Apr 26, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1116

 

અધ્યાય-૧૨૦-દુર્યોધન નાઠો 


II संजय उवाच II जित्वा यवनकांबोजान युयुधानस्ततोर्जुनम् I जगाम तव सैन्यस्य मध्येन रथिनां वरः II १ II

સંજય બૉંલ્યો-યવનોનો ને કંબોજોનો એ રીતે પરાજય કરીને રથીશ્રેષ્ઠ સાત્યકિ તમારા સૈન્યની મધ્યમાં થઈને અર્જુન પાસે જવા લાગ્યો.જેમ,કોઈ એક વાઘ મૃગોને ત્રાસ પમાડે તેમ,તે સાત્યકિ તમારા સૈન્યને ત્રાસ પમાડતો હતો.દ્રોણ,કૃતવર્મા,જલસંઘ અને કામ્બોજ યોદ્ધાઓની સેનાને પાર કરીને તે કૌરવોના સૈન્યસાગરના મધ્યમાં તે આવી પહોંચ્યો હતો.તે સમયે તમારા પુત્રો તેને મારી નાખવાની ઈચ્છાથી આગળ ધસી આવ્યા ને તેના રથની આસપાસ વીંટાઈ વળ્યા.આમ,દુર્યોધન,ચિત્રસેન,દુઃશાસન,

વિવિંશતિ,શકુનિ,દુઃસહ,દુર્ઘર્ષણ,ક્રથ-આદિ અનેક શૂરા યોદ્ધાઓ જે અર્જુનની પાછળ જતા હતા તે સાત્યકિ સામે ધસ્યા.

મહાન શબ્દ કરતા તે યોદ્ધાઓને સામે આવતા જોઈને,સાત્યકિએ સારથિને કહ્યું કે-'તું રથને ધીમેથી ચલાવ આ જે સૈન્ય સામે ચડી આવે છે તે સૈન્ય સાગરને હું આગળ વધતું અટકાવીશ ને તેને ખાળી રાખીશ,તું મારુ પરાક્રમ જો.આ સમયે હું તે સર્વને મારા તીક્ષ્ણ બાણોથી વીંધી નાખું છું,ને જેનાથી આજે હજારોનાં શરીરો વીંધાઈ જશે' આમ તે સાત્યકિ કહેતો હતો ત્યારે તેના સામે સર્વ યોદ્ધાઓ ચડી આવ્યા.સાત્યકિએ તેમને પોતાના બાણોથી પીડવા માંડ્યા ને જોતજોતામાં તો તેણે ત્રણસો ઘોડાઓ ને ચારસો હાથીઓને મારી નાખ્યા,સામસામો તુમુલ પ્રહાર થતો હતો ને મનુષ્યોનો ઘોર સંહાર થઇ રહ્યો હતો.


શત્રુઓનાં અનેક બાણોથી સાત્યકિ તદ્દન ઢંકાઈ ગયો હતો,છતાં જરા પણ ગભરાયા વિના તે યોદ્ધાઓનો સંહાર કરી રહ્યો હતો.એ અતિ મહાન આશ્ચર્ય હતું કે સાત્યકીનું એક પણ બાણ નિષ્ફળ થતું નહોતું.તેણે ચોતરફ બાણોનો એવો મારો ચલાવ્યો હતો કે તેથી યોદ્ધાઓ,ઘોડાઓ અને હાથીઓ આકુળવ્યાકુળ થઇ ગયા હતા.ત્યાં કોઈ પણ સાત્યકીના બાણોથી વીંધાયો ન હોય તેવો જોવામાં આવતો નહોતો.અર્જુને પણ તે સૈન્યમાં એવો સંહાર કર્યો નહોતો જેવો ત્યાં સાત્યકિએ કર્યો હતો.અર્જુન કરતાં પણ તે સાત્યકિ વિશેષતાથી યુદ્ધ કરતો હતો,ને નિર્ભય થઈને ઘણી ચાલાકીપૂર્વક પોતાની યુદ્ધ કુશળતાને દર્શાવતો હતો.


તેવામાં રાજા દુર્યોધને આવીને બાણોનો પ્રહાર કરીને સાત્યકિ ને તેના ઘોડાઓને વીંધી નાખ્યા.વળી,દુઃશાસને,શકુનિએ,ચિત્રસેને,

દુઃસહે પણ સાત્યકિ પર બાણોથી પ્રહાર કરીને વીંધ્યો.આટલાં બધાં બાણોનો પ્રહાર થયો હતો છતાં સાત્યકિએ મંદ હાસ્ય કરીને તે સર્વને સામે વીંધી નાખ્યા.તેને શકુનિના ધનુષ્યને કાપી નાખ્યું,ત્યારે તેણે બીજું ધનુષ્ય લઈને તેના પર પ્રહાર કર્યો.

જયારે દુર્યોધને બાણોનો પ્રહાર કરીને સાત્યકિ અને તેના સારથિને વીંધી નાખ્યો ત્યારે,ક્રોધાયમાન થયેલા સાત્યકિએ એલ ભલ્લ બાણ છોડીને દુર્યોધનના સારથિને મારી નાખ્યો,ત્યારે તેના ઘોડાઓ આમતેમ દોડીને તેને રણમાંથી દૂર લઇ જવા લાગ્યા.


તમારા બધા પુત્રો અને બીજા સૈનિકો દુર્યોધનના રથને રણમાંથી પલાયન થતો જોઈને સેંકડોની સંખ્યામાં ત્યાંથી પલાયન થઇ ગયા.આમ તમારા હજારો સૈન્યોને નસાડી મૂકીને સાત્યકિ અર્જુનના રથ તરફ ચાલ્યો ગયો,ત્યારે હે રાજન,તમારા પક્ષના યોદ્ધાઓ પણ તેના મુક્તકંઠે વખાણ કરતા હતા. (48)

અધ્યાય-120-સમાપ્ત