અધ્યાય-૧૨૯-ભીમનો સૈન્ય પ્રવેશ અને કર્ણનો પરાજય
II धृतराष्ट्र उवाच II तथा तु नर्दमानं तं भीमसेनं महाबलम् I मेघस्तनितनिर्घोषं के वीराः पर्यवारयन II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યો-એ રીતે મેઘગર્જના સમાન ઘોષથી ગાજી રહેલા એ મહાબળવાન ભીમસેનને આપણા પક્ષના કયા વીરોએ આગળ વધતો અટકાવ્યો હતો? ક્રોધાયમાન થયેલા ભીમની સામે રણમાં ઉભો રહે તેવો એક પણ પુરુષ મને ત્રણેય લોકમાં દેખાતો નથી.ત્યાં કયા પુરુષો તણખલા સમાન મારા પુત્રોને બાળી નાખવા ઇચ્છતા એ ભીમસેનરૂપ દાવાનળ સામે રણમાં ઉભા રહ્યા હતા?જેમ,કાળ સર્વ પ્રજાઓને તગેડી મૂકે છે તેમ ભીમસેન મારા પુત્રોને તગેડી રહ્યો હતો તો તે જોઈને કયા વીરપુરુષોએ તેને ઘેરી લીધો હતો? ખરેખર મને જેવો ભય ભીમથી થાય છે તેવો ભય નથી થતો અર્જુનથી,કૃષ્ણથી કે ધૃષ્ટદ્યુમ્નથી.મારા પુત્રોને બાળી નાખવાની ઈચ્છાથી ભડભડ થયેલા એ ભીમરૂપી અગ્નિની આસપાસ ક્યા શૂરાઓ વીંટાઈ વળ્યા હતા?તે તું કહે.
સંજય બોલ્યો-મહાબળવાન ભીમસેન જયારે તે પ્રમાણે ગર્જના કરી રહ્યો હતો ત્યારે બળવાન કર્ણ પણ તેવી જ ગર્જના કરીને ભીમસેન સામે ચડી આવ્યો.ને ભીમસેનના માર્ગને રોકીને ઉભો રહ્યો.ને તેમની વચ્ચે ઘમાસાણ યુદ્ધ શરુ થયું.ત્યારે તેમને જોઈ રહેલા બીજા સર્વ યોદ્ધાઓનાં ગાત્રો જાણે થરથર ધ્રૂજતાં હોય તેમ જણાતું હતું.ભીમ અને કર્ણ પરસ્પર બાણો મૂકીને એકબીજાને છાઈ દેતા હતા.ને એકબીજાના બાણોને વચમાં જ કાપી નાખતા હતા.ભીમે કર્ણના ધનુષ્યને મૂઠમાંથી કાપી નાખ્યું ત્યારે કર્ણે નવું ધનુષ્ય લઈને ભીમસેનને અત્યંત વીંધ્યો.એટલે કોપિત થયેલા ભીમે ત્રણ બાણો કર્ણની છાતીમાં ઘોંચી દીધાં.
કર્ણના શરીરમાંથી રુધિર ઝરવા લાગ્યું,તે અતિ સખત પ્રહારથી પીડાઈને કંઇક ડગમગી ગયો પણ તરત જ સ્વસ્થ થઈને ધનુષ્યને કાન સુધી ખેંચીને કેટલાંએક બાણો છોડીને ભીમસેન પર પ્રહાર કર્યો ને તેને પીડવા માંડ્યો.
ત્યારે ભીમસેને એક અસ્ત્રા આકારનું બાણ છોડીને કર્ણના ધનુષ્યની દોરી કાપી નાખી અને બીજા બાણો મૂકીને તેના સારથિને અને તેના ઘોડાઓને પ્રાણરહિત કરી દીધા.તે પછી,કર્ણ તેના રથ પરથી કૂદી પડીને ભયના લીધે એકદમ વૃષસેનના રથ પર ચડી ગયો.આમ,કર્ણનો રણમાં પરાજય કરીને ભીમ મેઘગર્જનાની જેમ મોટેથી ગાજવા લાગ્યો.તે શબ્દ સાંભળીને યુધિષ્ઠિર અત્યંત આનંદિત થયા અને તેમને પણ હર્ષને લીધે ફૂંકેલા શંખોના ધ્વનિથી ને ધનુષ્યના ટંકારોથી પોતાની સેનાને વ્યાપ્ત કરી દીધી.બીજી તરફ અર્જુન પોતાના ગાંડીવનો ટંકાર કરવા લાગ્યો ને શ્રીકૃષ્ણ પોતાનો પાંચજન્ય શંખ વગાડવા લાગ્યા.(39)
અધ્યાય-129-સમાપ્ત