા.
અધ્યાય-121-સમાપ્ત